Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

પીજીવીસીએલના મહિલા કર્મચારીને જુનીયર કર્મચારી ધિરેન વ્યાસનો ત્રાસઃ ઉચ્ચ અધિકારીઓ સુધી રજુઆત

સ્ત્રી સશકિતકરણના બણગા ફુંકતી સરકારમાં મહિલા કર્મચારીઓની સલામતી સામે પ્રશ્નાર્થ

રાજકોટ, તા., ૧૮: પીજીવીસએલના આજી-૧ પેટા વિભાગમાં ફરજ બજાવતા સિનીયર આસીસ્ટન્ટ શ્રીમતી એસ.વી.ટાંકને તેના જુનીયર કર્મચારી દ્વારા અપશબ્દો બોલી ગેરવર્તણુક કરાતા આ મામલે ઉચ્ચ અધિકારી સુધી ફરીયાદ પહોંચી છે.

ફરીયાદ અરજીમાં જણાવાયું છે કે તા.૩ જાન્યુઆરીના રોજ નાયબ ઇજનેર શ્રી દ્વારા લીગલ તથા થેફટના કામ બાબતે મને રૂબરૂ બોલાવી પુછતાછ કરતા મેં વાસ્તવિક સ્થિતિ જણાવી હતી. ત્યાર બાદ સાંજે પ.૩૦ વાગ્યે કચેરીમાં બધા હાજર હતા ત્યારે ચર્ચા દરમિયાન મેં કહેલું કે, નાયબ અધિક્ષક શ્રીને બધા કરતા મારી પાસે કામનું ભારણ ખુબ જ છે એવું જણાવ્યું છે. આ વખતે નાયબ અધિક્ષક શ્રી કપીલભાઇ ગોસ્વામી, ધીરેનભાઇ વ્યાસ તથા હિમાંશુભાઇ મકવાણા હાજર હતા. આ સમયે ધીરેનભાઇ વ્યાસે મોટે મોટેથી બોલી એવું કહેવા લાગ્યા કે, તમે મારૂ નામ લેતા નહિ, એટલે મેં કહયું કે, મેં તમને કયાં વ્યકિતગત કહયું છે. એટલે તેઓ વધુ ઉશ્કેરાઇ મારૂ નામ લેવું જ નહી, એમ કહી તોછડુ વર્તન કરવા લાગેલ. ત્યારે મેં વધુ એક વખત મેં તમને કાઇ કહયું નથી તેમ કહેતા 'નામ લેવાની..... કયા દેશ, અને તારાથી જે થાઇ તે કરી લેજે, તારે જેને કહેવું હોય તેને કહેજે' તેમ કહી અપશબ્દો બોલી અણછાજતું વર્તન કર્યુ હતું.

આ કર્મચારી દ્વારા મારી સાથે અવારનવાર ઉંચા અવાજે વાત કરી માનસીક ત્રાસ આપવામાં આવે છે અને મારી વિષે એલફેલ બોલી ગેરસમજ ફેલાવી મારા ઓફીસકામમાં અડચણ ઉભી કરવામાં આવે છે. આ પ્રકારની વર્તણુકથી હું ખુબ જ માનસીક ત્રાસી ગઇ છું. ઓફીસ સમય બાદ ઘરે આવ્યા પછી પણ ચિંતામાં રહું છું. મારા કામના કલાકથી વધુ સમય આપી મારૂ કામ પુરૂ કરવા પ્રયત્ન કરૂ છું છતાં ઉપરી અધિકારી તરફથી મને મદદ કરવા કે બચાવવા કોઇ પ્રયત્ન થતા નથી. ધીરેનભાઇ દ્વારા મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવાની આ બીજી ઘટના છે. અગાઉ પણ માફા-માફી કરી હતી. પરંતુ પછી ફરી હું તમને અહીંયા બેસવા જેવા નહિ રહેવા દઉં તેવી ધમકીભરી ભાષાનો ઉપયોગ મારી સાથે કર્યો હતો.

આમ મને સતત માનસીક ત્રાસ આપી અપશબ્દો બોલી સ્ત્રી ઔચિત્યનો ભંગ કરવામાં આવે છે. આ બાબતે તુરંત યોગ્ય કરવા ઉચ્ચ અધિકારી સમક્ષ મારી માંગણી છે.

(12:37 pm IST)