Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ટ્રાફિક વોર્ડને ફિનાઇલ પી પત્‍નિને પણ પીવડાવ્‍યું

આજીડેમ ચોકડી પાસે ગજેરા પાર્કમાં બનાવઃ પતિ-પત્‍નિ બંને સારવારમાં : બંનેએ લવમેરેજ કર્યા છેઃ પતિ નરેન્‍દ્ર ચુડાસમા સતત શંકા કરી મારકુટ કરી ત્રાસ આપતો હોવાનો પત્‍નિ નિવેદીતાનો આક્ષેપ : આજીડેમ ચોકડી પાસે ગજેરા પાર્કમાં બનાવઃ પતિ-પત્‍નિ બંને સારવારમાં

રાજકોટ તા. ૧૮: આજીડેમ ચોકડી નજીક ગજેરા પાર્કમાં પેટ્રોલ પંપની પાછળ રહેતાં અને ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરતાં મોચી યુવાને સવારે પત્‍નિ સાથે માથાકુટ થયા બાદ ફિનાઇલ પી લેતાં અને બાદમાં પત્‍નિને પણ પીવડાવી દેતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. ચાર વર્ષ પહેલા આ બંનેને લવમેરેજ કર્યા છે. પત્‍નિએ આક્ષેપ કર્યો હતો કે પતિ સતત શંકા કરી મારકુટ કરી ત્રાસ ગુજારે છે. ગઇકાલે પાઇપથી ફટકાર્યા બાદ આજે સવારે ઇંટ ફટકારી હતી અને બાદમાં ફિનાઇલ પી મને પણ પીવડાવી દીધી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગજેરા પાર્કમાં રહેતી નિવેદીતા નરેન્‍દ્ર ચુડાસમા (ઉ.વ.૨૧) નામની પરિણીતા સવારે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. તેણે પોતાને પતિ નરેન્‍દ્રએ ફિનાઇલ પીવડાવી દીધાનો આક્ષેપ કરતાં તબિબે પોલીસ ચોકીમાં જાણ કરતાં આજીડેમ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ પતિ નરેન્‍દ્ર હસમુખભાઇ ચુડાસમા (ઉ.૨૫) પણ સારવાર માટે દાખલ થયો હતો અને તેણે પોતે ફિનાઇલ પી લીધાનું કહેતાં તેને તબિબે દાખલ કરી પોલીસને જાણ કરી હતી.

આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદીએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી. પત્‍નિ નિવેદીતાએ કહ્યું હતું કે મેં ચાર વર્ષ પહેલા નરેન્‍દ્ર ચુડાસમા સાથે કોર્ટમેરેજ કર્યા છે. અમારે સંતાન નથી. પતિ નરેન્‍દ્ર ચાર વર્ષથી ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરે છે. તે સતત મારા પર શંકા કર્યા રાખે છે. નોકરી પર જાય ત્‍યાં પણ હાજરી પુરાવીને ઘરે આવી જાય છે. બંદોબસ્‍ત હોય ત્‍યારે ત્રણ ચાર કલાક નોકરી કરે છે. મારે માવતરે જવું હોય તો પણ ના પાડી ઝઘડો કરે છે. ગઇકાલે મેં માવતરે જવાની વાત કરતાં પાઇપથી ફટકારી હતી. મારા માવતર રણુજા મંદિર પાસે રહે છે. આજે પણ સવારે પતિ નરેન્‍દ્રએ મને ઇંટ ફટકારી હતી અને ઝઘડો કરી પોતે થોડુ ફિનાઇલ પી ગયો હતો અને બાદમાં મને પણ પીવડાવી ભાગી ગયો હતો.

એ પછી મારા માવતરને જાણ થતાં દવાખાને દાખલ થઇ હતી. પાછળથી પતિ પણ સારવાર માટે દાખલ થયો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:20 pm IST)