Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઇસ્કોન મંદિરે જન્માષ્ટમી મહામહોત્વની ઉજવણી શરૂ

નિજ મંદિર ફુલો અને રોશનીનો શણગારઃ દિવ્યાંગો અને વૃધ્ધો માટે ખાસ વ્યવસ્થા : છપ્પનભોગ, પ્રવચન કિર્તન, નંદોત્સવ, શીરાના પ્રસાદનો લાભ લેવા ભાવિકોને અનુરોધ

રાજકોટઃઅહિંના ઇસ્કોન મંદિરમાં ૧૮ ઓગષ્ટથી ૨૧ ઓગષ્ટ ચાર દિવસીય જન્માષ્ટમી મહા મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવશે.
આ અંગ વધુ  માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ પ્રમુખ શ્રી વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વખતે સાતમથી  દસમ એટલે કે ૧૮ થી ૨૧  ઓગષ્ટ સુધી ચાર દિવસ માટે મંદિરમા મહોત્સવ યોજવામાં આવશે. જેમાં જન્માષ્ટમીના દિવસે દોઢ લાખ જયારે બાકીના ચાર દિવસોમાં રોજના ૭૦ થી ૮૦ હજાર જેટલા દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે એવું અનુમાન છે. તદુપરાંત જન્માષ્ટમીના દિવસે ઘણા બધા રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના હોદ્દેદારો, સમાજના વિવિધ ક્ષેત્રના માત્યવંતો તેમજ પ્રસિદ્ધ કલાકારો મંદિરે દર્શન કરવા માટે આવશે. જેમના માટે વિશેષ પાર્કિગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જન્માષ્ટમી માટેની તૈયારીઓ મંદિરમાં એક મહિના પહેલાથી જ શરૂ થઇ ચૂકી હતી મંદિરમાં સાફસાફઇ થઇ ચુકી છે અને દર્શનાર્થીઓને તકલીફ ના પડે એ હેતુથી મંદિરના પ્રાંગણમાં મંડપ પણ બાંધવામાં આવ્યા છે. ધક્કામુક્કી  તેમજ કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી વગર દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરી શકે તે હેતુથી મંદિરમાં બેરીકેટ લગાવીને દર્શન પથની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  વૃદ્ધો તેમજ દિવ્યાંગો પણ ભગવાનના દર્શનનો લાભ લઇ શકે તે હેતુથી તેમના માટે વ્હીલચેર અને લિફટ દ્વારા અલગ માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇડો દ્વારા શણગારીને મંદિરને રોશનગાર કરવાની તૈયારીઓ પણ થઇ ગઇ છે. ઇસ્કોન યુથ ફોરમ તેમજ મહિલાઓની આધ્યાત્મિક પ્રગતિ માટે રાધારાણી સભા ચાલે છે જેના સ્ટોલ  તદુપરાંત મંદિરના પ્રાંગણમાં આધ્યાત્મિક પુસ્તકો તેમજ વિવિધ વસ્તુઓના અનેક સ્ટોલનું પણ લગાવવામાં આવેલ છે.
જન્માષ્ટમીના કાર્યક્રમની શરૂઆત સવારે ૪.૩૦ વાગ્યે મંગળા આરતી થશે ત્યારબાદ સવારે   ૮.૩૦ વાગ્યે શ્રૃંગાર દર્શન થશે. સવારે ૭ વાગ્યે ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે અને ૧૦ વાગ્યે શ્રી કૃષ્ણ લીલા ઉપર મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી પ્રવચન આપશે. રાત્રે ૧૦ વાગ્યે ભગવાનનો અભિષેક શરૂ થશે અને રાત્રે બાર વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.  જન્માષ્ટમી દિવસ દરમ્યાન પૂરો દિવસ ભગવાનના દર્શન અને મંદિરમાં સુમધુર ર્કીતન ચાલુ રહેશે. મધુર કિર્તન લાભ મંદિરના પ્રાંગણમાં બેસેલા દર્શનાર્થીઓને મળે તે હેતુથી મંદિરના પ્રાંગણમાં તેમજ પાર્કિંગમાં પણ સ્પીકર લગાવવામાં આવેલા છે. જેથી સમગ્ર વાતાવરણ દિવ્ય ભકિતમય મધુર કીર્તનથી ગુંજી ઉઠશે.
જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા માટે આવનાર સૌ દર્શનાથીઓ માટે શીરો પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જન્માષ્ટમીના પછીના દિવસે એટલે નંદોત્સવના દિવસે ૨૦ ઓગષ્ટ શનિવારે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદનો ૧૨૬મો આવિર્ભાવ દિવસ છે. નદોત્સવના દિવસે સવારે ૭ વાગે શ્રીલ પ્રભુપાદને ૫૬ ભોગ અર્પણ કરવામાં આવશે સવારે ૧૦ વાગે પ્રભુપાદ લીલામૃત પર મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી પ્રવચન આપશે તેમજ સવારે ૧૧ વાગે શ્રીલ પ્રભુપાદનો અભિષેક કરવામાં આવશે.
ચાર દિવસના મહોત્સવ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો લાભ લેવા તેમજ શીરા પ્રસાદનો લાભ લેવા માટે વૈષ્ણવસેવા દાસ પ્રમુખ ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે.  આ અંગે વધુ માહિતી માટે ભકત ભાવિક પંડ્યા, મીડિયા એન્ડ કોમ્યૂનિકેશન  ઇન્ચાર્જ,ઇસ્કોન મંદિર રાજકોટ  (મોે.૯૭૨૬૭૯૭૨૦૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

 

(3:39 pm IST)