Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટ જીલ્લા બેંકની લોન વસુલાત માટે આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજાનો હુકમ

રાજકોટ તા. ૧૭ : રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક લી. માંથી મેળવે લોનની વસુલાત માટે આપેલ ચેક રીટર્ન અંગેની ફોજદારી ફરીયાદમાં આરોપીને કોર્ટે છ માસની સજા ફટકારી હતી તેમજ આરોપી દ્વારા ચેકની રકમ જેટલુ વળતર ચુકવવા અને ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ શહેરમાં હિંમતનગર, ગાંધીગ્રામ વિસ્તારના રહેવાસી મયુરભાઇ બીજલભાઇ સભાડએ શ્રી રાજકોટ ડિસ્સ્ટ્રિકટ ક-ઓપરેટીવ બેંક લી.જામનગર રોડ શાખા, રાજકોટમાંથી રૂ.૧૦,૦૦,૦૦૦/૦૦ ની લોન મેળવેલ. આ લોન મેળવેલ ત્યારે બેંક જોગ લોન દસ્તાવેજો અને મોર્ગેજ કરી આપેલ અને લોનની રકમ ભરપાઇ કરવા અંગે રૂ.૧,ર૬,૧૯૯/૦૦ નો ચેક આપેલ. સદરહું લોન વસુલ આપવા માટે આપવામાં આવેલ આ ચેક બેંકે ખાતામાં ભરતા તે ચેક ખાતામાં અપુરતા નાણાને કારણે પરત ફરેલ. મયુરભાઇ સભાડે આપેલ ચેક રીટર્ન થતા બેંકે એડવોકેટ નિલેશ જી.પટેલ મારફત ચેક રીટર્ન થયા અંગેની અને ચેકવાળી રકમ ચુકવી આપવા અંગેની નોટીસ આપેલ. નોટીસ આપવા છતાં આરોપી મયુરભાઇ સભાડે ચેકવાળી રકમ બેન્કમાં ભરપાઇ કરેલ નહિ. જેથી બેંક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

બેન્ક તરફથી દાખલ કરવામાં આવેલ આ ફોજદારી ફરીયાદ ચાલી જતા બેન્ક તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ફરીયાદીનો પુરાવો તથા રજુઆતો ગ્રાહ્ય રાખેલ. કોર્ટે નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળના ગુન્હાઓ વધવાના કિસ્સાઓને ગંભીરતાથી લઇ ચેક આપવા અને નાણા ન ચુકવવા અંગેના ગુન્હાને ગંભરતાથી ધ્યાને લીધેલ છે તેમજ નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમન્ટનો દુરૂપયોગ કરવાના ગુન્હામાં ગંભીરતાથી લેવો જરૂરી હોવાનું માનેલ છે. તેમજ નાણા લોન પેટે લઇ પરત ન આપવાનો બદઇરાદો ધરાવતા વ્યકિતઓને કાયદાનું ખોટુ અર્થઘટન કરતા તેમજ ચેકનો દુરૂપયોગ કરતા ગુન્હાને હળવાશથી લઇ શકાય નહિ તેવુ માન્ય રાખેલ છે તેમજ મયુરભાઇ બીજલભાઇ સભાડ સામેનો કેસ સાબીત થયેલ છે તેવું માની મયુરભાઇ બીજલભાઇ સભાડને છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. તેમજ ફરીયાદીને ચેક જેટલી રકમનું વળતર ત્રણ માસમાં ચુકવવા હુકમ ફરમાવેલ છે તેમજ વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. તરફથી રાજકોટના નિલેશ જી. પટેલ એડવોકેટ રોકાયેલ હતા. 

(3:00 pm IST)