Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

યા દેવી સર્વભૂતેષુ, શકિતરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

નવરાત્રીનો પ્રારંભ : ઘરે ઘરે ઘટ સ્થાપન સાથે શકિત આરાધના

કોરોનાની મહામારીમાં સાવધાનીની પહેલ : મોટાભાગના પ્રાચીન અર્વાચીન જાહેર આયોજનો બંધ : સોશ્યલ મીડિયામાં ગરબાની રમઝટ : ડીઝીટલ ભકિત

રાજકોટ તા. ૧૭ : ''યા દેવી સર્વભુતેષુ શકિતરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ '' માં ના નોરતાનો આજથી મંગલ પ્રારંભ થઇ ચુકયો છે. આજે આસો સુદ એકમના પ્રથમ નોરતુ છે.

કોરોના મહામારી ધ્યાને લઇને ભલે નવરાત્રીના ઝાકમઝોળ જાહેર આયોજનો બંધ રહ્યા હોય. પરંતુ ઘરે ઘરે અને સોસાયટીના ચોગાનોમાં સાવધાની ભકિત કરવાના આ અવસરને કોણ ભૂલે?

હોંશે હોંશે ભાવિક ભકતોએ શકિતના પ્રતિક ગણાતા ગરબા એટલે કે ઘટ સ્થાપન કરીને આજથી આરાધનાઓ શરૂ કરી દીધી છે. ઘરે ઘરે નવ દિવસ સુધી ધૂપની ધુમ્રશેરો વચ્ચે પાઠ, પુજા, પ્રાર્થના, સ્તુતિ સહીતની આરાધના સાથે શકિત વંદના થશે.પરિસ્થિતીને સમજીને પ્રાચીન અર્વાચીન આયોજકોએ આ વર્ષે મોટા આયોજનો બંધ રાખવા નિર્ણય કર્યો છે. અમુક સ્થળોએ સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે માત્ર આરતીના આયોજનો કરવામાં આવ્યા છે.

પરંતુ માતાજીને કાલાવાલા કરવાના આ દિવસો એમ થોડા જતા કરાય? લોકોએ તેનો રસ્તો પણ શોધી લીધો. આ વર્ષે સોશ્યલ મીડિયા ઉપર માતાજીની ડીઝીટલ ભકિત ચાલી રહી છે. વોટસએપ, ટવીટર, ફેસબુક પર માતાજીના ગરબા તેમજ નવરાત્રીની શુભેચ્છા પાઠવતા મેસેજની ભરપુર સંખ્યામાં આપ લે થઇ રહી છે. ત્યારે મા જગદંબા લોકોને આ કોરોનાની મહામારીમાંથી ઉગારે અને સૌને સ્વસ્થતા પ્રદાન કરે તેવી આ નવરાત્રીમાં પ્રાર્થના કરીએ!

(2:48 pm IST)