Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જંગલેશ્વરમાં બોલેરોમાં ખીચોખીચ ભરેલા ૧૨ પાડાને મુકત કરાવતી ભકિતનગર પોલીસ

વાંકાનેરના મોહમ્મદરફિક લાખા સામે પશુ પ્રત્યે ઘાતકી વર્તનની કલમ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૭: જંગલેશ્વર શેરી નં. ૨૭માં જીજે૦૨ઝેડ-૪૬૬૨ નંબરની બોલેરો પીકઅપમાં ૧૨ જેટલા પાડાને ખીચોખીચ ભરીને રાખવામાં આવ્યા હોવાની માહિતી પરથી ભકિતનગર પોલીસે પહોંચી પાડાઓને મુકત કરાવી પાંજરાપોળમાં મુકવાની કાર્યવાહી કરી હતી અને વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસે વાંકાનેર લક્ષ્મીપરાના મોહમ્મદરફિક કરીમભાઇ લાખા (ઉ.૨૬) સામે પ્રાણીઓ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવાના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તેણે પોતાના હસ્તકના બોલેરો પીકઅપવેનમાં ૧૨ પાડા (ત્રણથી ચાર માસની વયના) ખીચોખીચ ઘાંસચારા વગર અને હલનચલન ન કરી શકે એ રીતે ક્રુરતાપુર્વક દોરડાથી બાંધીને ભરી રાખ્યા હતાં. ૮૪ હજારના  આ પાડાઓને મુકત કરાવી પાંજરાપોળમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં એએસઆઇ એન. જી. ભદ્રેચા, વિશાલભાઇ દવે, મોનીલભાઇ જોષી, ધર્મેન્દ્રસિહ જાડેજા, ઠાકરભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એન. જી. ભદ્રેચાને મળેલી માહિતી પરથી બોલેરો પીકઅપ પકડી લેવાઇ હતી. આ પાડા વાંકાનેરના હારૂનભાઇએ વેંચ્યા હતાં. ખરીદનાર તરીકે રાજકોટના કાસમભાઇ ચોૈહાણનું નામ હતું. પરંતુ પાડા કાસમભાઇને ત્યાં સદર ખાટકીવાસને બદલે જંગલેશ્વરમાં શા માટે લાવવામાં આવ્યા? તે અંગે તપાસ થઇ રહી છે.

(2:44 pm IST)