Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઉપકારીઓના ઉપકારને ભૂલવું તે સૌથી મોટી ભૂલ હોય છેઃ રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.

વિરલપ્રજ્ઞા ગુરુણીમૈયા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મ.સ.ના ૭૭મા જન્મોત્સવ નિમિત્તે વંદનમ્ ઉત્સવ : ગિરનારની ધન્ય ધરા પર પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષિત થએલા નવ-નવ સંયમી આત્માઓની છમાસિક દીક્ષા જયંતિનો અવસર

રાજકોટઃ તા.૧૭: ઉપકારી તત્ત્વ પ્રત્યે વારંવાર ઉપકારવેદન કરીને ઉત્કૃષ્ટ વિનયધર્મનું આચરણ કરી લેવાના પરમ હિતકારી બોધ સાથે પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વિરલપ્રજ્ઞા ગુરુણીમૈયા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજીના ૭૭ મા જન્મોત્સવ નિમિત્તે વંદનમ્ ઉત્સવ તેમજ છ મહિના પહેલા ગિરનારની ધન્ય ધરા પર પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષિત થએલા નવ-નવ સંયમી આત્માઓની છમાસિક દીક્ષા જયંતિનો અવસર હજારો હૃદયની ભકિતભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો.

ઉપકારી ગુરુણીમૈયા પ્રત્યેના વંદનભાવ તેમજ નવદીક્ષિત એવા પૂજ્ય શ્રી વિનયમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પરમ નેમિશ્વરાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ ઋજુમિત્રાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સુરમ્યાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ ઋષિમિત્રાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ શ્રીજિનેશ્વરાજી  મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ અનુજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સંવેગીજી મહાસતીજી, તેમજ પૂજ્ય શ્રી પરમ શ્રુતપ્રિયાજી મહાસતીજીના છમાસિક દીક્ષા જીવન અવસરે અહોભાવ પ્રગટ કરતાં આ અવસરે સમગ્ર દેશના ખૂણે-ખૂણેથી તેમજ પરદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, યુગાન્ડા, દુબઈ, અબુધાબી, સુદાન, આફ્રિકા આદિ અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો જોડાઈને કૃતકૃત્ય બન્યાં હતાં.

પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધનાના દિવ્ય તરંગોના પ્રસારણ સાથે ગુરુણીમૈયા તેમજ નૂતનદીક્ષિત સંત-સતીજીઓના અહોભાવપૂર્વક પ્રવેશ વધામણાં કરવામાં આવ્યાં હતાં.

પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજીને પરમાર્થી અને ગુણવાન આત્મા તરીકે ઓળખાવીને આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે બોધવચન ફરમાવતાં સમજાવ્યું હતું કે, વ્યતીત થતાં જીવનમાં અનેક-અનેક આત્માઓ મળી જતાં હોય છે. કોઈક સહયોગી બનતાં હોય તો કોઈક ઉપકારી બનતાં હોય. ઉપકાર ચાહે કોઈકે નાનો કર્યો હોય ચાહે મોટો, પરંતુ ઉપકારોનું કોઈ મૂલ્ય નથી હોતું. એવા અમૂલ્ય ઉપકાર કરનારા ઉપકારી તત્ત્વ પ્રત્યેના વંદનભાવ, સદ્દભાવ અને અહોભાવની અભિવ્યકિત કરવી તેને પરમાત્માએ ઉત્કૃષ્ટ કક્ષાના વિનયધર્મ સ્વરૂપે ઓળખાવ્યું છે. પરમાત્મા કહે છે, ઉપકારી તત્ત્વને હંમેશા મસ્તકે રાખીએ અને એમના ચરણમાં સદા નત મસ્તક બનીએ. ઉપકારીના ઉપકારોને જે કદી ભૂલતાં નથી તે હંમેશા આકાશની ઊંચાઈઓને આંબતાં હોય છે. ઉપકારોને જે યાદ કરે છે તે દરેક ક્ષેત્રે વિશિષ્ટતાને પ્રાપ્ત કરતાં હોય છે.

ડૉ. પૂજ્ય શ્રી આરતીબાઈ મહાસતીજીએ આ અવસરે પૂજ્ય ગુરુણીમૈયા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજીને સહુ પ્રત્યે સદ્દભાવના અને સહયોગવૃત્તિના ધારક સાધ્વી તરીકે ઓળખાવીને એમના ગુણસમૃદ્ધ જીવનનો પરિચય કરાવતાં સહુ અહોભાવિત બન્યાં હતાં. એ સાથે જ, સમગ્ર સાધ્વી પરિવાર દ્વારા પૂજ્ય ગુરુણીમૈયાના ગુણોનો અહોભાવભીનો પરિચય કરાવવામાં આવતાં સહુના હૃદય અભિવંદિત બની ગયા હતાં. ઉપરાંતમાં ગુરુણીમૈયા પ્રત્યે સાધ્વીવૃંદે પ્રદક્ષિણા વંદના અર્પણ કરવા સાથે શાલ અર્પણ કરતાં દિવ્ય દ્રશ્યો સર્જાયા હતાં.

આ અવસરે છ મહિનાના સંયમ જીવનની અનુભૂતિને, સુંદર ભાવો સાથે નવ નવ નૂતનદીક્ષિત સંયમી આત્માઓએ અભિવ્યકત કરતાં સહુના હૃદયમાં સંયમ અને સંયમી આત્માઓ પ્રત્યે ધન્યતાનો ભાવ પ્રગટ થયો હતો.

(2:54 pm IST)