Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

એક નાગરિક તરીકે ‘હું દેશને શું આપીશ' તેના સંકલ્‍પને સૌ સાથે મળી દ્વઢ બનાવીએઃ અરવિંદભાઇ પટેલ

કડવા પાટીદાર સમાજ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીમાં તરબોળઃ ધ્‍વજરોહણ, દેશભકિતના ગીત સાથે યોગાસનનો નવતર પ્રયોગ

રાજકોટઃ કડવા પાટીદારોની સંસ્‍થા શ્રીપટેલ સેવા સમાજ રાજકોટ(સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ), શ્રી પટેલ પ્રગતિ મંડળ-રાજકોટ(ફિલ્‍ડમાર્શલ વાડી), અને શ્રીઉમિયા માતાજી સંસ્‍થાન-રાજકોટ (ઉમિયાધામ) દ્વારા ધ્‍વજરોહણ- ધ્‍વજવંદનના સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતે યોજાયેલા શાનદાર કાર્યક્રમમાં સંસ્‍થાના પ્રમુખ શ્રીઅરવિંદભાઇ પટેલ (ફિલ્‍ડમાર્શલ) દ્વારા ધ્‍વજારોહણ કરાયુ હતું. નિવૃત સંજયભાઇ ડઢાણીયાએ દેશભકિત સાથે લડાયેલા કારગીલ યુધ્‍ધ અને સૈન્‍ય શિસ્‍તની પોતાના વકતવ્‍યમાં છણાવટ કરી હતી.બ્રહ્માકુમારી અંજુબેને વિશ્વશાંતિ અને આઝાદીના મુદે રસપ્રદ છણાવટ પોતાના વકતવ્‍યમાં કરી હતી સંસ્‍થાના મહિલા સંગઠન સમિતિના સદસ્‍ય અને સંગઠનના વોર્ડ નં.૧૩ના પ્રમુખ હેમલતાબેન હીંગરાજીયાએ આઝાદી માટે અપાયેલા બલિદાનને યાદ કરી વર્તમાન સમયમાં નાગરિકોના કર્તવ્‍યને પોતાના વકતવ્‍યમાં વણી લીધા હતા. સંસ્‍થાના કાર્યકર ડો. માહી માકડિયા એ અમર જવાનોની શહાદતની તવારિખી ઘટનાઓ વર્ણવી હતી.પ્રમુખશ્રી અરવિંદભાઇ પટેલ(ફિલ્‍ડમાર્ર્શલ) એ જણાવ્‍યુ હતુ કે, આઝાદીનો અમૃત મહોત્‍સવએ દર્શન હવે પછી આગળ વધારવામાં આપણા યોગદાનના સંકલ્‍પો દિવસ છે. એક નાગરિક તરીકે હું દેશને શું આપીશ તેના સંકલ્‍પને આપણે સૌ સાથે મળી દ્રઢ બનાવીએ અને દેશના વિકાસને નવી ઊંચાઇએ લઇ જવામાં યોગદાન આપીએ.યોગ કોચ ડો. ધર્મિષ્‍ઠાબેન હીંગરાજીયાના નેતૃત્‍વમાં દેશભકિતના ગીતોને સાથે યોગના વિવિધ આસનોનો અદ્દભૂત સુમેળ કરી બાળાઓએ યોગાસનો રજૂ કર્યા હતા. એ જ રીતે બ્રહ્માકુમારી હીનાદીદીના નેતૃત્‍વમાં કુમારિકાઓને આઝાદીની લડત સમયે ગવાતા ગીતોને યાદ કરી તેના આધારે નાટિકાઓ પ્રસ્‍તુત કરી હતી.સંસ્‍થાના કાર્યકર અને નિવૃત ફૌજી શ્રીનિલેશભાઇ સાપરીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડેનીશભાઇ કાલરીયાએ તથા આભારવિધિ પ્રફુલભાઇ સાપરીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં ત્રણેય સંસ્‍થાના ટ્રસ્‍ટીશ્રીઓ અરવિંદભાઇ પટેલ, નરોત્તમભાઇ કણસાગરા, નંદલાલભાઇ માંડવીયા, પ્રભુદાસભાઇ કણસાગરા, અમુભાઇ ડઢાણીયા, મગનભાઇ ધીંગાણી, હરિભાઇ કણસાગરા, વલ્‍લભભાઇ વડાલીયા, જમનભાઇ વાછાણી, અશોકભાઇ કાલાવડીયા, જમનભાઇ ભલાણી, નાથાભાઇ કાલરીયા, પરસોતમભાઇ ડઢાણીયા, રમણીકભાઇ ઝાલાવડીયા તેમજ કિશોરભાઇ ઘોડાસરા, ઉપસ્‍થિત રહ્યા હતા તેમ મંત્રી કિશોરભાઇ ઘોડાસરા મો.૯૪૦૮૧ ૭૫૧૧૧ની યાદીમાં જણાવાયું છે.

(4:21 pm IST)