Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મેરેથોન ગેટ.. સેટ.. ગો...

કાલે દોડશે રાજકોટઃ એશિયાની મોટી દોડનો ઇતિહાસ સર્જાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મેરેથોનને 'ફલેગ ઓફ' કરશેઃ ૬૪૧૬૦ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશનઃ સવારે ૪II વાગ્યે રેસકોર્ષ મેદાન પહોંચી જજોઃ મેયર, મ્યુ. કમિશ્નર, પોલીસ : કમિશ્નરની અપીલઃ બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પુજારા દોડશેઃ સાંસદ - ધારાસભ્ય સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ

આવતીકાલે યોજાનાર મેરેથોન દોડની તૈયારીઓ અંગે પત્રકાર પરિષદમાં વિગતો રજુ રહેલા મેયર ડો. જૈમન ઉપાધ્યાય, મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ડે. કમિશ્નર ચેતન નંદાણી વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : આવતીકાલે રાજકોટ એશિયાની સૌથી મોટી દોડમાં સ્થાન મેળવવાનો ઇતિહાસ સર્જવા જઇ રહ્યાનું મેયર ડો. જૈમન ઉપાધ્યાય, મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંઘ ગેહલોત અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આવતી કાલે તા.૧૮ના યોજાનાર રાજકોટ મેરેથોનને વધુ એક વખત યાદગાર અને કલ્પનાતીત સફળતા અપાવવા સૌને અપીલ સાથે આહવાન કર્યું છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેરેથોનને વહેલી સવારે ૫.૦૦ વાગ્યે ફલેગઓફ કરશે. મેરેથોન પ્રસ્થાન થતા જ આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ વધુ એક નવું સીમાચિહ્રન પ્રાપ્ત કરશે.  આ અવસરે મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર ચેતેશ્વર પુજારા ખાસ ઉપસ્થિત રહી દોડશે.

મેયર અને મ્યુનિ. કમિશનરે આજે અહી યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધન કરતા એમ કહ્યું હતું કે, કુલ ૬૪,૧૬૦ દોડવીરોનું રજીસ્ટ્રેશન થયું એ જ બતાવે છે કે, આ ઇવેન્ટમાં ભાગ લેવા સ્પર્ધકોમાં કેવો જોરદાર ઉત્સાહ છે તે દર્શાવે છે. મેરેથોનમાં કુલ ૧૪૦૪ દિવ્યાંગ ભાઈ-બહેનો પણ ભાગ લેશે. આ ઉપરાંત વિદેશના ૧૯ દોડવીરો જેમાં કેન્યાના ૩ બહેનો અને ૬ ભાઈઓ તથા ઈથિયોપિયાના ૫ બહેનો અને ૧૦ ભાઈઓનો સમાવેશ થાય છે. સાથોસાથ ભારતમાંથી ગુજરાત બહારના રાજયોના ૮૫ અને રાજકોટ સિવાયના અન્ય શહેરોના ૭૧૬ દોડવીરો ભાગ લેશે.

રાજકોટવાસીઓ ગત સાલની જેમ જ વહેલી સવારે ૪.૦૦ વાગ્યાથી જ રેસકોર્સ મેદાન અને મેરેથોનના વિવિધ કેટેગરીના પાંચ રૂટ પર ઉમટી પડશે. ૬૪,૧૬૦ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માર્ગો પર વહેલી સવારે અંધારાના સમયમાં પણ જાણ્યે કે નવો સૂર્ય ઉગશે.

મેરેથોનના દોડવીરોના રજીસ્ટ્રેશન વિશે માહિતી આપતા તેઓએ એમ જણાવ્યું હતું કે, ૪૨ કિ.મી.ની ફૂલ મેરેથોનમાં કુલ ૧૫૪ દોડવીરો, ૨૧ કિ.મી.ની હાફ મેરેથોનમાં ૨,૨૨૩ સ્પર્ધકો, ૧૦ કિ.મી. ની ડ્રીમ રનમાં ૪,૩૫૯ દોડવીરો, ૫ કિ.મી.ની રંગીલા રાજકોટ રનમાં ૫૬,૦૨૦ અને ૧ કિ.મી.ની દોડમાં ૧૪૦૪ દિવ્યાંગ ભાઈ બહેનો ભાગ લેશે. આ તમામ પાંચ કેટેગરીની દોડમાં કુલ ૨૩,૯૨૫ મહિલા સ્પર્ધકોનો સમાવેશ થાય છે.

રાજકોટ મેરેથોનના આયોજનને આખરી ઓપ અપાઈ રહયો છે....રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસના સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓ, સ્પોન્સરો, પાર્ટનરો, અન્ય સહયોગી સંસ્થાઓ, શાળાઓ-કોલેજો, વિવિધ મંડળોના હોદેદારો અને સભ્યો તેમજ અસંખ્ય સ્વયંસેવકો રાજકોટ મેરેથોનને અદભૂત સફળતા અપાવવા અથાક જહેમત ઉઠાવી રહયા છે. સ્વછતાની થીમ સાથે યોજાયેલ રાજકોટ મેરેથોન જાહેર સ્વછતા માટે જનજાગૃતિ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તેવી આશા મેયરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ વ્યકત કરી હતી.

મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાનાર ફલેગઓફ સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પ્રભારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો શ્રીમતી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા તથા રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ તથા ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના ચેરમેન કમલેશભાઈ પટેલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, રાષ્ટ્રીય મંત્રી અનુસૂચિત જાતી મોરચો ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, અને અતિથિવિશેષ તરીકે વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા અને દંડક રાજુભાઈ અઘેરા ઉપસ્થિત રહેશે.

આ મહાઆયોજનમાં તમામ ખાનગી સંસ્થાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, શાળાઓ – કોલેજો, રાજકોટવાસીઓ, તમામ એથ્લેટો, વિવિધ હોસ્પિટલો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્પોન્સર્સ, પાર્ટનર્સ, વિવિધ ક્ષેત્રો અને વ્યકિતગતરૂપે પણ મળી રહેલા સહયોગ બદલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ તમામ સદસ્ય મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરે છે. મેરેથોનમાં વિવિધ રૂટ પર તેમજ રેસકોર્સ મેદાનમાં જુદી જુદી  સંસ્થાઓ જેમ કે, આત્મીય ઇન્સ્ટિટયૂટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, ખોડલધામ, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, જીનીયસ અને ગાર્ડી ગ્રુપ, પી.ટી. ટીચર્સ, મારવાડી કોલેજ, વાત્સલ્ય ગ્રુપ અને બી.એ.પી.એસ., ઈ.આર.ઓ., ફાયર સ્ટાફ અને સિકયુરીટી સ્ટાફમાંથી કુલ મળીને ૫૯૫ સ્વયંસેવકો સેવા આપશે. મેરેથોનના પાંચેય રૂટ માટે સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે.  દરમ્યાન ગાર્ગી સ્કૂલ દ્વારા ૫ કિ.મી.ના રૂટ પર સૌનો ઉત્સાહ વધારવા કાર્ટૂન કેરેકટર મુકવામાં આવનાર છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે રેસકોર્સ મેદાનમાં ફન રન રૂટ ઉપર ૫૦ સફાઈ કામદારો અને ક્રિકેટ ગ્રાઉન્ડ અને રેસકોર્સમાં ૭૭ સફાઈ કામદારો અને માં કુલ ૪૨ કિ.મી. ના ફૂલ મેરેથોન રૂટ ઉપર તેમજ વિવિધ સ્થળે કુલ ૩૫૨ સફાઈ કામદારો ફરજ પર તૈનાત રહેશે. સાથોસાથ મેરેથોન માટે એકત્ર થનાર લોકો અને સ્પર્ધકોની સુવિધા માટે જુદી જુદી ૧૫ જગ્યાએ કુલ ૧૫ મોબાઈલ ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. જયારે વિવિધ રૂટ અને રેસકોર્સમાં કુલ ૯૦ જેટલા સ્થળોએ પીવાના પાણીના સ્ટેન્ડ બનાવાયા છે જયાં ૨૪૦ સ્વયંસેવક સેવા આપશે. દોડવીરોની સુવિધા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા રૂટ પર વિવિધ સ્થળોએ તેમની મેડિકલ ટીમો ઉપરાંત નાનામવા સર્કલ, નાણાવટી ચોક, પાટીદાર ચોક અને ફિનિશ પોઈન્ટ  (એથ્લેટિક ગ્રાઉન્ડ) પર એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રાખવામાં આવનાર છે. આઉપરાંત સ્કૂલ ઓફ ફિઝીયોથેરાપીની વિવિધ ટીમો પણ વિવિધ રૂટ પર દોડવીરોની સહાયતા માટે તૈનાત રહેશે.

વિશેષમાં મેરેથોનના વિવિધ રૂટ પર નિયત અંતરે મેડિકલ ટીમ, પીવાના પાણીની વ્યવસ્થા, ચિયરીંગ સ્ટેજ, સેનિટેશન, ડસ્ટબિન રાખવામાં આવશે તેમજ પોર્ટેબલ મોબાઈલ ટોઇલેટ ઉભા રાખવામાં આવશે. ૪૨ લિ.મી.ના રૂટ પર દર એક કિ.મી.એ પીવાના પાણીની વ્યવસ્થા અને ૨ ડસ્ટબિન(કુલ ૨૪ ડસ્ટબિન) રાખવામાં આવશે. જયારે ૨૧ કિ.મી.ના રૂટ ઉપર ૧૦ સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા અને ૨૦ ડસ્ટબિન, ૫ કિ.મી.ના રૂટ પર ૫ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા અને ૨૦ ડસ્ટબિન તથા રેસકોર્સ સંકૂલમાં ૬૦ ડસ્ટબિન એમ કુલ મળીને ૧૮૪ ડસ્ટબિન રાખવામાં આવશે.

દરમ્યાન મેરેથોનના સમગ્ર આયોજન અંગે ફેસબુક પર @Runrajkot અને ટ્વિટર પર #Runrajkot થી ટ્રેન્ડીંગ થશે. 

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજીત રાજકોટ મેરેથોન – ૨૦૧૮ અન્વયે જરૂરી ટ્રાફીક નિયમન જળવાય રહે તેમજ શહેરના નાગરીકો તથા સ્પર્ધકોને મેરેથોન દોડના સ્થળે તા. ૧૮/૦૨/૨૦૧૮ ના રોજ પહોચવા માટે હાલાકી ના પડે તે હેતુસર રેસકોર્ષ ગ્રાઉન્ડ થી નજીકના સ્થળે પાર્કીંગ વ્યવસ્થા તથા અલગ અલગ રેસ કેટેગરી પ્રમાણે નીચે મુજબની વિગતે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આથી તમામ નાગરીકો તથા સ્પર્ધકોને સવારે ૪.૩૦ સુધીમા તેઓશ્રી માટે નિર્ધારીત કરેલ સ્થાન પર પહોંચવા અનુરોધ કરવામાં આવે છે.

પાર્કિગ વ્યવસ્થા

શહેરના નાગરીકો તથા સ્પર્ધકો માટે નીચે મુજબના પાર્કીગ પ્લોટમાં પાર્કીગ વ્યવસ્થા કરવામા આવેલ છે.૧) રીલાયન્સ કમ્પાઉન્ડ (ઇન્કમ ટેક્ષ ગૃહ વાટીકા પાસે) (૨) રેલ્વે લાઇન પાસે બન્ને તરફ (૩) ગ્રામીણ કૃષી બેંક કમ્પાઉન્ડ (૪) જુની કેન્સર હોસ્પીટલ ગ્રાઉન્ડ (૫) મેમણ બોર્ડીંગ ગ્રાઉન્ડ (૬) ઇન્કમ ટેકસ પાર્કિંગ ગ્રાઉન્ડ (૭) સર્કિટ હાઉસ પાર્કિંગ (૮) બહુમાળી ભવન (૯) ચૌધરી હાઈસ્કૂલ  (૧૦) ડી.એચ. કોલેજ  (૧૧) મહિલા કોલેજ

તમામ સ્પર્ધકો અને લોકોને એવી અપીલકરવામાં આવે છે કે, મેરેથોનના અનુસંધાને જાહેર માર્ગો પર કયાંય ટ્રાફિકના પ્રશ્ન કે અવ્યવસ્થા ના સર્જાય તે માટે કરવામાં આવેલે વ્યવસ્થામાં સૌ સહકાર આપે. વાહન પાર્કિંગ માટે જે સ્થળો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે તેનો જ વાહન પાર્કિંગ માટે ઉપયોગ કરી આ આયોજનને અભૂતપૂર્વ સફળતા અપાવવામાં સૌ સહયોગી બને.

ઙ્ગઙ્ગઆ મહાઆયોજનને સફળ બનાવવા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાની, આયકર વિભાગના પ્રિન્સીપલ ચીફ કમિશનર વિનોદકુમાર પાંડે, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે રાજકોટવાસીઓ વહેલી સવારે મેરેથોનના સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ઉમટી પડવા અપીલ કરી છે.

જાણો... મેરેથોનની શરૂઆત ગ્રીક સૈનિકના સ્મરણાર્થે થયેલ

રાજકોટ : મેરેથોન એ લાંબા અંતરની લીડ સ્પર્ધા છે જેનું સત્તાવાર અંતર ૪ર.૧૯પ કિ.મી.નું હોય છે. આમાં સામાન્ય રીતે રોડ સ્પર્ધા તરીકે દોડવામાં આવે છે. મેરેથોનના યુધ્ધ મેદાનથી એથેન્સ સુધી સંદેશો લઇને આવનાર દંતકથા સમાન ગ્રીક સૈનિક ફિડિપ્પિડિસના સ્મરણાર્થે આ દોડની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે વિશ્વભરમાં પ૦૦ થી વધારે મેરેથોનનું આયોજન કરવામાં આવે છે.

મેરેથોનનાં રૂટ પર ૧૪ સ્થળોએ ઇમજન્સી મેડીકલ બુથ

રાજકોટઃ

. સ્ટર્લીંગ હોસ્પિટલના મેડીકલ સેવા મેરેથોન રૂટ ઉપર ૧૪ જગ્યાએ મેડીકલ ઇમરજન્સી બુથ જેમાં જરૂરિયાત જણાયે આઇવીફલ્યુડ તથા ડ્રેસીંગની સગવડતા, દરેક બુથમાં એક મેડીકલ ઓફિસર તથા બે પેરા મેડીકલ સ્ટાફ જરૂરી દવાઓ, ઇંન્જેકશન, તથા ડ્રેસીંગ સામગ્રી સાથે ઉપલબ્ધ.

. આર. કે. ફિઝીયોથેરાપી કોલેજ દ્વારા મેરેથોન રૂટ પર ૧૪ જગ્યાએ ફીઝીયોથેરાપી સેન્ટરમાં ફિઝીયોથેરાપીસ્ટ જરૂરી સ્પ્રે તથા આઇસ સ્પોન્જ સાથે હાજર.

. નાના મવા સર્કલ, પાટીદાર ચોક ન્યુ રીંગ રોડ, નાણાવટી ચોક તથા એપ્લેટિકસ ગ્રાઉન્ડમાં સ્ટર્લીંગ દ્વારા આઇસીયુ ઓન વ્હીલની વ્યવસ્થા, રૂટ પરની કોઇપણ ઇમરજન્સીને ર થી ૩ મીનીટમાં એટેન્ડ કરી શકશે.

. ફીનીશ પોઇન્ટ, એસ.આર.પી. કેમ્પ, ૧પ૦ ફુટ રીંગ રોડ તથા માધાપર ચોકડી ખાતે ૧૦૮ ની વ્યવસ્થા.

. ર૧ તથા ૪ર કી.મી.ના ફનીીશ પોઇન્ટ પર વ્હીલ ચેર/સ્ટ્રેચર સાથે રેપીડ રીસ્પોન્સ ટીમ તૈયાર.

. એથ્લેટિકસ ગ્રાઉન્ડ પર ૧૦૦ બેડ સાથે ૭પ ફિઝીયોથેરાપીસ્ટની ફિઝીયોથેરેપી તથા સ્પ્રે/બેન્ડેજ સેવા ઉપલબ્ધ.

. મલ્ટી એકટીવીટી સેન્ટર (નાના મવા) મેરેથોન પર મેડીકલ ઇમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત.

. મેરેથોન કંટ્રોલ રૂમ ફોન નં. ૦ર૮૧-ર૯૭૭૭૭૩, ૦ર૮૧-ર૯૭૭૭૭પ

. મેડીકલ ઇમરજન્સી ફોન નં. ૯૮ર૪૮ ૮૦૦૮૦, ૮પ૧૧૪ ૩૩૩૭૮

 રીફ્રેશમેન્ટ વ્યવસ્થા

. રૂટ ઉપર

. દરેક મેરેથોન રૂટ પર દર કી.મી. મીનરલ વોટરની વ્યવસ્થા કુલ પર (બાવન) જગ્યાએ.

.  દર બે કી.મી. એનર્જી ડ્રીંકસની વ્યવસ્થા કુલ ર૪ (ચોવીસ) જગ્યાએ.

. ર૧ તથા ૪ર કી.મી.ના રૂટ પર ૧૪ (ચૌદ) જગ્યાએ કેળા તથા સંતરા ફ્રુટની વ્યવસ્થા.

. ૪ર કી.મી.ના રૂટ પર ૭ જગ્યાએ ગેટોરેટ (શકિતવર્ધક પાણી)ની વ્યવસ્થા.

. ઉપરોકત રીફ્રેશમેન્ટ માટે કેપ, ગ્લોઝ, ડિસ્પોઝેબલ ડીસ સાથેનો ૧પ૦ થી વધારેનો સ્ટાફ.

 રીફ્રેશમેન્ટ કાઉન્ટ

. ફૂલ, હાફ, ૧૦ કી.મી., પ કી.મી. તથા ૧ કી.મી. મેરેથોનના ફીનીશ પોઇન્ટ પર રીફ્રેશમેન્ટ કાઉન્ટરની વ્યવસ્થા.

. દરેક મેરેથોનના ફીનીશ પોઇન્ટ પર ચા, પાણી, એનર્જી દ્રીકસની વ્યવસ્થા.

. પ કી.મી. ફીનીશ પોઇન્ટ પર પેકેટ સ્નેકસની વ્યવસ્થા.

. ફુલ, હાફ, મેરેથોનના ફીનીશ પોઇન્ટ પર ફ્રુટસ તથા ફલેવર મિલ્કની વ્યવસ્થા.

 

(3:33 pm IST)