Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટમાં માંડા ડુંગર પાસે થયેલ ખુનના ગુનામાં પકડાયેલ ભરવાડ શખ્સના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ તા. ૧૭: રાજકોટમાં માંડા ડુંગર પાછળ થયેલ શખ્સના ખુનના ગુન્હામાં પકડાયેલ ભરવાડ શખ્સનો જામીન ઉપર છુટકારો ગુજરાત હાઇકોર્ટે ફરમાવેલ હતો.

રાજકોટમાં રહેતા નિલેશભાઇ રામજીભાઇ સગપરીયાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં તા. ૧૯/૧ર/ર૦ર૦ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે તેઓ માંડા ડુંગર પાછળ આવેલ આરતી સોસાયટીમાં શેરી નં. ૩ માં પ્લોટમાં બાંધકામ કરતા હોય જે પ્લોટમાં બાંધકામ બાબતે ઝઘડો થતા સિધ્ધાર્થ ડાંગર અન્ય ૭ વ્યકિતઓએ ભેગા મળી તેઓને ધારીયા તથા પાઇપ, ધોકા વડે માર મારેલ અને તેઓ આ પ્લોટમાં બાંધકામ કરશો તો બધાને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપીને જતા રહેલ ત્યારબાદ તેઓના માસીના દીકરા રાજેશભાઇ તેઓને ૧૦૮ મારફતે હોસ્પીટલે લઇ ગયેલ અને જયાં તેઓએ આ કામના આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપેલ હતી જેમાં આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા સૌ પ્રથમ આઇ.પી.સી. કલમ ૩ર૬, ૩રપ, ૩ર૪, ૩ર૩, પ૦૬(ર),  પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ જી.પી. એકટની કલમ ૧૩પ(૧) મુજબનો ગુન્હો નોંધેલ હતો. ત્યારબાદ આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા તેમાં આઇ.પી.સી. કલમ ૩૦૭નો ઉમેરો કરવામાં આવે લ હતો. અને ત્યારબાદ ફરીયાદીનું મૃત્યુ થતા તેમાં આઇ.પી.સી. કલમ ૩૦રનો કલમ ઉમેરો કરવામાં આવેલ હતો. જેમાં આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા સૌ પ્રથમ ૪ ઇસમો (૧) સિધ્ધાર્થ વાજસુરભાઇ ડાંગર (ર) જયસુખભાઇ અરજણભાઇ જોગસવા (૩) રામજીભાઇ રઘુભાઇ જોગસવા (૪) રતનભાઇ બચુભાઇ મુંધવાની ધરપકડ કરવામાં આવેલી અને ત્યારબાદ તેમાં આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું.

ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી રતનભાઇ બચુભાઇ મુંધવાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા તેમાં આરોપીના વકીલશ્રી દ્વારા એ મતલબની રજુઆત કરેલ હતી કે ફરીયાદી દ્વારા આરોપીનું ખોટું નામ આપવામાં આવેલ છે અને ખોટી રીતે ફરીયાદ આપીને આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ છે. અરજદાર/આરોપી રતનભાઇ બચુભાઇ મુંધવાએ મરણ જનારને કોઇપણ માર મારેલ હોયડ તેવો કોઇ પુરાવો મળી આવેલ ન હોય તેમજ આરોપી પાસેથી કોઇ હથીયાર રીકવર કરવામાં આવેલ નથી કે આરોપીને ઉપરોકત ગુન્હામાં સાંકળતો કોઇ પુરાવો મળી આવેલ નથી અને આરોપીનો કોઇ ગુન્હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઇ પુરાવો મળી આવતો નથી તેવી ધારદાર રજુઆતો કરવામાં આવેલ હતી.

ઉપરોકત સંજોગોમાં હાઇકોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ અરજદાર આરોપીને રૂ. ૧૦,૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ગુજરાત હાઇકોર્ટમાં આશીષભાઇ ડગલી તથા રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી. નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પ્રધ્યુમનસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા. 

(3:00 pm IST)