Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

હેડપોસ્ટ ઓફિસમાં મોબાઇલચોરનો ઉપાડોઃ લોકો સાથે લાઇનમાં ઉભી કસબ અજમાવતો સીસીટીવીમાં દેખાયો

સદર બજારના પોસ્ટ બચત એજન્ટ પરેશભાઇ ચોૈહાણે લેખિત ફરિયાદ કરીઃ બીજા બે લોકોના ફોન પણ ગયા

રાજકોટ તા. ૧૭: હેડ પોસ્ટ ઓફિસમાં મોબાઇલ ચોરે ઉપાડો લીધો હતો. રવિવારની રજા બાદ ગઇકાલે સોમવારે ભારે ગિરદી જામી હોઇ તેનો લાભ ઉઠાવગીરે ઉઠાવ્યો હતો. સદર બજારમાં રહેતાં અને પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતાં યુવાન સહિત ત્રણના મોબાઇલ ફોન કતારમાં સાથે ઉભો રહી એક ગઠીયો શિફતપુર્વક સેરવીને ભાગી ગયો હતો. આ શખ્સની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોઇ પોલીસ તપાસ કરી તેને શોધી કાઢે તેવી માંગણી કરવામાં આવી છે.

સદર બજારમાં ધોબી શેરીમાં રહેતાં અને પોસ્ટ બચત એજન્ટ તરીકે કામ કરતાં પરેશભાઇ ભાનુલાલ ચોૈહાણ સોમવારે સવારે પોસ્ટના કામ માટે હેડપોસ્ટ ઓફિસે ગયા હતાં. કતારમાં ઉભા રહ્યા બાદ પોતાનો વારો આવતાં મોબાઇલમાં ખાતા નંબર જોવા હોઇ ખિસ્સુ જોતાં તેમાંથી મોબાઇલ ફોન ગાયબ જણાતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. પણ મોબાઇલ મળ્યો નહોતો.

હેડ પોસ્ટ ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કરતાં એક ગઠીયો પરેશભાઇની પાછળ જ કતારમાં ગ્રાહકના સ્વાંગમં ઉભો રહી તક મળતાં જ પરેશભાઇના ખિસ્સામાંથી રૂ. ૧૭ હજારની કિંમતનો મોબાઇલ ફોન સેરવી લઇ પોતાની પાસેથી થેલીમાં નાખતો જોવા મળ્યો હતો.

પરેશભાઇના કહેવા મુજબ બીજા બે લોકોના મોબાઇલ ફોન પણ સેરવાઇ ગયા હતાં. તેમણે આ મામલે એ-ડિવીઝન પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ નોંધ કરાવી છે. હેડપોસ્ટ ઓફિસમાં સિકયુરીટી વધારવામાં આવે અને પોલીસ મોબાઇલ ચોરને શોધી કાઢી પોતાને ફોન પરત અપાવે તેવી રજૂઆત તેમણે કરી છે. આ બનાવ સોમવારે સવારે સવા દસ આસપાસ સેરવાઇ ગયો હતો. ફૂટેજમાં ઉઠાવગીર ચોખ્ખો નજરે પડતો હોઇ પોલીસ તેને શોધી કાઢે અને બીજા લોકોના ફોન સહિતની ચીજવસ્તુઓ ચોરાતી અટકાવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે. 

(2:56 pm IST)