Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વિશ્વ યોગ દિન : મ્‍યુ. કમિશ્‍નર રેસકોર્સમાં :કલેકટર રાજકુમાર કોલેજ ખાતે કાર્યક્રમ કરશેઃ પાણી-વીજળી-પાર્કિંગ માટેના આદેશો

શાળા-કોલેજો સહિત વધુને વધુ લોકો જોડાય તે માટે અપીલ : કલેકટરની અધ્‍યક્ષતામાં મીટીંગ યોજાઇ

રાજકોટ, તા. ૧૭  - ૨૧ જૂનનો દિવસ ‘માનવતા માટે યોગ' થીમ પર આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે ત્‍યારે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની રાજકોટ જિલ્લામાં થનારી ઉજવણી નિમિત્તે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી હતી.

મિટિંગમાં કલેટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધીઓ પાસેથી આયોજન અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. યોગ માટેની મેટ્‍સ, પાણી, વીજળી, સ્‍વચ્‍છતા, કાયદો વ્‍યવસ્‍થા, પાર્કિંગ તેમજ અન્‍ય આનુષાંગિક  વ્‍યવસ્‍થાઓની સમીક્ષા કરી હતી.

રાજકોટ શહેરનો મુખ્‍ય કાર્યક્રમ રેસકોર્સ મેદાન ખાતે તેમજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજકુમાર કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે યોજાશે. જેમાં મોટી સંખ્‍યામાં એનસીસી કેડેટ્‍સ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્‍વૈરિછક સંસ્‍થાઓ, ધાર્મિક અને સામાજિક સંસ્‍થાઓ વગેરેના લોકો વધુમાં વધુ જોડાય તેવો કલેક્‍ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓ, નાયબ જીલ્લા વિકાસ અધિકારીઓ તેમજ યુનીવર્સીટીના પ્રતિનિધિઓ, ધાર્મિક અને સામાજિક સંસ્‍થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:26 pm IST)