Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કોંગ્રેસ એકશનમાં : ગુરૂવારે સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠકથી નગારે ઘા

રાજકોટમાં તડામાર તૈયારી : શહેરભરમાં પાર્ટીના બેનર - ઝંડા લગાડાયા : પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઇ ઠાકોર, સુખરામ રાઠવા, રઘુરામ શર્મા, રામકૃષ્‍ણ ઓઝા, શકિતસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, અમિતભાઇ ચાવડા, અર્જુનભાઇ મોઢવાડિયા, પરેશભાઇ ધાનાણી સહિતના નેતાઓ - ધારાસભ્‍યો હાજર રહેશે

રાજકોટ તા. ૧૭ : ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે, ત્‍યારે કોંગ્રેસ દ્વારા ૪ ઝોનમાં તૈયારીઓના ધમધમાટરૂપે બેઠકોનો દોર ગુરૂવારે રાજકોટથી કરનાર છે. ગુરૂવારે તા. ૧૯ના રોજ બપોરે ૧ વાગ્‍યે યોજાનાર સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ જગદીશભાઇ ઠાકોર સહિતના નેતાઓ માર્ગદર્શન આપવા માટે આવનાર છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે યાદીમાં જણાવ્‍યું છે કે તા.૧૯ને ગુરૂવારના રોજ બપોરે ૧.૦૦ કલાકે હેમુગઢવી હોલ, ટાગોર રોડ, ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિધાસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, પ્રભારી રઘુરામ શર્મા,ᅠ સૌરાષ્ટ્ર ઝોન ઇન્‍ચાર્જ રામકૃષ્‍ણ ઓઝા, રાજય સભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્‍દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી, તુષારભાઈ ચૌધરી, પૂર્વ અધ્‍યક્ષ અમિતભાઈ ચાવડા, ભૂતપૂર્વ અધ્‍યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના નેતાઓ- ધારાસભ્‍યો અને શીર્ષ નેતૃત્‍વની ઉપસ્‍થિતીમાં હેમુગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોન વિસ્‍તૃત કારોબારી બેઠક યોજાનાર છે.
જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આમંત્રિત આગેવાનો પધારવાના હોય અને આગામી વિધાનસભાની ચુંટણીઓની તૈયારીના ભાગરૂપે બેઠક યોજાનાર હોય જેમાં રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી તથા રાજકોટના આગેવાનોની આગેવાનીમાં ઠેર-ઠેર બેનર, ઝંડા, ધજા, પતાકાથી શણગાર કરાઈ રહ્યો છે અને તડામાર તૈયારીઓ કરવાંમાં આવી રહી છે.
જયારે શહેર કોંગ્રેસના નેતાઓ-આગેવાનો અનેᅠ કાર્યકરો સમગ્ર શહેરમાં શણગાર કરી રહ્યા છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપુતે જણાવ્‍યું છે.

 

(2:55 pm IST)