Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મેઘરાજા ફરી કયારે પધરામણી કરશો?

સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે : અશોકભાઈ પટેલ

૨૪ ઓગષ્ટ સુધી દક્ષિણ - મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો તો કયારેક હળવો- મધ્યમ - ભારે વરસી જાય : સૌરાષ્ટ્ર - કચ્છ - ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં કયારેક શકયતા : જો કે વિવિધ ફોરકાસ્ટ મોડેલોમાં મતમતાંતર જોવા મળે છે

રાજકોટ, તા. ૧૭ : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતવાસીઓ છેલ્લા બે સપ્તાહથી સાર્વત્રિક નોંધપાત્ર વરસાદની રાહ જોઈ રહ્યા છે. દેશ લેવલે વરસાદની ઘટ્ટ ૯% છે તેમજ રાજય લેવલે ગુજરાત, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઓડીશા, નોર્થ ઈસ્ટ રાજયો, કેરળ અને પંજાબમાં વરસાદની ઘટ્ટ છે. ગુજરાતમાં ૫૦% સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાત રીજનમાં ૪૮% વરસાદની ઘટ્ટ છે.

બંગાળની ખાડીમાં ઓડીશા - આંધ્રના દરિયા કિનારા નજીક ગઈકાલે સાંજે લોપ્રેશર થયુ હતું. તેને આનુસાંગિક સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ના લેવલ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકાવ છે. આ સિસ્ટમ્સ આવતા દિવસોમાં મધ્યપ્રદેશ તરફ ગતિ કરશે.

ચોમાસુધરીનો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં છે અને પૂર્વ છેડો હરડોઈ, ગયા અને જમશેદપુર તેમજ ત્યાંથી લો પ્રેશર સુધી અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૫.૮ કિ.મી.ના લેવલનો ટ્રફ ૬૭ ડિગ્રી ઈસ્ટ અને ૨૮ ડિગ્રી ઈસ્ટમાંથી પસાર થાય છે. આવતા દિવસોમાં ૩.૧ કિ.મી. અને ૪.૨ કિ.મી.ના લેવલે એક બહોળા સરકયુલેશનના લીધે વરસાદ જોવા મળે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧૭ થી ૨૩ ઓગષ્ટ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટોછવાયો અને કયારેક તેનાથી વધુ હળવો- મધ્યમ - ભારે વરસાદ, અમુક દિવસે જયારે બાકીના દિવસે એકલ દોકલ કે છૂટોછવાયો હળવો - મધ્યમ વરસી જાય. આગાહીના કુલ વરસાદની માત્રા ૨૫ થી ૭૫ મી.મી. તેમજ એકલ દોકલ વિસ્તારોમાં ૧૦૦ મી.મી. ને પણ વટાવી જાય.

જયારે સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતના ૩૦% વિસ્તારોમાં એકલ દોકલથી છુટોછવાયો હળવો - મધ્યમ, આગાહી સમયની કુલ માત્રા ૧૫ મી.મી.થી ૩૫ મી.મી. સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતના ૭૦% બાકીના વિસ્તારો અને કચ્છમાં ૧૫ મી.મી. સુધી વરસી જાય. જો કે વિવિધ ફોરકાસ્ટ મોડલોમાં મતમતાંતર વધુ પડતુ છે જેથી પરિણામમાં ફેરફારની શકયતા છે. 

(3:43 pm IST)