Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

શાપર - વેરાવળના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ - ખંડણીમાં ૬ આરોપીઓના રિમાન્‍ડ મંગાયા : ઓળખ પરેડ કરાવાશે

રાજકોટ તા. ૧૭ : શાપર વેરાવળના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને ખંડણી પ્રકરણમાં પકડાયેલ છ શખ્‍સોને પોલીસે રિમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓની ઓળખ પરેડ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્‍ત વિગત મુજબ શાપર - વેરાવળના ઉદ્યોગપતિ શબ્‍બીરભાઇ ફજલેઅબ્‍બાસ તેલવાલાના ૨૫ વર્ષના પુત્ર અદનાનનું અપહરણ કરનાર (૧) નઇમ ઉસ્‍માનભાઇ કનોજીયા, ઉ.વ.૨૪, રહે.રાજુલા, ગાયત્રી મંદિર પાસે, કુંભારવાડા, તા.રાજુલા, જિ.અમરેલી. (૨) અમીન રસુલભાઇ મધરા, ઉ.વ.૨૬, રહે.રાજુલા, તવક્કલનગર, તા.રાજુલા, જિ.અમરેલી. (૩) અબ્‍દુલ તપાસીભાઇ બુકેરા, ઉ.વ.૨૪, રહે. રાજુલા, તવક્ક્‌લનગર, તા.રાજુલા, જિ.અમરેલી. (૪) હમીદભાઇ કાદરભાઇ જાખરા, ઉ.વ.૨૫, રહે.રાજુલા, કુંભાર વાડા, તા.રાજુલા, જિ.અમરેલી પોલીસે પકડી પાડી રાજકોટ ગ્રામ્‍ય પોલીસને હવાલે કર્યા હતા તેમજ અપહરણ અને ખંડણીનો પ્‍લાન ઘડનાર કમલ રમેશભાઇ બારડ અને મોઇન ફિરોઝભાઇ પઠાણને રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી શાપર - વેરાવળ પોલીસને હવાલે કર્યો હતો.
પકડાયેલ ૬ શખ્‍સો પૈકી કમલે ૧૫ કરોડની ખંડણી પડાવવાના ઇરાદે તે જે ફેકટરીમાં કામ કરતો હતો તેના માલીકના પુત્રનું અપહરણ કરવાનું પ્‍લાન ઘડી અને આ પ્‍લાનમાં તેના મિત્ર મોઇનને સામિલ કર્યો હતો. મોઇને અપહરણ માટે રાજુલા સ્‍થિત પિતરાઇ ભાઇ સહિત ચાર શખ્‍સોની મદદ લઇ અપહરણનું કાવત્રુ પાર પાડયું હતું. જો કે પોલીસની ભીંસ વધતા આરોપીઓએ અપહૃત અદનાનને મુક્‍ત કરી દીધો હતો.
દરમિયાન અપહરણ અને ખંડણી પ્રકરણમાં પકડાયેલ ઉકત ૬ શખ્‍સોની આજે રિમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરાશે. ત્‍યારબાદ તમામ આરોપીઓની ઓળખ પરેડ અને ઘટનાનું રિહર્સલ કરાવાશે. વધુ તપાસ શાપર-વેરાવળના પીએસઆઇ કુલદિપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

 

(3:26 pm IST)