Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પેજ પ્રમુખ એ ભાજપનો વિજય મંત્ર : રાજકોટ બનશે કોંગ્રેસમુકત : સી.આર.પાટીલ

વિધાનસભા-૬૮માં ૨૫ હજારથી વધુ પેજ પ્રમુખોને પ્રદેશ પ્રમુખની ઉપસ્‍થિતિમાં કાર્ડ અર્પણ કરાયા

રાજકોટ તા. ૧૮ : પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં પેજ પ્રમુખ અને પેજ સમિતિ નું કાર્ય હાથ ધરવામાં આવેલ છે ત્‍યારે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલની ઉપસ્‍થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની  અધ્‍યક્ષતામાં  સામા કાંઠા વિસ્‍તારમાં વિવાહ પાર્ટી પ્‍લોટ ખાતે વોર્ડ નં. ૩,૪,૫ ૬, ૧૫, ૧૬ના પેજ પ્રમુખ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં સંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ  બોઘરા, નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ભરત બોઘરા, ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, જનકભાઈ કોટક, ઉદય કાનગડ, ડો. જૈમન ઉપાઘ્‍યાય, બીનાબેન આચાર્ય, પ્રતાપભાઈ કોટક, કાશ્‍મીરાબેન નથવાણી, ભાનુબેન બાબરિયા, રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી દેવાંગ માંકડ, જીતું કોઠારી, કિશોર રાઠોડ સહીત ના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ સી. આર પાટીલ નું સૌપ્રથમ શહેર ભાજપ દ્વારા ફૂલહારથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને  સામા કાંઠા વિસ્‍તાર ના વિવિધ એસોસીએશન દ્વારા શિલ્‍ડ અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમના પ્રારંભમાં શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણીએ સ્‍વાગત કરીને રાજકોટ શહેરમાં ઝડપભેર ચાલતી પેજ પ્રમુખ - પેજ સમિતિની કામગીરીની વિગતો આપી હતી.  આ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી કિશોર રાઠોડે  અને અંતમા આભારવિધિ ધારાસભ્‍ય અરવીંદ રૈયાણીએ કરેલ હતું.

 આ તકે વિશાલ પેજ કાર્યકર્તા સંમેલન ઉપસ્‍થિત કાર્યકર્તા ઓ ને સંબોધન કરતા અને સ્‍વાગત પ્રવચન કરતા કમલેશ મીરાણી એ જણાવ્‍યું હતું કે પેજપ્રમુખ અને પેજસમિતિ કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટ શહેર ભાજપ નંબર વન તરીકે આવેલ છે.

આ તકે ઉદ્દબોધન કરતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ની પેજ સમિતિ એ બ્રહ્માષા છે અને તેના પરિણામો આગામી સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીના પરિણામોમાં વિરોધ પક્ષ જોઈ શકશે. આ પેજ કમીટી દ્વારા કાર્યકર્તાઓએ તાકાત બતાવેલ છે, આજે જયાં જશો ત્‍યાં પેજ કમિટીની વાત ભાજપ કાર્યકરો કરે છે. ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ કહે છે કેપેજ કમિટીને ચૂંટણી જીતવાનો વિજય મંત્ર છે.

જયારે સી.આર. પાટીલે જણાવેલ કે, ૧૯પ૦ થી અત્‍યાર સુધીની ૧૭ જેટલી લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં સૌથી વધુ લીડ આ પેજકમિટીના પરીણામે થયેલ છે. મે ચૂંટણીમાં એકપણ ગ્રુપ મીટીંગ, જાહેર સભા કરેલ નથી કે વર્તમાનપત્ર માં જાહેરાત પણ આપેલ નથી.

રાજકોટના કાર્યકર્તાઓની કામગીરીની સરાહના કરીને તેમણે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં બધી ૭ર બેઠકો જીતવાના સંકલ્‍પ સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.

પ્રદેશ અઘ્‍યક્ષ પાટીલજીએ આ તકે કાર્યકર્તાઓને સારૂ કામ કરીને પરીણામો લાવે છે ત્‍યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સંગઠનના હોદેદારોને  જોવા ખાસ જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર તથા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજય સરકાર વિવિધ યોજનાઓની જાણકારી માટે બનાવેલ એપને ડાઉનલોડ કરીને દરેક સ્‍તરના લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે તેનો પ્રચાર-પ્રસાર કરશો. જે તે યોજનાના લાભાર્થીઓને લાભ અપાવશો તો તમને પણ સંતોષ થશે. તમે કામની પઘ્‍ધતી બદલો અને કેન્‍દ્રની ૩૭પ યોજનાઓ તથા રાજય સરકારની યોજનાઓઓ લાભ લોકોને અપાવો આમ કાર્યકર્તાઓને શીખ આપી હતી, તેમજ આ પેજપ્રમુખ કાર્યકર્તા સમેલનમાં અંદાજે રપ હજારથી વધુ પેજ પ્રમુખના કાર્ડ આપવામાં આવ્‍યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા  શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને ધારાસભ્‍ય અરવીંદ રૈયાણીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા-૬૮ના મુખ્‍ય કાર્યકર્તાઓએ વ્‍યવસ્‍થા સંભાળી હતી.

(4:37 pm IST)