Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કોરોનાએ ૧II વર્ષમાં કમ્મરતોડ આર્થિક માર પાડયો છે

રાત્રે ૯ વાગ્યે દુકાનો બંધ કરવાનું જાહેરનામું દૂર કરો...

રાજકોટના ૧૩ વેપારી એસો. દ્વારા કલેકટરને વિસ્તૃત રજૂઆતઃ રક્ષાબંધન-જન્માષ્ટમી-ગણપતિ ઉત્સવ-નવરાત્રી-દિવાળીના તહેવારોને ધ્યાનમાં લેવા માંગણી

રાજકોટના ૧૩ જેટલા વિવિધ વેપારી એસો. દ્વારા રાત્રે ૯ વાગ્યે દુકાનો બંધ રાખવાનું જાહેરનામું હટાવવા માંગણી કરી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ હોલસેલ્સ ટેકસટાઇલ્સ મરચન્ટ એસો.ના અગ્રણીઓ, રાજકોટ રીટેઇલ-રેડીમેઇડ ગારમેન્ટસ એસો.ના હોદેદારો તથા અન્ય ૧૧ જેટલા વેપારી એસો.એ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી બજારો વહેલી બંધ કરવાના સમયનું જાહેરનામું દુર કરવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મરચન્ટ એસો.નાં તમામ સભ્યોની અને અન્ય વેપારી એસો. ની રજૂઆત છે કે, આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો આવતાં હોય, દુકાનો બંધ કરવાનો જે સમય રાત્રે ૯ વાગ્યાનો છે તે સંપૂર્ણપણે હટાવી લેવો જોઇએ, જેથી કરીને લોકડાઉનમાં અમારા હોલસેલ કે રીટેલ કાપડ કે રેડીમેઇડ કપડાંના વ્યાપારીઓને થયેલ નુકશાની મહદઅંશે ભરપાઇ કરવાનો અમે પ્રયત્ન કરીએ. ગુજરાત રાજયનાં માત્ર નગરોમાં જ સમય મર્યાદા હોય, અમારો વ્હેપાર અન્યત્ર ચાલ્યો જાય છે.

હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રીનાં મોડે સુધી ખુલ્લા રાખી શકાય તેમ હોય તો કાપડ કે કપડાંની દુકાનમાં પાબંદી શું કામ રાખવી જોઇએ ?, અમારા વ્હેપારીઓ થકી કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે ને આવશે તેની પણ અમે ખાત્રી આપીએ છીએ. શહેરની બજારો વ્હેલી બંધ થઇ જતી હોય, નજીકનાં શહેર કે ગામડામાંથી લોકો બજારમાં ખરીદી કરવા આવી શકતા નથી, તેથી અમારા વ્યવસાયને ખૂબ જ નુકશાન થાય છે.

આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી અને દીપાવલીનાં તહેવારો આવતાં હોય, બજારો ઉપર લગાવેલા નિયંત્રણો સંપૂર્ણપણે ઉઠાવી લેવા જોઇએ તેવી અમારી માંગણી છે.

આ રજૂઆત કરવામાં ગુંદાવાડી મરચન્ટ એસોસીએશન, કોઠારીયા રોડ મરચન્ટ એસોસીએશન, ધર્મેન્દ્ર રોડ વ્હેપારી એસોસીએશન, નવાનાકા વ્હેપારી એસોસીએશન,  જંકશન પ્લોટ વ્હેપારી એસોસીએશન,  દિવાનપરા વેપારી એસોસીએશન, લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશન, ભકિતનગર સર્કલ વેપારી એસોસીએશન, ઘી કાંટા રોડ વેપારી એસોસીએશન, ગાયકવાડી પ્લોટ વેપારી એસોસીએશન,  કોઠારીયાનાકા વેપારી એસોસીએશનનો સમાવેશ થાય છે.

આવેદન દેવામાં વેપારી અગ્રણીઓ હિતેશ અનડકટ, ઉપેન માનસાતા, રૂપેશ રાચ્છ, રજનીકાંત છાટબાર, હિતેનભાઇ તુરખીયા, હિતેષભાઇ નાગ્રેચા, જયેશભાઇ ધામેચા વિગેરે જોડયા હતાં.

(2:51 pm IST)