Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મવડીમાં દક્ષિણ મામલતદારનું ઓપરેશનઃ ૨૫ કરોડની જમીન ખુલ્લી

મવડી - પાળ રોડ ઉપર ૫ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ : ૧૪ વાડા - વંડા - એક ડઝન ઝૂપડા - કાચા મકાનો તોડી પડાયા

૧૩ ઝૂપડા - મકાનવાસીઓને સામાન ખસેડવા ૧ દિ'નો સમય અપાયો : જગ્યા પચાવી પાડવા અમૂક ઝુપડા તો ખાલી ખમ રખાયાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૭ : અંદાજે ૧૦ દિવસ પહેલા નોટીસો આપ્યા બાદ કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ દક્ષિણ મામલતદાર શ્રી દંગી અને તેમની ટીમે આજે મવડીમાં એક સુપર-ડૂપર દબાણ હટાવ ઓપરેશન પાર પાડી ૫૦ હજાર ચો.મી. લેખે અંદાજે ૨૫ કરોડની ૫ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દીધો હતો.

૧૦ દિવસ પહેલા દક્ષિણ મામલતદારશ્રી દંગીએ મવડી સર્વે નં. ૧૯૪ - પાળ રોડ ઉપર મોકાની સરકારી જમીન ઉપર દબાણ કરનાર ઝુંપડાવાસીઓ - કાચા મકાન ધારકોને ખાલી કરવા નોટીસો ફટકારી હતી અને ૧૭મી ઓગસ્ટની મહેતલ આપી હતી, પરંતુ અત્રે રહેતા શાકભાજી - ફ્રુટના ધંધાર્થીઓએ જમીન ખાલી નહી કરતા મામલતદાર શ્રી દંગી, સર્કલ ઓફિસર તથા રેવન્યુ તલાટીની ટીમોએ જેસીબી, પીજીવીસીએલની ટીમ, પોલીસનો બંદોબસ્ત સાથે રાખી સવારના ૮ વાગ્યાથી ઓપરેશન હાથ ધર્યું હતું અને સવારે ૧૦ સુધીમાં ૨ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.  અધિકારીઓના કહેવા મુજબ સવારે ૧૦ સુધીમાં ૧૪થી વધુ વંડા - વાડા તોડી પડાયા હતા. આ ઉપરાંત એક ડઝન જેટલા ઝુપડા - કાચા મકાનો - સીમેન્ટ અને પતરાની છતવાળા મકાનો તોડી પડાયા હતા, જ્યારે ૧૦ જેટલા ઝૂપડા - કાચા મકાન ધારકોએ સામાન ખસેડવા ૧ દિ'નો સમય માંગતા તેમને માનવતાના ધોરણે તંત્રએ એક દિવસનો સમય આપ્યો છે.

મામલતદારશ્રી દંગીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, મવડી સર્વે નં. ૧૯૪માં કુલ ૫ હજાર ચો.મી. જમીન ઉપર છૂટાછૂટા દબાણો ઉભા થઇ ગયા હતા, અમુક લોકોએ તો જમીનનો કબજો લેવા માટે ખાલી ઝૂપડા જ ઉભા કરી દિધા, તેમાં કોઇ સામાન નહોતો. આવા ૭ ઝૂપડા અલગથી તોડી પડાયા છે, જેમને સમય અપાયો તેમના દબાણો તંત્ર કાલે તોડી પાડશે, હજુ અન્ય જગ્યાએ દબાણો અંગે તપાસ ચાલી રહી છે, તેમની ઉપર હવે કાર્યવાહી થશે.

(2:50 pm IST)