Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોના કાળમાં કોંગ્રેસ કોરોના વોરીયર્સનું મોરલ તોડે છેઃ સરકાર સામે પાયાવિહિન આક્ષેપો

કોંગી નેતાઓ પહેલા હકીકત જાણે પછી આક્ષેપો કરેઃ લોહી ટેસ્ટના મશીન ચાઇના જ નથી બનાવતુ બીજા અનેક દેશો બનાવે છેઃ કલેકટર સહીતના અધિકારીઓ ઉમદા કામગીરી કરે છે ત્યારે હવનમાં હાડકા નાખવાનું બંધ કરોઃ ભંડેરી-ભારદ્વાજનો કોંગી આગેવાનોને સણસણતો જવાબ

રાજકોટ તા. ૧૭: સિવિલ હોસ્પિટલમાં ચાઇનાના મશીન, રાજય સરકાર, સ્થાનિક તંત્ર તેમજ રાજકોટમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ બાબતે કોંગ્રેસના નેતા અશોક ડાંગર, ડો. હેમાંગ વસાવડા, ગાયત્રીબા જાડેજા અને મહેશ રાજપૂતના આક્ષેપો, સવાલો, શંકાઓ અને માંગણીઓને પાયાવિહોણી, બિનજરૂરી, ગેરમાર્ગે દોરનારી, અફવાયુકત ગણાવી પ્રદેશ ભાજપ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજે તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી જણાવ્યું હતું કે, રાજય સરકારના ઉપક્રમે જી.એમ.એસ.સી.એલ. દ્વારા રાજયભરમાં મેડિકલ કોલેજમાં  ચીનના મશીન પહોંચાડવામાં આવ્યા હતા. લોહીમાં રકતકણો ગણી આપવાનું કામ કરતા અંદાજીત ર૦ લાખની કિંમતના બે મશીન સિવિલ હોસ્પિટલમાં મુકવામાં આવ્યા છે. આ મશીન જે કંપની દ્વારા આ તૈયાર કરવામાં આવ્યા છે તે કંપનીની સ્થાપના ફકત વર્ષ ૧૯૯૧માં ચીનમાં થઇ હતી અને હાલમાં દરેક દેશમાં તેની બ્રાન્ચ ઓફીસો આવેલી છે. મેન્યુફેકચરિંગ થાય છે. તેને માત્ર ચીન સાથે સબંધ નથી. પાયાવિહીન આક્ષેપો અને સમાજવિરોધી હરકતો એ કોંગ્રેસની પરકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ છે.

ભંડેરી-ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, સંપૂર્ણ કોરોનાકાળમાં આજ સુધી કોંગ્રેસી નેતાઓએ માત્ર સકાર અને સરકારી અધિકારીઓ પર સવાલો જ ઉઠાવ્યા છે અને અંતે કોરોના વોરીયર્સ પર પણ મનઘડત આક્ષેપો કરી એમનું મોરલ તોડયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલ આરોગ્ય સચિવ જયંતી રવિ તેમજ રાજકોટમાં સ્થાનિક કક્ષાએ મહાનગરપાલિકા તંત્ર વગેરે તથા સરકારી-બિન સરકારી તમામ સંસ્થાઓ ઉત્તમ કામગીરી કરી કોરોનાને કાબૂ લેવા દિવસ-રાત મહેનત કરી રહી છે. ફકત એક રાજકોટમાં જ તો કોરોના વકર્યો હોય એવું નથી. અમદાવાદ, બરોડા, સુરત, મુંબઇ, પુના, બેંગ્લોર, દિલ્હીથી લઇ છેક અમેરિકા, બ્રાઝીલ, ઇઝરાયલ જેવા મોટા-મોટા શહેરો-દેશોમાં કોરોનાનાં કેસ વધ્યા છે. એકલા રાજકોટમાં કોરોના કેસ વધી રહ્યા છે એવું નથી અને એ પાછળ સરકાર કે સ્થાનિક તંત્ર કે જનતા જવાબદાર નથી. કોરોનાના ફેલાવા માટે કોઇને દોષ દેવો યોગ્ય નથી. કોંગ્રેસનાં નેતાઓ સરકારનો વિરોધ કરવામાં ત્યાં સુધી મર્યાદા ચૂકી જાય છે કે તેઓ તેમનું સ્વાસ્થ્ય-સુરક્ષા મામલે રક્ષણ કરતા પોલીસ-ડોકટર્સ પર આંગળી ચીંધી સમગ્ર પોલીસ બેડા અને ડોકટરી આલમનું અપમાન કરે છે. કોંગ્રેસે આવી નીચલી કક્ષાની રાજનીતિ બંધ કરી દેવી જોઇએ. અત્રે ખાસ જણાવવાનું કે, માત્ર ભાજપ કાર્યક્રમથી પણ કોરોના ફેલાયો હોય એવું નથી. જો એવું હોતું તો માત્ર ભાજપનાં જ લોકોને જ કોરોના થાત પરંતુ કોંગ્રેસનાં પ્રદેશ કક્ષાનાં નેતાઓથી લઇ સ્થાનિક કોર્પોરેટરને પણ કોરોના થયો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રાજકોટમાં આવ્યો ત્યારે સોશિયલ ડિસ્ટન્સથી લઇ કોરોનાની કઇ ગાઇડલાઇનનું પાલન કોંગ્રેસે કરેલું છે એ જણાવવું જોઇએ.

બંને ભાજપ આગેવાનોએ જણાવ્યું છે કે, કોંગ્રેસ નેતા એવું પણ કહી રહ્યા છે કે, રાજકોટ કલેકટર રેમ્યા મોહનને ફરજીયાત કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની બદલી થશે વગેરે વગેરે અફવાઓ ફેલાવી સરકાર અને સ્થાનિક તંત્ર વચ્ચે અરાજકતા ઉભી કરવા ઇચ્છતા કોંગ્રેસ નેતાઓ રાજકોટ કલેકટરની કામગીરીને બિરદાવી ન શકે તો કંઇ નહીં પરંતુ દિવસ-રાત જીવનાં જોખમે પોતાની જવાબદારી અદા કરી કોરોનાગ્રસ્ત થયેલા રાજકોટ કલેકટર વિશે આ પ્રકારનું બયાન ન આપવું જોઇએ. સત્તા માટે હવાતિયા મારતી કોંગ્રેસનાં નેતાઓ ભાન ભૂલ્યા છે, તેઓ જે કંઇપણ કહી-બોલી રહ્યાં છે એમાં થોડું પણ તથ્ય કે તર્ક નથી. કોરોના મહામારીના નામે લોકોને ભડકાવવાની, સરકાર અને તંત્ર વિરૂદ્ધ વાતાવરણ ઉભું કરવાની કોંગ્રેસની શિયાળવૃત્તિ એમને જ ભારે પડશે. અમદાવાદ, સુરત, બરોડા જેવા શહેરોમાં ખુબ ગંભીર પરિસ્થિતિએ પહોંચ્યા બાદ કોરોના કાબૂમાં આવ્યો જ છે તેમ રાજકોટમાં પણ કોરોના કાબુમાં આવી જ  જશે. મુખ્યમંત્રીશ્રીનાં સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર રાજકોટમાં ખડે પગે કોરોના કાબૂમાં લેવા પ્રયત્નશીલ છે. હાલ રાજકોટમાં પૂરતા તબીબોની ટિમ છે, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં બેડ અને નર્સિંગ સ્ટાફ છે. લોકોમાં પણ જાગૃતિ કેળવાઇ છે કે અમુક વ્યાપારી સંગઠનો સ્વેચ્છાએ બંધ પાળી રહ્યાં છે જે પણ પ્રસંશાને પાત્ર છે. કોઇએ પણ કોંગ્રેસનાં જુઠ્ઠાણાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી અને સૌએ સાવચેતી, સલામતી દાખવી કોરોના સામે પૂરી મકકમતાથી લડવાનું છે એવું પ્રદેશ ભાજપ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજે તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું.

(3:57 pm IST)
  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST