Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મ.ન.પા.નાં કર્મચારીઓ ભાજપ કાર્યકરોની ભૂમિકામાં?:ફોજદારી પગલા લેવા કોંગ્રેસની માંગ

ભાજપની જનઆશિર્વાદ યાત્રાનાં બેનરો-ઝંડી લગાડી રહ્યા હતાં ત્યારે કોંગી કાર્યકરનું સ્ટીંગ ઓપરેશનઃ પગલા લેવા મ્યુ. કમિશનરને પત્ર પાઠવતા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી પ્રદેશ અગ્રણી મહેશ રાજપુત

રાજકોટ તા. ૧૭ :.. મ.ન.પા.નાં કેટલાક કર્મચારીઓ ભાજપની ભૂમિકા બજાવી ભાજપનાં રાજકિય કાર્યક્રમોનાં બેનરો - ઝંડી વગેરે લગાડતાં હોવાનાં આક્ષેપો સાથે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી તથા પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂતે મ્યુ. કમિશનરશ્રીને પત્ર પાઠવી અને આવા કર્મચારીઓ સામે ફોજદારી પગલા લેવા માંગ ઉઠાવી છે.

 આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિ'ર શ્રી ને રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરની અંદર ભાજપ પક્ષ દ્વારા જન આશીર્વાદ યાત્રા કરવાની હોય તે યાત્રા ની પૂર્વ તૈયારી માટે રાજકોટ શહેરની અંદર ભાજપે સરકારી મિલકતો ઉપર પોતાના પક્ષના ઝંડા-ઝંડી અને બેનરો લગાડેલ છે અને તે ઝંડા-ઝંડી અને બેનરો રાજકોટ મહાનગરપાલિકાના જગ્યા રોકાણ શાખાના કર્મચારી અને રોશની વિભાગની ગાડી સાથે કોર્પોરેશનના વીજળી ના થાંભલાઓ ઉપર ઝંડા ઓ લગાડી રહ્યા હતા ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર ગોપાલભાઈ ચાવડા ત્યાંથી નીકળતા તેઓએ આ કર્મચારીઓને પૂછપરછ કરેલ અને તેના પુરાવા રૂપે એક વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારેલ અને આ કર્મચારીઓને વિડીયો ઉતરતા-ઉતરતા તેઓને પૂછતાં કે તમે કોર્પોરેશનના કર્મચારીઓ છો ? કે ભાજપના કાર્યકરો છો ? ત્યારે તે લોકોએ જવાબમાં જણાવેલ છે કે અમો રાજકોટ મહાનગરપાલિકાના જગ્યા રોકાણ શાખાના કર્મચારીઓ છીએ તેવું તેઓએ જણાવી સ્વીકારેલ છે અને કોર્પોરેશનના કર્મચારી હોવાની ઓળખ આપેલ છે.

ભારતીય બંધારણ મુજબ અને બી.પી.એમ.સી. એકટ અને સરકારી કર્મચારીના નીતિનિયમો મુજબ કોઈપણ કર્મચારી કોઈપણ રાજકીય પક્ષનું કામ ન કરી શકે અને સરકારી વાહન નો ઉપયોગ પણ ન કરી શકે તેમ છતાં આ કર્મચારીઓએ આવું ગેરકાયદેસર કામ કરેલ હોય તેઓની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને જો તેઓ સરકારી કર્મચારી ન હોય તો તેઓની સામે ફોજદારી રહે પગલા લેવા જોઈએ. કારણકે, ખોટી ઓળખ આપી હોય તે ગુન્હાનો એક ભાગ જ છે અને આ કર્મચારીઓને કયા અધિકારી અને પદાધિકારીએ સુચના આપી છે જે રાજકોટ મહાનગરપાલિકાના નામ વાળી ગાડી વાપરવામાં આવેલ છે ત્યારે આ તમામ હકીકતો, પુરાવાઓ ધ્યાને રાખીને તમામની સામે પગલા લેવા અને ફોજદારી ફરિયાદ પણ કરવા મહેશભાઈ રાજપૂતે અને ભાનુબેન સોરાણીએ રજૂઆત કરી છે. 

(3:43 pm IST)