Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રાજકોટના લોકમેળાને પોલીસનું સજ્જડ સુરક્ષા કવચઃ ૧૫૦૦થી વધુ પોલીસ તૈનાત

કોરોના કાળના બે વર્ષ બાદ પાંચ દિવસ માટે જનતાને ભરપુર મનોરંજન સલામતિ પુર્વક મળી રહેશેઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગ : મેળાને છ સેક્‍ટરમાં વિભાજીત કરી ત્રણ શિફટમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ ખડેપગેઃ ૧૬ વોચ ટાવર ઉપરથી બાયનોક્‍યુલરથી સજ્જ કમાન્‍ડો દ્વારા ચાંપતી નજરઃ પોલીસ કન્‍ટ્રોલ રૂમ ઉભો કરાયોઃ ખોવાયેલી વ્‍યક્‍તિ માટે તુરંત મેળાના કન્‍ટ્રોલ રૂમનો સંપર્ક કરવોઃ ખુણેખુણો સીસીટીવીની નજર હેઠળ : સ્‍નીફર ડોગ અને બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડની ટીમો મેળામાં ફરતી રહેશેઃ ડીસીપીનું સુપરવિઝન

લોકમેળામાં ગોઠવાયેલા પોલીસ બંદોબસ્‍તની વિગતો આજે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આપી હતી. સાથે સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ,  ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭: આજ સાંજથી રેસકોર્ષ મેદાન ઉપર શરૂ થઇ રહેલો આઝાદીનો અમૃત લોકમેળો લોકો સતત પાંચ દિવસ સુધી લોકો ભરપુર આનંદથી માણી શકે તે માટે પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવ્‍યાનું આજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું. ૧૫૦૦થી વધુ પોલીસ દળ ખડેપગે રહેશે. સમગ્ર બંદોબસ્‍તનું સુપરવિઝન ડીસીપીને સોંપવામાં આવ્‍યું છે.
મેળાને કુલ છ સેક્‍ટરમાં વિભાજીત કરી ત્રણ શિફટમાં બંદોબસ્‍ત ફાળવવામાં આવ્‍યો છે. દર ત્રણ સેક્‍ટર દિઠ એક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ફાળવવામાં આવ્‍યા છે. દરેક સેક્‍ટરમાં એક પીએસઆઇ, છ પોલીસ, એક મહિલા પોલીસ કર્મચારી અને પાંચ હોમગાર્ડ જવાબદારી સંભાળશે.
૧૬ વોચ ટાવર અને એક ધાબા પોઇન્‍ટ ઉપરથી બે શિફટમાં એસઆરપી અને પોલીસના બાયનોક્‍યુલરથી સજ્જ જવાનો સતત વોચ રાખતા રહેશે. અસામાજીક તત્‍વો, ખિસ્‍સા કાતરૂઓ, ચિલઝડપકારો ઉપર નજર રાખવા માટે છ ટીમો ઉભી કરવામાં આવી છે. બહારના ૧૧ જીલ્લાઓમાંથી બબ્‍બે પોલીસ જવાનો બંદોબસ્‍તમાં સામેલ કરવામાં આવ્‍યા છે. જેને લઇને ત્‍યાંના સ્‍થાનિક ગુનેગારોને ઓળખી કાઢવા સરળ બનશે.
મેળાના સ્‍થળે પોલીસ કન્‍ટ્રોલ રૂમ અને સીસીટીવી કન્‍ટ્રોલ રૂમ  ઉભો કરવામાં આવ્‍યો છે. ખોવાયેલા વ્‍યક્‍તિ અને બીનવારસી ચીજવસ્‍તુઓ સંદર્ભે લોકોને જાગૃત રહી તુરત જ કન્‍ટ્રોલ રૂમનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્‍યો છે. મેળામાં પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકોને સતત માઇક દ્વારા કન્‍ટ્રોલ રૂમ અને મુખ્‍ય સ્‍ટેજ ઉપરથી જાહેરાત થતી રહેશે. મુખ્‍ય સ્‍ટેજ પરથી પ્રસારિત થતાં કાર્યક્રમોમાં એકઠી થતી ભીડ ઉપર નજર રાખવા માટે અને તેમની સલામતિનું ધ્‍યાન રાખવા માટે અલગથી પોલીસ ફાળવવામાં આવી છે.
એન્‍ટી સબોટેડ ચેકીગ બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ અને સ્‍નીફર ડોગ દ્વારા સમયાંતરે થતું રહેશે. મેળાને જોડતાં આસપાસના માર્ગો પર શહેર પોલીસની ટ્રાફિક બ્રાંચ દ્વારા અસરકારક વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. જેને લઇને લોકોને તકલીફ પડશે નહિ. જુદી જુદી જગ્‍યાએ વિનામુલ્‍યે પાર્કિંગ વ્‍યવસ્‍થા પણ ઉભી કરવામાં આવી છે. ડીસીપીના સીધા સુપરવિઝન હેઠળ બે એસીપીનું શિફટવાઇઝ સુપરવિઝન રખાયું છે. એક એસીપી ટ્રાફિક બંદોબસ્‍તની સતત સમીક્ષા કરતાં રહેશે.
૦૧ ડીસીપી, ૦૩ એસીપી, ૦૬ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર, ૫૮ પીએસઆઇ, ૩૭૪  પોલીસ જવાનો, ૭૦ મહિલા પોલીસ કર્મચારીઓ, ૧૭૭ એસઆરપી જવાનો, ૩૮૨ હોમગાર્ડ અને ૪૬૬ ટ્રાફિક બ્રિગેડ સહિત ૧૫૪૧ પોલીસ કર્મચારીઓની સુરક્ષા મેળાના સ્‍થળે ગોઠવવામાં આવી છે.

 

(3:30 pm IST)