Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગ્રામીણ - જરૂરીયાતમંદ લોકોના ઉત્‍કર્ષની પ્રધાનમંત્રીની નેમ સાર્થક બની છે : વડાપ્રધાન દ્વારા ૨૧ હજાર કરોડના લોકાર્પણ

જિલ્લાના ગ્રામ્‍ય ક્ષેત્રના ૩૪૭ તથા રાજકોટના ૧૪૦૬ લાભાર્થીઓને PM આવાસ યોજનામાં આવરી લેવાયા : રાજકોટમાં વર્ચ્‍યુઅલ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે સંપન્‍ન : મહાનુભાવોના હસ્‍તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અપાઇ

રાજકોટ તા. ૧૮ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ઉપસ્‍થિતિમાં રૂા.૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્‍પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણનો વર્ચ્‍યુઅલ કાર્યક્રમ રાજકોટના હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો.

આ પ્રસંગે પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરએ અધ્‍યક્ષીય પ્રવચન કરતાં જણાવ્‍યું હતું કે, પી.એમ. નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૦૧૪ થી ગ્રામ્‍ય વિસ્‍તારો અને  નાનામાં નાના માણસની ચિંતા કરી તેઓના ઉત્‍કર્ષ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે. ગ્રામીણ વિસ્‍તારમાં ‘નલ સે જળ' યોજના અને ‘સૌની' યોજના થકી પીવાના પાણીની વ્‍યવસ્‍થા પૂરી પાડી છે. તે જ રીતે રાજય સરકાર દ્વારા પણ બાળકો-મહિલાઓ-ગરીબો- વંચિતો-શ્રમિકો  સૌ કોઈ માટે વિવિધ યોજનાઓ અને લાભો પૂરા પાડ્‍યા છે.  ભુપતભાઈ બોદરે રાજય સરકારની ઉપલબ્‍ધિઓને બિરદાવી હતી.

ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ એ ઉદબોધન કરતાં જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રીએ સૌને આત્‍મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ આપી છે. જરૂરિયાતમંદ લાભાર્થીને  શોધીને લાભાર્થીઓ સુધી જઈ યોજનાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. લાભાર્થીઓને મળવાપાત્ર સહાય તથા લાભો ડાયરેક્‍ટ બેંક એકાઉન્‍ટમાં જમાં થાય છે.

ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયાએ સરકારની ઉપલબ્‍ધિઓને બિરદાવી સુકન્‍યા સમૃદ્ધિ યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થીઓ જોડાય તેવી અપીલ કરી હતી.

સાંસદ રામભાઇ મોકરિયાએ જણાવ્‍યું હતું કે જીવનના તમામ પડાવમાં મદદરૂપ થવા માટે વિવિધ યોજનાઓ દ્વારા સરકાર નાગરિકોની ચિંતા કરી રહી છે. તેમજ આવાસ મેળવનાર બહેનોને અભિનંદન પાઠવ્‍યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી એ કાર્યક્રમની રૂપરેખા દર્શાવી સ્‍વાગત ઉદબોધન કર્યું હતું. નગરપાલિકાના રિજીયોનલ કમિશ્નર ધીમંત કુમાર વ્‍યાસએ જિલ્લામાં તેમજ નગરપાલિકાના વિસ્‍તારમાં લાભાર્થીઓની આંકડાકીય માહિતી પૂરી પાડી હતી. જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ વડાપ્રધાન મોદીએ કરેલા વિકાસના કામો અને ઉપલબ્‍ધિઓને બિરદાવી હતી.

કલેકટર અરૂણ મહેશ બાબુએ પ્રધાનમંત્રીશ્રીને તમામ ઘરવિહોણા લોકોને ‘ઘરનું ઘર' પૂરૂં પાડવાના મિશનની વાત ઉચ્‍ચારી નિયત સમય મર્યાદામાં લોકોને ઘર મળી રહે તે  માટે વહીવટી તંત્ર દ્વારા અગ્રતાના ધોરણે કામગીરી ધરવામાં આવી રહી છે. તેમ જણાવ્‍યું હતું

 રાજકોટ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના ૩૪૭ અને નગરપાલિકાના શહેરી વિસ્‍તારના ૧૪૦૬ લાભાર્થીઓને પી.એમ. આવાસ યોજના હેઠળ લાભ પૂરો પાડવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમ માં ડી. આર. ડી. એ. ના નિયામક એન. આર. ધાંધલ,  અગ્રણી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તેમજ લાભાર્થી  મહીલાઓ ઊપસ્‍થિત રહ્યા હતા.

(3:36 pm IST)