Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

શ્રાવણ મહિના માટે સ્પેશિયલ અનોખી ફરાળી પેટીસ

સ્નેક બાઈટ, હજી લઉં એક બાઈટ !? જીજ્ઞેશ કામદાર : ફિલ્મ, ફૂડ અને ફ્રેન્ડશિપ

ખમા... ખમા જીભલડી..હવે ખમા... હાઉ કરો જીભલડી...તમારા ચટકાના કરમ પછી પેટે ભોગવવા પડે એવું નો કરાય હો...હવે શાંત સ્વાદ ઘેલી...

જીભને આવું કહેવું પડે. મનના ઘોડા સ્વાદના સમરાંગણમાં ઉછળતા હોય એને લગામ ખેંચવી પડે એવી મસ્ત વાનગિયું મળે છે. શ્રાવણ માસ છે એટલે રાજકોટમાં ઠેર ઠેર - ઘેર ઘેર 'પેટીશ મલસે' ( પેટીસ મળશે) ના પાટિયા તો ઉનાળામાં આંબે કેરી ઝૂલે એમ ઝૂલી રહ્યા છે. પણ આ વખતે એક નવો સ્વાદ આ ફરાળી પેટીસ માટે.

જગ્યા જૂની. નામ જૂનું. બનાવનાર અને જગ્યાના માલિક જૂના પણ સ્વાદ નવો.

જગ્યા સ્નેક બાઈટ - મોટી ટાંકી ચોક, જીગર પાનની બાજુમાં. માલિક જીજ્ઞેશભાઈ. બાળકો માટે જીગાકાકા. હા એ જ...હજી વાળ કપાવ્યા નથી.

યાદ આવ્યું? એક વાર એમના નમકીન વિશે લખ્યું હતું? લોક ડાઉન પછી એ નમકીન હવે ત્યાં નથી પણ આપણું ટ્રેડિશનલ સ્ટ્રીટ ફૂડ અને વેસ્ટર્ન કે કોંટિનેંટલ સ્નેકસ ત્યાં મળે છે. અને એવું મળે છે કે એમ થાય,હજી એક લઉં! હજી થોડું ખાઉં? એક પીસ!? આટલી બધી નહી!! એમ કહ્યું હોય ને પાંચ પેટીસ ઊભા ઊભા ખવાઈ જાય...

મેનુ તો લાંબુ છે... મસાલા ટોસ્ટ, ચીઝ બટર મસાલા, પનીર ટિક્કા, ચીઝ ચિલી વગેરે સેન્ડવીચ.  ફ્રેન્ચ ફ્રાઈસ, પેરી પેરી ફ્રાય, ચીઝી લોફેડ ફ્રાયઝ... ઇટાલિયન, માર્ગરિટા....પીઝા....

એવું ફાસ્ટ ફૂડ. આ બધાના ટેસ્ટ ફેન્સ છે. પરંતુ 'રનિંગ આઇટમ' છે ઘૂઘરા, વડાપાઉં અને દાબેલી. કોઈ એમ કહે કે રાજકોટમાં ઘૂઘરા તો ઓલા જ વખણાય..તો વખાણો એમાં વાંધો નહી. પણ અંદરનો માવો - મસાલો એટલે કે સ્ટફિંગ તદ્દન તાજુ, આપણી સામે જ એ તળાય શુદ્ઘિ જોઈને અને ખાઈને ખ્યાલ આવે જ.

ચટણી - તીખી ચટણી તો એવી કે જીભને અડે ને સંદેશો સીધો નાકને અને માથા ને પહોંચે. લાલ ચટણી..આહા આ તીખી ચટણીનો ઓથેંટીક સ્વાદ છે. અને એની અંદર અન્ય કેટલીક જગ્યાઓ જેમ ચૂનો નથી નંખાતો. તીખું ખાવાનો મારી જેમ શોખ હોય તો આ ચટણી વધુ લેવાય જ.

(જેમને સ્વાસ્થ્યની ચિંતા છે એમના માટે કાયમી ટિપ્સ - તીખું વધુ ભાવતું હોય તો મીઠી ચટણી નાંખવી નહી એટલે તીખો ટેસ્ટ ડબલ થઈ જાય.)

ઘૂઘરા પછી વારો વડા પાઉંનો. ફ્રેશ પાઉં...બટેટાનો માવો પણ તાજો જ. બધું ફરસાણ શુદ્ઘ સીંગતેલમાં છે. પ્યોરિટીની

સ્યોરિટી. ચીઝ, માખણ બધું ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા નું....એટલે કે અમુલનું.

ખાવાનું મળતું હોય એ જગ્યાની સ્વચ્છતા સૌથી અગત્યની. અને આ સ્નેક બાઇટમાં માખી પણ કયારેક ભૂલી પડીને આવે તો આવે બાકી બધું તદ્દન હાઇજેનિક. કનુભાઈ અને જોશીભાઈના હાથનો કસબ છે દરેક વાનગીમાં.

જીજ્ઞેશનું મિત્ર વર્તુળ મોટું. અનેક મિત્રો આવે એને આ ભાઈ પ્રેમથી પ્રસંગમાં ખવરાવતો હોય એમ ચખાડે...

આ બધી સ્વાદના નિત્ય નૂતન રૂપ જેવી વાનગીઓ...જાણે અપ્સરા છે. લોભાવે જ. ને એમાં છાસ કે સોફટડ્રિંકના સૂર ભળે.

સ્નેક બાઇટની મુલાકાત લેવા જેવી - ઓરીજનલ, ઓથેન્ટિક ટેસ્ટ માટે. હા, પેટીસ તો એક જ મહિનો મળવાની છે. ઇનબિલ્ટ તીખાશ, લીલો મસાલો. ક્રિસ્પી પડ...પેટીસ સરસ છે ત્યાં.

હવે બસ, સવારે ફાફડા અને સાંજે વણેલા જો શરૂ કરે તો પૂર્ણતા પ્રગટે. પણ અત્યારે છે એમાં ય અધૂરપ નથી.

હવે તમને થતા સવાલ નો જવાબ કે આ આટલું બધું કાં લખ્યું? ના આ જાહેરાત નથી જ. અનેક વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણવા જતા ત્યાં હું ને જીગ્નેશ પણ સાથે જતા - સાથે ભણતા એવું ખોટું હું નહીં બોલું. આ મિત્રતાની મીઠાશ છે.... વાનગી નો સ્વાદ નિમિત્ત છે.

- જવલંત છાયા

(સોશિયલ મીડિયામાંથી સાભાર)

જીજ્ઞેશ મને ભણી ને ભણાવી લીધા પછી મળેલા મિત્રોમાં સૌથી જૂનો ને ટકાઉ નીવડ્યો છે એનું કારણ છે એનો દિલેર ને સમજદાર સ્વભાવ. યારો કા યાર જેવો ટેસ છે એની કંપનીમાં. સૌથી મોટો ગુણ એ કે, એને સંભળાવતા નહિ પણ ધ્યાન દઈને સાંભળતા આવડે છે. ઇનફેકટ, એના થકી એના મિત્રો મારા મિત્રો બની ગયા છે. અને જીજ્ઞેશ બની ગયો ફેમિલી.

એ મળેલો મને રાજકોટમાં ડો. કથીરિયાસાહેબે યોજેલા બુક ફેરમાં. મારી સાહિત્ય અને સિનેમાની બૂકના ભાવક તરીકે. ફિલ્મો માટે તો હું રીતસર ક્રેઝી. પણ જીજ્ઞેશ માત્ર ચાહક નહિ, મૂવીઝ ને મ્યુઝિક બાબતે બે વાત આપણને ઉભાઉભ શેર કરીને શીખવાડી શકે એવો જબરો જાણકાર. ત્યારે એમ જ મેચ થઈ જતા અમારી વાતો એ મને એની ત્યારની ઓડિયો ડેન શોપ પર લઈ ગયો. ઓડિયો વિડીયોનું લલચામણું કલેકશન પછી અમારું કાયમી કનેકશન જ બની ગયું. પરદેશથી વોટ્સએપ નહોતું ત્યારે ઇમેઇલ કરું ને હવે તો કોલ કરું એવું. જીજ્ઞેશ એટલે જેની સાથે જીવનની ખાટીમીઠી યાદો શેર કરવાનો જલસો પડે ને હૈયું ઠાલવી શકાય એવું ભરોસાપાત્ર ઠેકાણું. બહુ ઓછા રહ્યા છે આવા દોસ્તો. અને જીજ્ઞેશ તો માણસ પણ જોરદાર. હર્ટ થયા વિના હાર્ટ રાખે એવો. પર્સનલ લાઈફમાં અણધારી આવેલી સ્વજનોની કટોકટી એણે જે હસતા મોઢે હેન્ડલ કરી છે ને દરિયાવ દિલથી અન્ય સ્વજનોને ટેકો આપવા પાતળા શરીરે ય જે મજબૂતાઈથી ઉભો રહ્યો છે એની તો આખી સલામીભરી 'ગાથા' લખવી પડે.

રાજકોટના જાણીતા મોટી ટાંકી ચોકમાં અકિલા પાસે એની કોર્નર પર આવેલી શોપ એ હું ગોંડલ રહેતો ત્યારનો મારો અડ્ડો થઈ ગયો. ત્યાં મારા ઘર માટે લીધેલા શાક અને મેગેઝીન્સ ભરેલા ઠેલા રાખીને ગેલેકસીમાં ફિલ્મ જોવા એની જોડે જાઉં કે મારી કોઈ વસ્તુ ત્યાં મંગાવી લઉં. મુલાકાતીઓ ત્યાં મળવા આવે ને જીજ્ઞેશ જોડે મૂવીઝ, મ્યુઝિકની મસ્તીભરી મહેફીલ મળીએ એટલે મિત્રભાવે શરૂ. બીજા ય જોડાતા રહે. ઘેર આવવાજવાના ને જોડે જમવાના સંબંધ કયારે ખીલીને એક સુગંધી બગીચો રચી ગયા મારી આસપાસ એ ખબર જ ન રહી.

સુખદુઃખના શેરિંગની, ખડખડાટ ઠહાકાઓ ને દેશપરદેશની ફિલ્મોમાં મારેલા ધુબાકાઓની એ જગ્યા જ આજે સ્વાદશોખીન રાજકોટ માટે નવીનરંગીન સરનામું બની ગઈ છે 'સ્નેક બાઈટ'ના નામે. મોટી ટાંકી ચોકમાં એની દુકાનમાં કોવિડ કાળ પહેલા એટલો ધસારો રહેતો કે જગ્યા નાની લાગતી. ને જીજ્ઞેશ પાસે સમય ટૂંકો પડતો. જાતે સજોડે પણ બનાવીને લોકોને અસલી વાનગીઓથી તૃપ્ત કરતા મેં એને જોયો છે.

કારણ કે મૂળભૂત રીતે એ ફૂડી છે. ધ બેસ્ટ ફૂડી. હું જગતના કોઈ પણ ખૂણે કોઈ નવું સુંદર એન્ટરટેઇનમેન્ટ માણું કે નવું ફૂડ ચાખું. મોકો મળે એટલે ફોટો નહિ, રોમિંગમાંથી એને કોલ ગયો જ હોય. રાજકોટમાં જયેશભાઇ કે સવજીભાઈ જેવા અનેક શોખીન મિત્રો બહારથી કે પરદેશથી પણ આવે તો એમને શું ખવડાવવું એ માટે સલાહ લેવા એને હજુ ય કોલ કરું ને ઉત્સવોમાં જોડે જમવા જઈએ. ટેસ્ટની પરખ, ધંધાની સૂઝ ને કોઈને હેરાન ન કરવાની નીતિ. આમ સ્ટાઈલ આઇકોન જેવો ફેશનેબલ, પણ ભરોસામાં જૈન સજ્જન. મારા અન્નપૂર્ણા મામી ય નોંધે કે ઘેર આવે તો ય ખાલી હાથે ન હોય. કશીક ચાખવા જેવી નવી વાનગીઓ હોય જ.

એટલે એની ગેરહાજરીમાં ય નિમિષભાઈ જેવા મિત્રો સાથે કોલમાં ય એની કોરોના સમયે દુનિયાની સાથે બંધ થયેલી 'સ્નેક બાઈટ' ને અમે યાદ કરીએ. અને આનંદ છાયો અપાર કે ફરી એ નવા રંગરૂપ સાથે રિલોન્ચ થઈ.

હવે કનુભાઈ ને જોશીભાઈના સથવારે ત્યાં ફેવરિટને સ્વાદિષ્ટ સ્ટ્રીટફૂડ મળે છે. ઘૂઘરા, વડાપાઉં, દાબેલી, પિત્ઝા, સેન્ડવીચ ને ઘરની લાગે એવી જ ઠંડી છાશ વગેરે. શ્રાવણમાં ગરમાગરમ પેટીસ પણ ખરી. જીભનો જલસો ને પેટનો ધરવ.

જીજ્ઞેશ પિકચરના હીરોની જેમ સંજોગો સામે બાથ ભીડી વારંવાર ફાઈટ આપવા સ્વેગથી બેઠો થતો રહે છે. લાગણીશીલ જીવ છે, પરિવાર એનું હૃદય છે. પણ મહેનત કરી ઉભા થઈને બાથ ભીડવામાં એ નજરે જોયેલો સ્ટાર છે.

હજુ ય મધરાતે જેની સાથે કોઈ સરસ ફિલ્મ જોઈને કે સરસ સોંગ સાંભળીને કોલ જોડાઈ જાય છે એવા જીવનને જીવી જાણતા ઉદારદિલ મિત્ર જીજ્ઞેશ કામદારના સ્નેક બાઈટ ૨.૦ ને એટલે જ વિન્ટેજ બચ્ચનની ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જેવી સીટીઓ આપણી.

વગાડતા નથી આવડતી એ જાણે છે, એટલે જ એ દોસ્ત છે.

- જય વસાવડા

(સોશિયલ મીડિયામાંથી સાભાર)

  • સ્નેક બાઇકનું મેનુ

મેગી   : ૨ મિનિટમાં ઘેર બને એ નહિ, પણ ચીઝ,બટર અને પનીર ચીલીની ટેસ્ટફૂલ વરાયટીનો આનંદ.

સેન્ડવિચ       : ઓલ ટાઈમ ફેવરિટ આલુમટરથી શરૂ કરી મુંબઈ સ્ટાઈલ ચટપટી વેજ, આલુ ટિક્કી, પનીર ટિક્કા ગ્રીલ્ડ જેવી ગરમાગરમ ખુશ્બૂથી મોંમાં પાણી આવે એવી રેન્જ.

ચીઝ ચિલી ટોસ્ટ : રેકડીઓમાં ચીઝના ચોસલા ને મરચાના કટકા સાથે બને એ નહિ પણ સ્પેશ્યલ મોઝેરેલા ચીઝની લહેજત.

પિત્ઝા  : ઓથેન્ટિક હર્બ્સ, મસ્ત ટોપીંગ્સ, મેલ્ટેડ ચીઝનો ટનાટન ટેસ્ટ.

હોટ ડોગ       : દેશી વેજેટેબલ વર્ઝન ખાસ નવી સ્વાદિષ્ટ રેસિપી.

ગાર્લિક બ્રેડ : ક્રિસ્પી મસ્ત ત્રણ પીસમાં વરાયટીનો ટકાટક ટેસ્ટ

સ્થળ : સ્નેક બાઇટ, મોટી ટાંકી ચોક, નીતા ટ્રાવેલ્સ - જીગર પાનની બાજુમાં રાજકોટ. મો. ૯૪૨૯૪ ૭૨૪૫૬

(2:17 pm IST)