Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

લોન લેવા ઇચ્‍છુક ઇમિટેશનના ધંધાર્થી સાથે બજાજ ફાયનાન્‍સના કર્મચારીના નામે ૧.૧૧ લાખની ઠગાઇ

ફેસબૂકમાં લોનની જાહેરાત વાંચી તેમાં લખેલા નંબર ગૂગલમા સર્ચ કરતાં બજાજ ફાયનાન્‍સની લિંક ખૂલી, ફોર્મમાં નામ-સરનામા-આધારકાર્ડ સહિતની વિગતો એડ કરી એપ્‍લાય કર્યા પછી શરૂ થઇ ‘કારીગીરી'

 

રાજકોટ તા. ૧૮: સાયબર ક્રાઇમની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં પટેલ યુવાનને બજાજ ફાયનાન્‍સ કંપનીના કર્મચારીની ઓળખ આપી લોન પાસ કરાવી આપવાના બહાને તેની પાસેથી કટકે કટકે ઓનલાઇન રૂપિયા ટ્રાન્‍સફર કરાવડાવી રૂા.૧,૧૧,૪૭૬ની ઠગાઇ કરવામાં આવી છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ગ્રીનલેન્‍ડ ચોકડી તિરૂપતી બાલાજી પાર્ક મકાન નં. બી-૨૬માં રહેતાં અને ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરતાં મનિષભાઇ બાબુભાઇ સગપરીયા (ઉ.૪૩) નામના પટેલ યુવાની ફરિયાદ પરથી એક મોબાઇલ નંબરના ધારક, એસબીઆઇ બેંકના ખાતા ધારક અને યશ બેંકના ખાતા ધારક તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, આઇટી એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

મનિષભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે મેં તા. ૧૦/૩ના સાંજે સાડા છએક વાગ્‍યે મારા ઘરે હતો ત્‍યારે ફેસબૂકમાં બજાજ ફાયનાન્‍સની લોન માટેની જાહેરાત જોઇ હતી. મારે લોનની જરૂર હોઇ જેથી જાહેરાતમાં બતાવેલા ફોન નંબર ગૂગલમાં સર્ચ કરતાં બજાજ ફાયનાન્‍સની લિંક આવી હતી. તેના પર ક્‍લિક કરતાં લોન માટેના રજીસ્‍ટ્રેશનનું ઓપશન હોઇ તેમાં દર્શાવેલા ફોર્મમાં મેં મારુ નામ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ સહિતની વિગતો એડ કરી હતી. ત્‍યારબાદ બીજા દિવસે મને સવારે દસેક વાગ્‍યે ફોન આવ્‍યો હતો અને ફોન કરનારે પોતે બજાજ ફાયનાન્‍સમાંથી બોલે છે તેમ કહી મને પુછેલુ કે તમે લોન માટે એપ્‍લાય કરી છે? મેં હા પાડતાં મને તેણે બજાજ ફાયનાન્‍સનું આઇકાર્ડ અને આધાર કાર્ડ જેવા ડોક્‍યુમેન્‍ટ  મને વ્‍હોટ્‍સએપથી મોકલ્‍યા હતાં.

એ પછી મને લોન એપ્રુવલ માટે રૂા. ૨૧૯૯ ભરવા પડશે તેમ કહી યશ બેંકના ખાતા નંબર આઇએફએસસી કોડ મોકલતાં અને મની ટ્રાન્‍સફર કરવાનું કહેતાં મેં મની ટ્રાન્‍સફરવાળાને ત્‍યાં જઇ રકમ ભરી હતી. એ પછી મને વીમા માટે રકમ ભરવી પડશે તેમ કહેતાં મારા ખાતામાં પૈસા ન હોઇ મારા ભત્રીજા સુમિત કિશોરભાઇ સગપરીયા (રહે. ખેરડી)ના ગૂગલપેમાંથી રૂપિયા મેળવી ભત્રીજાના મિત્ર નિકુંજ રૈયાણીના ગૂગલ પેમાંથી સામેવાળાના ગૂગલ પેમાં રૂા. ૮૬૫૦ જમા કરાવ્‍યા હતાં. ત્‍યાર પછી મને ટેક્‍સના પૈસા ભરવાનું કહેતાં મેં ભત્રીજા ગોૈરવ સગપરીયાના મિત્ર મોહિતના ગૂગલ પે મારફત રૂા. ૧૬૦૦૦ સામેના શખ્‍સના ગૂગલ પે પર મોકલ્‍યા હતાં.

છેલ્લે મને લોન પાસ કરાવવા માટેના રૂા. ૨૬ હજાર ભરવાનું કહેતારં મેં કેસ રૂપિયા એટીએમમાં જઇ સામેવાળાના એસબીઆઇના ખાતામાં જમા કરાવ્‍યા હતાં. તેમજ બીજા રૂા. ૨૫૯૯૯ મની ટ્રાન્‍સફરવાળાને ત્‍યાં જઇ ફોન પેથી ભર્યા હતાં. મને આ બધી રકમ રીફંડ મળી જશે તેમ કહી વધુ રૂા. ૧૧૯૮૯ ભરવાનું કહેવાતા યશ બેંકના ખાતા નંબરમાં રકમ ભરી હતી. છેલ્લે મારી ભત્રીજી સ્‍વાતીના ગૂગલ પેમાંથી ૧૧૯૮૮ ભર્યા હતાં. આમ કુલ રૂા. ૧,૧૧,૪૭૬ ભર્યા હતાં.  આટલી રકમ ભર્યા પછી મને લોન આપવા માટેની કોઇ પ્રોસીઝર ન થતાં અને જેમાંથી ફોન આવ્‍યો હતો એ નંબર પણ બંધ થઇ જતાં છેતરપીંડી થયાની ખબર પડી હતી.

હેડકોન્‍સ. એચ. જે. સોંદરવાએ એફઆઇઆર નોંધતા પીએસઓ દિપકભાઇ પંડિતે ગુનો દાખલ કરાવ્‍યો હતો. વધુ તપાસ ઇન્‍ચાર્જ પીઆઇ બી. પી. મેઘલાતરે હાથ ધરી છે.

(3:53 pm IST)