Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

તું મારી પત્નિને બહુ મેસેજ કરે છે, આજે તો તને જોઇ લઇશ...ધમાએ રિક્ષાચાલક પ્રકાશનો પગ ભાંગી નાંખ્યો

થોરાળા રામનગરના યુવાન પ્રકાશને પારકી પરણેતર સાથે મોબાઇલમાં મેસેજની આપલે કરવાનું મોંઘુ પડ્યું

રાજકોટ તા. ૧૭: થોરાળા રામનગરમાં રહેતો રિક્ષાચાલક યુવાન વિસ્તારની મહિલા સાથે ફોનમાં વાત કરવાના અને મેસેજ કરવાના સંબંધ ધરાવતો હોઇ તેણીના પતિને ખબર પડી જતાં વાત કરવાના બહાને જયનાથ પંપ પાસેના રોડ પર બોલાવી 'તું મારી પત્નિને બહુ મેસેજ કરે છે, આજ તો તને જોઇ લઇશ'...કહી પાઇપથી ફટકારી રિક્ષાચાલકનો પગ ભાંગી નાંખતાં વાત પોલીસ સુધી પહોંચી છે.

આ બનાવમાં થોરાળા પોલીસે નવા થોરાળા રામનગર-૩માં રહેતાં રિક્ષાચાલક પ્રકાશ ખોડાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ધર્મેશ જીવણભાઇ પરમાર વિરૂધ્ધ આઇપીસી ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

પ્રકાશ રાઠોડે ફયિરાદમાં જણાવ્યું છે કે હું શુક્રવારે બપોરે રિક્ષાના ભાડા કરવા ગોંડલ ચોકડીએ મારી રિક્ષા લઇ મુસાફરોની રાહ જોઇને ઉભો હતો ત્યાં અમારા પડોશમાં ક્રિષ્ના પાર્ક-૨માં રહેતાં ધર્મેશ ઉર્ફ ધમો પરમાનો મારા પર ફોન આવ્યો હતો અને  'તું કયાં છો, મારે તને મળવું છે, તું જયનાથ પેટ્રોલ પંપે આવી જા' તેમ કહેતાં મેં તેને હું ગોંડલ રોડ ચોકડીએ છું તેમ કહ્યું હતું. બાદમાં ચારેક વાગ્યે પંપે પહોંચ્યો હતો. એ પછી ધર્મેશને ફોન કરી હું આવી ગયો છું તેવી જાણ કરતાં ધર્મેશ સામેની સાઇડથી ચાલીને મારી પાસે આવ્યો હતો.

એ પછી તેણે 'તારો ફોન આપ તેમાં મારી પત્નિના કે મારા છોકરાના ફોટા હોય તો ડિલિટ કરી નાંખજે' તેમ કહેતાં મેં તેને મારો ફોન આપ્યો હતો. પણ તેણે ફોન જોયા પછી રોડ પર ફેંકી દેતાં મેં તેને આ રીતે ફોનનો ઘા શું કામ કર્યો? તે મમુછતાં તેણે 'તું બહુ મારી પત્નિને મેસેજ કરે છે, આજે તો તને જોઇ લઇશ' કહી ત્યાં પડેલી કારમાંથી ગલવેનાઈજનો પાઇપ કાઢી મારવા માંડ્યો હતો. ચાર-પાંચ ઘા મારતાં ડાબા પગમાં ગોઠણ નીચે ફ્રેકચર થઇ ગયું હતું. તેમજ જમણા પગમાં મુંઢ ઇજા થઇ હતી.

ધર્મેશની પત્નિ સાથે મારે બે મહિના પહેલા બોલવાનો અને મેસેજ કરવાનો સંબંધ હતો. આ વાતની ધર્મેશને ખબર પડી જતાં મને વાત કરવાના બહાને બોલાવી હુમલો કરી એક પગ ભાંગી નાંખ્યો હતો અને ગાળો દીધી હતી. હેડકોન્સ. બી.આર. વાસાણીએ ગુનો દાખલ કરતાં પીએસઆઇ એ. એલ. બારસીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)