Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

બજરંગવાડીમાં નિવૃત પોસ્ટ કર્મચારી વૃધ્ધ અને ગંજીવાડામાં યુવાને ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

હરેશભાઇ ટીલાવત નિવૃતી બાદ કંટાળી જતાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણઃ હિતેશ ઝીંઝરીયાએ મગજ ભમતો હોવાથી મોત મેળવી લીધું: બંનેના પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૭: આપઘાતની બે ઘટનામાં બજરંગવાડીમાં રહેતાં પોસ્ટ ઓફિસના નિવૃત કર્મચારી વૃધ્ધે અને ગંજીવાડામાં કારખાનામાં કામ કરતાં યુવાને ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધા હતાં. પોસ્ટ કર્મચારીએ થોડા સમય પહેલા જ વીઆરએસથી નિવૃતી લીધી હોઇ ઘરે કંટાળી જતાં હોવાથી અને યુવાને માનસિક તકલીફને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ બજરંગાવડી શેરી નં. ૯/૧૦ના ખુણે પાયલ મંડપ સર્વિસ પાસે રહેતાં હરેશભાઇ મોજીરામભાઇ ટીલાવત (ઉ.વ. ૫૮) નામના પોસ્ટ ઓફિસના નિવૃત કર્મચારીએ ઘરના ઉપરના માળે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવ અંગે ૧૦૮ના ઇએમટી ગીરજાબેન રાઠોડે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી. એમ. અકવાલીયા અને રાઇટર મહેશભાઇ કછોટે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હરેશભાઇ ટીલાવત પોસ્ટ ઓફિસમાં નોકરી કરતાં હતાં. થોડા સમય પહેલા નિવૃતી લીધી હતી. એ પછી તેમને ઘરે સતત કંટાળો આવતો હોવાનું તેઓ કહેતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં ગંજીવાડા-૭માં રહેતાં રિતેશ-હિતેષ બટુકભાઇ ઝીંઝરીયા (ઉ.વ.૩૫) નામના કોળી યુવાને ઘરે લોખંડની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ૧૦૮ મારફત માહિતી મળતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ પીએસઆઇ કડછાએ જાણ કરતાં થોરાળાના હેડકોન્સ. બી.આર. સોલંકી સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. કેટલાક સમયથી મગજ ભમતો હોઇ તેના કારણે આવુ પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

(1:11 pm IST)