Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

યહ મેલા વહી જહાં સબકો ખુશીયા મિલે, અમીર હો યા ગરીબ સબકે ચહેરે ખિલે...

હાલો માનવીયુ મેળે... સાંજે ખુશીઓનો ખજાનો ખૂલ્લો મૂકશે મુખ્યમંત્રી

આઝાદીના અમૃત મેળામાં આકર્ષણો અપરંપાર : મેળાની આવકમાંથી ૫૧ લાખ સરકારી ફાળામાં અપાશે : તમામ પ્રકારનું આયોજન - જડબેસલાક બંદોબસ્ત ગોઠવતા અરૂણ મહેશ બાબુ : પત્રકાર પરીષદમાં મહત્વની જાહેરાત : ચાર કંટ્રોલ રૂમ શરૂ : ફોન નંબર જાહેર કરાયા : સવારથી ગારો - કાદવ - કીચડ દૂર કરવા મોરમ - કપચી પાથરવા કવાયત

રાજકોટ તા.૧૭ :ઙ્ગરાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સાંજે ૫.૦૦ વાગ્યે રેસકોર્સ મેદાન ખાતે 'આઝાદીના અમૃત લોકમેળા'નો ભવ્ય પ્રારંભ થશે અને આ સાથે ૫ દિવસ લોકો મોજના મહાસાગરમાં ડૂબી જશે.
સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની ધરતી ઉપર પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનું મુખ્ય આકર્ષણ એટલે રાજકોટના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાન પર આયોજિત 'આઝાદીનો અમૃત લોકમેળો'. કોવીડ પરિસ્થિતિને કારણે બે વર્ષના લાંબા સમયગાળા પછી જયારે આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે,ઙ્ગત્યારે આ લોકમેળાના ઉદઘાટન સમારંભમાં મંત્રી જીતુભાઈ વાઘાણી,ઙ્ગરાઘવજીભાઈ પટેલ,ઙ્ગઅરવિંદભાઈ રૈયાણી,ઙ્ગબ્રિજેશકુમાર મેરજા,ઙ્ગઆર. સી. મકવાણા તથા મેયર પ્રદીપભાઈ ડવ,ઙ્ગજિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર ઉપસ્થિત રહેશે. સંસદસભ્યો મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક,ઙ્ગરામભાઈ મોકરીયા તેમજ ધારાસભ્યો કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ,ઙ્ગજયેશભાઈ રાદડિયા, લાખાભાઈ સાગઠીયા,ઙ્ગગીતાબા જાડેજા,ઙ્ગલલીતભાઈ વસોયા, મોહંમદ જાવેદ પીરઝાદા,ઙ્ગલલીતભાઈ કગથરા, ઋત્વીકભાઈ મકવાણાની પણ આ સમારંભમાં પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
મેળા અંગે કલેકટર તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે, તમામ સ્ટોલ રમકડા, ખાણીપીણી - નાની - મોટી - જમ્બો રાઇડસ - જમ્બો ખાણીપીણી - આઇસ્ક્રીમ સ્ટોલ, સરકારી સ્ટોલ હાઉસફુલ થઇ ગયા છે, તંત્રને મેળાના સ્ટોલ વેચાણથી ૪ કરોડની આવક થઇ છે, જે સામે ખર્ચો બાદ કરતા અંદાજે સવાથી ૧ાા કરોડનો ચોખ્ખો નફો થશે, મેળાનો ૪ કરોડનો વીમો લેવાયો છે, સતત વરસાદને કારણે ગારો - કાદવ -કીચડ હોય મેદાન સમથળ કરવા તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે, ૪ મેઇન ગેઇટ ઉપરથી લોકોને મેળામાં એન્ટ્રી રહેશે, લોકમેળાની આવકમાંથી કલેકટર તંત્ર મુખ્યમંત્રીને ૫૧ લાખ ૧૧ હજાર ૧૧૧નો ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં ચેક અર્પણ કરાશે.
લોકમેળા માટે કલેકટરે દર ૮ કલાકની રાઉન્ડ ધ કલોક ડયુટી માટે મામલતદાર - ડે.કલેકટરો સહિતની ટીમોના કંટ્રોલરૂમ માટે ઓર્ડર કર્યા છે.
આ ઉપરાંત વીજ તંત્ર - કોર્પોરેશન - આર એન્ડ બી - ફૂડ એન્ડ ડ્રગ વિભાગ - પોલીસ તંત્ર દ્વારા તેમના સ્ટાફના ઓર્ડર કરાયા છે.
રાજકોટનો લોકમેળો જગવિખ્યાત છે. દુર-દુરથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે, ત્યારે આવનાર લોકોની સલામતી અને મનોરંજન માટે કલેકટર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. આજથી રેસકોર્ષ મેદાનમાં માનવ મહેરામણ ઉમટી પડશે. લોકો બે વર્ષ બાદ લોકમેળાની મજા માણતા ખુશ-ખુશ થઇ જશે.
પાંચ દિવસીય લોકમેળામાં દર વર્ષે ૧૨ થી ૧૫ લાખથી વધુ લોકો આનંદ - કિલ્લોલ કરતા જન્માષ્ટમીની રજાઓને યાદગાર બનાવતા હોય છે. ખાસ કરીને આઠમના દિવસે તો જાણે લોકોનું ઘોડાપુર નહીં પણ મહાપુર આવે છે. મેદાનમાં પગ મુકવાની જગ્યા પણ નથી રહેતી અને હૈયે હૈયુ દળાય તેટલી જનમેદની લોકમેળાનો ખુલ્લા મને આનંદ માણતી હોય છે.
કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓમાં કોઇ કચાશ નથી રાખવામાં આવી. બે વર્ષ બાદ યોજાતા લોકમેળાના બેનમૂન આયોજન માટે તંત્ર દ્વારા મહિના અગાઉ તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. જેમાં ગ્રાઉન્ડ લેવલીંગ, ફજત - ફાળકા, મોટા ચકડોળ, ખાણીપીણી, આઇસ્ક્રીમ સહિતના સ્ટોલના નકશા દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તમામ સ્ટોલ તથા યાંત્રીક મશીનોના પ્લોટની જાહેર હરરાજી કરવામાં આવે છે.
લોકમેળામાં આ વર્ષે મોતના કુવા, ફજત-ફાળકા, મોટા હિંચકા, જાદુના ખેલ, ટોરા-ટોરા, કપ-રકાબી સહિતનું મનોરંજન લોકો માણી શકશે. ઉપરાંત મુલાકાતીઓ ખાણીપીણી અને આઇસ્ક્રીમની પણ પેટ ભરીને જયાફત ઉઠાવશે.
આ પાંચ દિવસીય લોકમેળામાં અબાલ-વૃધ્ધ સહિત કુલ ૧૨ થી ૧૫ લાખ લોકો મુલાકાત લે તેવી કલેકટર તંત્રની ધારણા છે. તે માટે પોલીસ અને ખાનગી સીકયોરીટીનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત આવારા તત્વો ઉપર નજર રાખવા તથા કોઇ અઇચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર મેળામાં ૧૦ થી વધુ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.
ઉપરાંત કોરોના મહામારીને ધ્યાને રાખી લોકમેળામાં વેકસીન તથા આરટીપીસીઆર ટેસ્ટ માટે ખાસ બે સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જેથી લોકો વેકસીનેશન તથા ટેસ્ટીંગનો લાભ લઇ શકે. જો કે તંત્ર દ્વારા સંપૂર્ણ વેકસીનેશન કરાવવું જરૂરી છે અને લોકમેળામાં પણ રસીકરણ હોય તે ફાયદાકારક હોવાનું જાહેર કરાયેલ.
લોકો મનોરંજન માણવાની સાથોસાથ પોતાનું કલાનું કામણ પાથરી શકે તે માટે એક અલગથી સ્ટેજ પણ તંત્ર દ્વારા ઉભુ કરવામાં આવ્યુ઼ છે. જ્યાં કોઇ પણ વ્યકિત પોતાની કલા રજુ કરી શકશે.
ઉદ્ઘાટનના દિવસે આજે સાંજે ૧ કલાકનો દેશભકિતની થીમ ઉપર સુંદર મજાની નૃત્ય પ્રસ્તુતી પણ કરવામાં આવશે. ઉપરાંત આપણી સંસ્કૃતિ એવા રાસ-ગરબા પણ જમાવટ કરશે. સાથે જ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જેનો લોકમેળામાં આવનાર લોકો ખૂબ જ લાભ ઉઠાવી શકશે.
લોકમેળામાં રમકડા - ખાણીપીણી - યાંત્રીક, નાની ચકરડી, મનોરંજન સહિતના કુલ ૩૩૬થી વધુ સ્ટોલમાં બે વર્ષ બાદ યોજાતા લોકમેળામાં લોકો મોજ માણી ખુશખુશાલ થશે અનેબરોજની તણાવપૂર્ણ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે.
સમગ્ર લોકમેળામાં કલેકટર, પોલીસ, મનપા તથા જીઇબી સહિતના કુલ ૪ રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ રાખવામાં આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા કોઇપણ સ્થિતિને પહોંચી વળવા આયોજન કરાયું છે. જે માટે કલેકટર દ્વારા રાઉન્ડ ધ કલોક ફરજ માટે ૨૦૦થી વધુ અધિકારીઓ - કર્મચારીઓના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે. તમામ કંટ્રોલ રૂમના ફોન નંબર પણ જાહેર કરાયા છે.
ઉપરાંત મનોરંજનની સાથે પાણી અને શૌચાલયની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૦થી વધુ સરકારી સ્ટોલ દ્વારા લોકો વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકશે. ગાંધીનગરથી બાળકો માટે ખાસ ટોય વાનનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં બાળકો રમકડા સાથે મજા કરી શકશે.
લોકમેળામાં લોકોનું સ્વાસ્થ્ય અને સલામતી તંત્ર માટે સૌથી મોખરે છે. ત્યારે લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલમાં ફૂડ અંગે ખાસ ચેકીંગ ટીમો ઉતારાશે. જેની જવાબદારી ફૂડ શાખાને કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સોંપવામાં આવી છે.
દર વર્ષની જેમ લોકમેળામાં પ્રવેશ માટે મુખ્ય ૪ દ્વાર બનાવવામાં આવ્યા છે. જેમાં કિશાનપરા ચોક ખાતેથી, એરપોર્ટ રોડ ખાતેથી, પોલીસ કમિશનર બંગલા સામેથી તથા બહુમાળી ભવન સામેથી લોકો લોકમેળામાં પ્રવેશ મેળવી શકશે. લોકમેળા દરમિયાન રેસકોર્ષ રીંગના અમુક રસ્તાઓ વાહનો માટે બંધ કરવામાં આવશે. જેથી લોકમેળામાં આવનાર લોકો પ્રવેશ મેળવી શકે.
આમ, બે વર્ષ બાદ યોજાતા લોકમેળામાં લોકો પોતાનું ટેન્શન, તણાવ ભુલીને મોજ કરશે એ નક્કી જ છે, લોકમેળાની પૂર્ણાહુતિ રવિવાર તા. ૨૧ના રાત્રે ૧૨ વાગ્યે ધમાકેદાર આયોજન બાદ થશે.

નામ તથા સરનામુ      મોબાઇલ નં.
લોકમેળા સમિતિ    ૯૪૯૯૮ ૮૧૫૬૨
(ફનવર્લ્ડ ગેઇટ પાસે)
પોલીસ કંટ્રોલ    ૯૪૯૯૮ ૮૧૫૬૩
(ફનવર્લ્ડ ગેઇટ પાસે)
રાજકોટ મહાનગર પાલિકા    ૯૪૦૯૯ ૦૧૫૬૧
(હેડ કવાર્ટર ગેઇટ પાસે)
પી.જી.વી.સી.એલ.    ૯૪૯૯૬ ૫૧૫૬૫

 

(11:44 am IST)