Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

શાપર વેરાવળના ફેકટરી માલિકના પુત્રનું અપહરણ કરી ૧૫ કરોડની ખંડણી માંગનાર ૬ પકડાયા

રાજકોટ રૂરલ પોલીસે અમરેલી પોલીસની મદદ લઇ અપહરણકારો ઉપર ભીંસ વધારતા અપહૃત અદનાનને મુકત કરી દેવાયો : અમરેલી પોલીસે ચાર અપહરણકારોને અને પ્‍લાન ઘડનાર કમલને રાજકોટ પોલીસે તથા મોહિનને રૂરલ પોલીસે દબોચી લીધો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૬ : શાપર વેરાવળની કમલ એન્‍ટરપ્રાઇઝના માલીક શબ્‍બીરભાઇ ફજલેઅબ્‍બાસ તેલવાલાના ૨૫ વર્ષના પુત્ર અદનાનનું અપહરણ કરનાર ૪ અપહરણકારોને અમરેલી પોલીસે તથા અપહરણનો પ્‍લાન ઘડનાર ૨ શખ્‍સોને રાજકોટ સીટી અને રૂરલ પોલીસે ઝડપી લીધા છે.

આ અપહરણકારોએ ૧૫ કરોડની ખંડણી માંગી હતી. જેથી રાજકોટ રૂરલ પોલીસે અમરેલી પોલીસની મદદ લઇને અપહરણકારો ઉપર ભીંસ વધારતા અપહૃત અદનાનને અપહરણકારોએ મુકત કરી દીધો હતો અને બાદમાં અમરેલી પોલીસે ચાર અપહરણકારોને ઝડપી લીધા હતા.

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતેથી કમલ એન્‍ટપ્રાઇઝ નામની ફેકટરીના માલીક શબ્‍બીરભાઇ ફજલેઅબ્‍બાસ તેલવાલાના દિકરા અદનાન ઉ.વ.૨પ વાળાનું અપહરણ કરવા પુર્વયોજીત કાવતરૂ રચી, આરોપી નઇમ તથા અમીન નામના તથા તેની સાથેના બીજા અજાણ્‍યા આરોપીઓએ અદનાનનું અપહરણ કરી, તેને છોડી મુકવા પંદર કરોડ રૂપિયાની માંગણી કરી, રૂપિયા નહી આપે તો અદનાનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અંગે અદનાનના પિતા શબ્‍બીરભાઇ ફજલેઅબ્‍બાસ તેલવાલા, ઉ.વ.૫૩, રહે.રાજકોટ, કસ્‍તુરબા રોડ, ધ ગ્રાન્‍ડ ઠાકર હોટલ પાછળ વાળાએ ફરીયાદ જાહેર કરતા રાજકોટ ગ્રામ્‍ય, શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશન ગુનો દાખલ થયેલ.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દ્વારા ઉપરોકત ગંભેર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું અને રાજકોટના સરહદી જિલ્લાઓને આરોપીઓની તપાસમાં મદદ કરવા જણાવેલ હતું.

જે અન્‍વયે ભાવનગર રેન્‍જ આઇ.જી. અશોક કુમારનાઓએ ઉપરોકત ગંભિર બનાવ સંબધે અપહરણકર્તાઓ તથા અપહૃત વ્‍યાકેત બાબતે તપાસમાં રહેવા ભાવનગર રેન્‍જના જિલ્લાઓને સુચના આપેલ હોય,  અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહઓએ અમરેલી જિલ્લામાં આરોપીઓની તપાસ કરવા, તેમજ અપહૃત વ્‍યક્‍તિને સહી-સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી, રેપીડ એક્‍શન પ્‍લાન તૈયાર કરેલ હોય જેમાં કે. જે. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગ નાઓની અધ્‍યક્ષતામાં અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્‍સ.શ્રી પી.બી. લક્કડ તથા રાજુલા પો.ઇન્‍સ. એ. એમ. દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી./એસ.ઓ.જી. તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહૃત વ્‍યક્‍તિ અંગે સઘન તપાસ હાથ ધરી, અપહરણકારોને ગુન્‍હામાં વપરાયેલ ફોરવ્‍હીલ કાર સાથે સાવરકુંડલા - રાજુલા હાઇવે રોડ ઉપરથી પકડો પાડી, અપહરણ થયેલ વ્‍યક્‍તિને સહી-સલામત છોડાવેલ છે. આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્‍ય, ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝાલા તથા રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી રાણા તથા શાપર વેરાવળ પો.સ્‍ટે. પો.સ.ઇ. શ્રી ગોહિલ પણ જોડાયેલ હતા.

પોલીસે (૧) નઇમ ઉસ્‍માનભાઇ કનોજીયા, ઉ.વ.૨૪, રહે.રાજુલા, ગાયત્રી મંદિર પાસે, કુંભારવાડા, તા.રાજુલા, જિ.અમરેલી. (૨) અમીન રસુલભાઇ મધરા, ઉ.વ.૨૬, રહે.રાજુલા, તવક્કલનગર, તા.રાજુલા, જિ.અમરેલી. (૩) અબ્‍દુલ તપાસીભાઇ બુકેરા, ઉ.વ.૨૪, રહે. રાજુલા, તવક્ક્‌લનગર, તા.રાજુલા, જિ.અમરેલી. (૪) હમીદભાઇ કાદરભાઇ જાખરા, ઉ.વ.૨૫, રહે.રાજુલા, કુંભાર વાડા, તા.રાજુલા, જિ.અમરેલી ઝડપી લીધા છે.

અમરેલી જિલ્લા પોલીસે ભોગ બનનાર અદનાન શબ્‍બીરભાઇ તેલવાલાને શોધી કાઢી તેમને સહી- સલામત છોડાવેલ છે, અને ઉપરોક્‍ત આરોપીઓને પકડી પાડી, રાજકોટ ગ્રામ્‍ય પોલીસને સોંપી આપેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કે. જે. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગ તથા અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્‍સ.શ્રી પી.બી. લક્કડ તથા રાજુલા પો.ઇન્‍સ. એ. એમ. દેસાઇ દ્વારા કરવામાં આવેલ છે.

 

અપહરણ-ખંડણીનો પ્‍લાન ફેકટરીમાં જ કામ કરતા કમલ બારડે ધડયો'તો

કમલે ફેકટરીમાં જ કામ કરતા ફિરોઝ પઠાણના પુત્ર મોઇનને પણ પ્‍લાનમાં સોમેલ કર્યો હતો : અગાઉ રેકી કરી બે વખત  અપહરણની કોશિષ કરી'તીઃ પોતાની ઓળખ છતી ન થાય તે માટે પ્‍લાનમાં અમરેલીના ૪ શખ્‍સોની મદદ લીધી : પ્‍લાન ઘડનાર કમલને રાજકોટ સીટી પોલીસે અને મોઇનને રાજકોટ રૂરલ પોલીસે દબોચી લીધા : રૂરલ એસ. પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસની પ્રસંશનીય કામગીરી

રાજકોટ તા. ૧૬ : શાપર-વેરાવળના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી ૧પ કરોડની ખંડણી માંગનાર ૪ શખ્‍સેને રૂરલ પોલીસે અમરેલી પોલીસ અને અપહરણનો પ્‍લાન ઘડનાર બે શખ્‍સોને રાજકોટ સીટી પોલીસની મદદથી ઝડપી લઇ અપહૃપ યુવકને મુકત કરાવતા રૂરલ પોલીસ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

શાપર-વેરાવળના ઉદ્યોગપતિ પુત્ર અદનાન તેલવાલા (ઉ.વ.રપ) નું અપહરણ કરી ૧પ કરોડની ખંડણી મંગાયાની ફરીયાદ ના પગલે રૂરલ એસ. પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ અપહરણકારોને ઝડપી લેવા ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. વિજય ઓડેદરા, પીએસઆઇ એસ. જે. રાણા, એસઓજીની ટીમ તથા શાપર-વેરાવના પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ સહિતની અલગ-અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં અપહરણકારોનું લોકેશન અમરેલી પંથકમાં આવતા રૂરલ પોલીસે અમરેલી પોલીસની મદદ લઇ અપહરણકારો ઉપર ભીંસ વધારતા અપહરણકારોએ અપહૃત અદનાનને મુકત કરી દિધો હતો. તેમજ અપહરણ કરનાર ૪ શખ્‍સોને અમરેલી પોલીસે દબોચી લીધા હતાં.

દરમિયાન પોલીસ તપાસમાં આ અપહરણ - ખંડણીનો પ્‍લાન કમલ એન્‍ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં નોકરી કરતા કમલ રમેશભાઇ બારડ નામના શખ્‍સે ઘડયાનું ખુલ્‍યું અને આ પ્‍લાનમાં કમલે તેની સાથે કામ કરતા ફિરોઝભાઇ પઠાણના પુત્ર મોઇનને સોમેલ કર્યો હતો. કમલનું લોકેશન રાજકોટ સીટીમાં મળતા રૂરલ પોલીસે રાજકોટ ક્રાઇમ બ્રાંચને જાણ કરતા રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વાય.બી.રાણાની ટીમે કમલને દબોચી લઇ રૂરલ પોલીસને હવાલે કર્યો હતો તેમજ રૂરલ પોલીસે અપહરણના પ્‍લાનમાં સામેલ મોઇનને પણ દબોચી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ ફેકટરીમાં કામ કરતા કમલે તેની સાથે જ કામ કરતા ફિરોઝભાઇ પઠાણના પુત્ર મોઇન સાથે મળી કરોડોની રકમ પડાવવાના ઇરાદે ફેકટરી માલીકના પુત્રનો અપહરણનો  પ્‍લાન ઘડયો હતો. કમલ અને મોઇને આ માટે ૧પ દિ'થી રેકી કરતા હતાં. અપહૃત અદનાન અને તેના પિતા અલગ-અલગ કારમાં ફેકટરીએ આવતા હોવાનું જાણી ફેકટરી માલીકના પુત્ર અદનાનનું અગાઉ બે ત્રણ વખત અપહરણ કરવા કોશિષ કરી હતી પણ સફળતા ન મળી હતી.

પકડાયેલ કમલ અને મોઇને તેની ઓળખ છતી ન થાય તો માટે અપહરણ અને ખંડણીના પ્‍લાનમાં અમરેલીના શખ્‍સોને સામેલ કર્યા હતાં. બનાવના દિવસે અમરેલીથી કારમાં આવેલા ચારેય શખ્‍સોએ ફેકટરી માલીકના પુત્ર અદનાનની કાર સાથે પોતાનું વાહન અથડાવી માથાકુટ કરી અદનાનનું અપહરણ કરી નાસી ગયા હતાં.

અપહરણનો પ્‍લાન ઘડનાર કમલ અને મોઇન રાજકોટમાં પકડાઇ ગયાની જાણ થતા અમરેલીના ચારેય અપહરણકારો   મુંઝાઇ ગયા હતા એ દરમિયાન રૂરલ પોલીસે અમરેલી પોલીસની મદદથી ભીંસ વધારતા અપહરણકારોએ અપહૃત અદનાનને અમરેલી પાસે કારમાંથી રસ્‍તામાં ઉતારી દિધો હતો. જો કે, બાદમાં અમરેલી પોલીસે ચારેય અપહરણકારોને ઝડપી લીધા હતાં. અપહરણનો પ્‍લાન ઘડનાર કમલ અને મોઇન રાજકોટમાં રહે છે જ્‍યારે અપહરણ કરનાર ચારેય શખ્‍સો કમલ અને મોઇનના સંબંધી હોવાનું અને તેઓ રાજુલા પંથકમાં રહેતા હોવાનું જાણવા મળે છે.

અપહૃત ઉદ્યોગપતિ પુત્રને મુકત કરાવનાર રૂરલ  પોલીસ, અમરેલી પોલીસ અને રાજકોટ પોલીસની ટીમને રેન્‍જ ડીઆઇજીપી સંદિપસિંહ તથા રૂરલ એસ. પી. જયપાલસિંહ રાઠોડે અભિનંદન પાઠવ્‍યા હતાં.

 

૧૫ ખોખા આપો અન્‍યથા તમારા એકના એક પુત્રને મારી નાખીશું

સવારે ફેકટરીએ જવા નિકળેલ અદનાનનો ફોન સ્‍વીચ ઓફ આવતા કંઇક અજુગતુ બન્‍યાનું પરિવારજનો શંકા હતી ત્‍યારબાદ બપોરે અપહરણકારોનો ફોન રણક્‍યો

રાજકોટ તા. ૧૬ : શાપર વેરાવળના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ પ્રકરણમાં છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા બાદ ચોંકાવનારી વિગતો ખુલી રહી છે.

બનાવના દિવસે અપહૃત અદનાન સવારે ૯.૩૦ વાગ્‍યે શાપર-વેરાવળ સ્‍થિત ફેકટરીએ જવા નિકળ્‍યો હતો. એ દરમિયાન અપહૃત અદનાન પિતા શબીરભાઇને ૧૧.૩૦ વાગ્‍યે કંપનીના હેડ વર્કર વિવેકભાઇનો ફોન આવેલ કે અદનાનનો ફોન બંધ આવે છે. ત્‍યારબાદ શબીરભાઇએ અદનાનને ફોન કરતા તેનો ફોન સ્‍વીચ ઓફ આવતા ફોન સ્‍વીચ ઓફ થયાનું સમજી શબીરભાઇ કામે લાગી ગયા હતા. બપોર સુધી અદનાનનો કોઇ પત્તો ન લાગતા શબીરભાઇએ અદનાન પાર્ટસ ઘસાવા માટે ગયેલ ત્‍યાં તપાસ કરતા એવું જાણવા મળેલ કે અદનાન ત્‍યાંથી ૧૦ વાગ્‍યે નિકળી ગયો હતો. ત્‍યારબાદ શબીરભાઇ શાપર વિસ્‍તારમાં પુત્ર અદનાનની શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન બપોરે ૧ વાગ્‍યે કમલ બેરીંગ તરફના હાઇવે રોડ પર જવાના કાચા રસ્‍તે અદનાનની બ્‍લેક કલરની કીયા કાર લોક થયેલ હાલતમાં જોવા મળી હતી અને કારનું આગલું બમ્‍પર તૂટેલુ હતું અને પુત્રના અદનાનના ચશ્‍મા કારની પાછળ જમીન પર પડયા હોય કંઇક અજુગતુ બન્‍યાની શંકાએ શાપર પોલીસ મથકમાં જઇ જાણ કરી હતી.

ત્‍યારબાદ પોલીસ સાથે સીસીટીવી ફૂટેજના જોતા હતા એ દરમિયાન ચાર વાગ્‍યે અપહરણકારોના મોબાઇલમાંથી ફોન આવેલ અને સામે અપહૃત અદનાન વાત કરતો હતો અને આ લોકો તમને જેમ કહે તેમ કરજો અને જે માંગે તે આપી દેજો તેવી વાત કરતા એક અપહરણકારે અદનાન પાસેથી ફોન લઇ કહેલ કે, પોલીસને જાણ ન કરતા અને ૧૫ ખોખા આપી દેજો. જો આ રૂપિયા નહિ આપો તો તમારા એકના એક પુત્રની મારી નાખીશું તેવી ધમકી આપી હતી. તમારી પાસે બે કલાકનો ટાઇમ છે તેમ કહી ફોન કાપી નાખ્‍યો હતો.

ત્‍યારબાદ બે વખત અપહરણકારોનો ખંડણી માટે ફોન આવ્‍યો હતો. એ દરમિયાન રૂરલ પોલીસે અપહરણકારો પર ભીંસ વધારતા અપહૃત અદનાનને મુક્‍ત કરી દીધો હતો. ત્‍યારબાદ અમરેલી પોલીસે ચારેય અપહરણકારોની દબોચી લીધા હતા અને અપહરણનો પ્‍લાન ઘડનાર કમલ અને મોઇનને રાજકોટ સીટી અને રૂરલ પોલીસે ઝડપી લીધા હતા.

(3:54 pm IST)