Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કાલથી સસ્તા અનાજની દુકાનેથી ઘઉં-ચોખાનું વિતરણ પણ ખાંડ-કપાસીયા તેલની અછતઃ ગરીબોમાં ભારે દેકારો

પુરવઠા ખાતાએ કાલથી તા.૩૧ સુધી વિતરણ કરવા સુચના આપીઃ રાજકોટ શહેર-જીલ્લામાં અનાજનો જથ્થો પુરતો

રાજકોટ, તા., ૧૭:  આવતીકાલથી ઓગષ્ટ મહિનાનો પ્રધાનમંત્રી અન્ન સહાય યોજના હેઠળનો વિનામુલ્યે ઘઉં-ચોખાનો જથ્થો અને દર મહિને રાહતદરે આપવાનો થતો ઘઉં-ચોખા-તુવેરદાળ, આયોડાઇઝ મીઠુનો ખાંડના જથ્થાનું વિતરણ શરૂ કરવા પુરવઠા ખાતાએ દરેક જીલ્લા પુરવઠા તંત્રને આદેશો કર્યા છે.

કાલથી રાજકોટ-શહેર-જીલ્લાની ૭૧પ રેશનીંગ દુકાનો ઉપર ઘઉં-ચોખા-સહીતની ચીજવસ્તુનુ બીપીએલ અંત્યોદય એનએફએસએ કાર્ડ હોલ્ડરને વિતરણ કરાાશે.

દરમિયાન દુકાનદાર અને પુરવઠાના સુત્રોમાંથી મળતી વિગતોમુજબ મોટા ભાગની દુકાનો ઉપર અનાજનો જથ્થો પહોંચી ગયો છે. પરંતુ ખાંડ તથા તહેવારો ઉપર આપવાની થતી વધારાની ૧ કિલો ખાંડ, ૧ લીટર (રૂ. ૯૩ લેખે) કપાસીયા તેલની ભારે અછત સર્જાતા વિતરણમાં વિક્ષેપ થવાની શકયતા છે. તહેવારોની સીઝન ઉપર જ ખાંડ-તેલનું વિતરણ મોડુ થવાની શકયતાએ ગરીબોમાં ભારે દેકારો છે. જો વિતરણ મોડુ થશે તો કાલથી માત્ર અનાજ અપાશે. ખાંડ-તેલ માટે બીજો રાઉન્ડ કરવો પડે તેવી શકયતાએ પુરવઠા તંત્ર ધંધે લાગી ગયું છે અને ખાંડ-તેલનો જથ્થો મેળવવા ફોનના ચકરડા ઘુમાવવાનું શરૂ કરાયું છે.

અત્રે એ નોંધનીય છે કે પ્રધાનમંત્રી અન્ન સહાય યોજનામાં એનએફએસએ કાર્ડ હોલ્ડરોને ૩ાા કિલો ઘઉ-૧ાા કિલો ચોખા મફત અપાશે. તુવેરદાળ ૧ કિલોના ૭૧ લેખે ખાંડ ૧પ અને રર લેખે અપાશે. 

(3:40 pm IST)