Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

દિવ્યાંગો માટે ઓનલાઇન ટેકસ ભરવા અલગથી મનપા દ્વારા એપઃ ડો.દર્શીતાબેનની સફળ રજુઆત

રાજકોટ,તા. ૧૭: ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા દિવ્યાંગ અરજદારોને ઓનલાઈન એડવાન્સ ટેકસ ભરવાની પ્રકિયા સરળ કરવા સંદર્ભ મ્યુનિ કમિશનરને રજૂઆત કરેલ. ડેપ્યુટી મેયરએ જણાવેલ છે કે મહાનગરપાલિકા દ્વારા હાલ આગામી વર્ષનો એડવાન્સ ટેકસ ભરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. એડવાન્સ ટેકસ ભરતા અરજદારોને ટેકસમાં વળતર આપવાની યોજના અમલમાં છે જેમાં દિવ્યાંગોને એડવાન્સ ટેકસમાં વળતર ઉપરાંત ૪૦% દિવ્યાંગનું સર્ટીફીકેટ આપતા વધારાનો ૫% વળતરનો લાભ આપવામાં આવે છે.

આ સંદર્ભમા દિવ્યાંગ અરજદાર દ્વારા આ યોજનાનો લાભ લેવા દિવ્યાંગનું સર્ટીફીકેટ બતાવા વોર્ડ ઓફિસે જવું પડતું હોય છે. જયાં તે એપ્રુવ થતા એડવાન્સ ટેકસનો લાભ મળે છે જેથી દિવ્યાંગ અરજદાર દ્વારા ઓનલાઈન ટેકસ ભરે છતા. તેને જે તે વોર્ડ ઓફિસે ધક્કો થાય છે. આ પ્રકિયામાં સુધારો કરવા મ્યુ. કમિશનરને રજુઆત કરેલ હતી. આ સંદર્ભમાં મ્યુ. કમિશનર દ્વારા ઈ.ડી.પી. શાખાને સુચના આપવામાં આવેલ તેમજ ઈ.ડી.પી. શાખા દ્વારા દિવ્યાંગોને ઓનલાઈન ટેકસ ભરવામાં સરળતા રહે તે માટે અલગથી દિવ્યાંગ અરજદાર માટે ઓનલાઈન ટેકસ ભરવામાં એપ્લીકેશનમાં સુવિધા આપવામાં આવેલ છે.

દિવ્યાંગ અરજદાર દ્વારા ઓનલાઈન પોતાનું સર્ટીફીકેટ અપલોડ કરી શકશે અને ત્યારબાદ વોર્ડ ઓફિસર દ્વારા ઓનલાઈન જ આ સર્ટીફીકેટને એપ્રુવ કરવામાં આવશે. જેથી દિવ્યાંગ અરજદારને વોર્ડ ઓફિસે જવું નહી પડે અને ઓનલાઈન જ વેરો ભરી શકશે. જેથી દિવ્યાંગ અરજદારને ટેકસ ભરવા રૃબરૃ જવા બાબત કોઈ હાલાકી નહી રહે. તેમ વધુમાં ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહેે જણાવેલ છે.

(3:40 pm IST)