Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

હોમ આઇસોલેટ થયેલા કોરોનાના દર્દીઓ માટે ડોકટર્સની ખેંચ વર્તાવા લાગી

- ઘણાં ડોકટર્સ અજાણ્યા દર્દીઓને સમય ન આપતા હોવાની ચર્ચા - ડોકટર્સની સલાહ વગર રેમડેસિવિર ઇન્જેકશન સહિતની દવાઓ કઇ રીતે આપવી? દર્દીઓ તથા તેના સગા-વ્હાલાઓ ભારે ટેન્શનમાં

રાજકોટ તા. ૧૭ :.. વૈશ્વીક મહામારી કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને સમગ્ર માનવજીવનને તદસનદસ્ત કરી નાખ્યું છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં સરળતાથી જગ્યા નથી મળતી. મોટાભાગે તમામ બેડ ફુલ છે અને તેમાં પણ ઓકિસજનવાળા બેડની ભારે તંગી વર્તાઇ રહી છે.

આવી પરિસ્થિતિ વચ્ચે હવે હોમઆઇસોલેટ થયેલા કોરોનાના દર્દીઓ માટે નિષ્ણાંત ડોકટર્સની ખેંચ વર્તાવા લાગી હોવાની વાત સામે આવી રહી છે. ઘણાં એમ. ડી. ડોકટર્સ તો અજાણ્યા દર્દીઓને ઘરે સારવાર આપવામાં પોતાને સમય ન હોવાનું કહી રહ્યાની પણ ચર્ચા છે. જો કે હાલની પરિસ્થિતીમાં દરેક ડોકટર્સ, મેડીકલ કે પેરા મેડીકલ સ્ટાફ પણ ઓવર વર્કલોડેડ છે જે પણ હકિકત છે.

સાથે - સાથે કોવિડ-૧૯ પોઝીટીવ આવનાર દર્દીઓ તથા તેના સગા-વ્હાલાઓની મૂંઝવણ અને ચિંતા એ છે કે જો કોઇ ડોકટર્સ ઘરે સારવાર આપવા માટે તૈયાર ન થાય કે સલાહ - સૂચન ન આપે તો રેમડેસિવિર ઇન્જેકશન સહિતની જરૂરી દવાઓનો ઉપયોગ કઇ રીતે કરવો? કે જેથી દર્દી વહેલો સાજો થઇ જાય.

રેમડેસિવિર સહિતની કોરોનાની દવાઓ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર (દા. ત. એમ. ડી. ડોકટર્સ) ના પ્રિસ્ક્રીપ્શન વગર લઇ શકાતી નથી. અને જો દર્દી કે તેના સગા-વ્હાલાઓ પોતાની રીતે પણ કોઇ કારણસર લેવાનો પ્રયત્ન કરે તો તેની આડઅસર પણ થઇ શકે છે.

આ બધું જ જોતા હાલમાં દરેક કોરોનાના દર્દીને યોગ્ય અને ત્વરીત મેડીકલ ટ્રીટમેન્ટ ઘરે કે હોસ્પિટલે મળી રહે તે ઇચ્છનીય છે. આ માટે સરકાર સહિત સમગ્ર રાજકોટ જીલ્લા તંત્ર દ્વારા પણ દિવસ-રાત સતત કામગીરી કરવામાં આવી રહી છે.

(2:58 pm IST)