Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

એકલવ્યનગરમાં રસ્તા પરથી પાણા લેવાનું કહેતા બેલુ રોડ વચ્ચે રાખી દીધું: મારામારીમાં ૬ ઘવાયા

નરેશ પરમાર કાર લઇને નીકળ્યા ત્યારે લાલાને પાણા હટાવવા કહેતાં ડખ્ખોઃ નરેશ, તેના બે ભાઇ, બનેવી અને સામા પક્ષે કિશન તથા જુગલને ઇજા થતાં છએયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૭: કણકોટમાં બુધ્ધ વિહાર પાસે એકલવ્યનગરમાં રહેતાં અને કડીયા કામ કરતાં યુવાને પોતે ઇકો કાર લઇને નીકળ્યા ત્યારે પડોશમાં રહેતાં શખ્સના ઘર પાસે પથ્થર પડ્યા હોઇ તે થોડા દૂર લેવાનું કહેતાં એ શખ્સે એક બેલુ ઉપાડી રોડ વચ્ચે મુકી દઇ ઝઘડો કરી પોતાના મિત્રો સાથે મળી કાર ચાલક યુવાન તથા તેના બે ભાઇ અને બનેવી પર તલવાર-પાઇપથી હુમલો કરતાં ચારેયને હોસ્પિટલે ખસેડાયા હતાં. સામે પક્ષે પણ બે જણા ઘાયલ થતાં સારવાર લીધી હતી.

એકલવ્યનગરમાં રહેતાં અને કડીયા કામ કરતાં નરેશ મંગાભાઇ પરમાર (ઉ.વ.૩૪), તેના ભાઇ લાલજી મંગાભાઇ (ઉ.વ.૨૯), કુટુંબી ભાઇ જીતુ રાણાભાઇ પરમાર (ઉ.વ.૪૦) તથા બનેવી પ્રેમજીભાઇ નાથાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) પર પડોશમાં રહેતાં લાલો બાબરીયા અને તેના મિત્રો જૂગલ, કિશન સહિતે તલવાર-પાઇપથી હુમલો કરતાં સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે તાલુકા પોલીસને જાણ કરી હતી.

સામા પક્ષે કિશન જેન્તીભાઇ પરમાર (ઉ.વ.૨૫) તથા જુગલ બાબુભાઇ જગીયા (ઉ.વ.૨૭) પણ પોતાના પર નરેશ, લાલજી, જીતુ, પ્રેમજીભાઇ સહિતે હુમલો કર્યાની રાવ સાથે સારવાર માટે દાખલ થયા હતાં. નરેશ પરમારના કહેવા મુજબ પોતે ઇકો કાર લઇને ઘરે આવ્યા ત્યારે રસ્તામાં લાલાએ પોતાના પાણા નડે એ રીતે રાખ્યા હોઇ તેને દૂર લેવાનું કહેતાં તેણે એક બેલુ રોડ વચ્ચે રાખી દઇ માથાકુટ કરી હતી. તેને આવું ન કરવા સમજાવાતાં તેના મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. 

(3:07 pm IST)