Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નિવૃત અધ્યાપકોનું પેન્શન સુધારવા સરકારનો હુકમ

૧-૧-૨૦૦૬ પહેલા નિવૃત થયેલાને લાભઃ અધ્યાપક નેતા બારોટ-રાયચુરા-મહેતાની લડત સફળ

રાજકોટ તા.૧૭: અધ્યાપક પેન્શનર્સ સમાજની યાદીમાં જણાવ્યા મુજબ સીલેકશન ગ્રેડ (Selection Grade)માં ત્રણ વર્ષની સેવા આપી,૧-૧-૨૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોનું પેન્શન સુધારવા નામદાર હાઇકોર્ટે ૨૦-૬-૨૦૧૭ના રોજ હૂકમ કર્યો હતો. આ હૂકમની અમલવારી રોકવા રાજય સરકારે નામદાર સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. રાજય સરકારની અરજી નામ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી અને નામદાર હાઇકોર્ટના હુકમનો અમલ કરવા જણાવ્યું. તેમ છતાંય રાજય સરકાર હાઇકોર્ટના ચૂકાદાનો અમલ કરતી ન હતી.

આથી રાજય સરકાર સામે નામદાર હાઇકોર્ટમાં, કોર્ટના અનાદરની અરજી કરી. આથી રાજય સરકાર હરકતમાં આવી ગઇ અને આજે રાજય સરકારે નામદાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશની કોર્ટમાં હાઇકોર્ટના ૨૦-૬-૨૦૧૭ના હુકમનો અમલ કરવાની ખાત્રી આપી અને તે મુજબના પરિપત્રો ગુજરાતની તમામ કોલેજોને મોકલાવી દેવામાં આવ્યા છે આ રીતે રાજકોટના અધ્યાપકોની લડતનો સુખદ અંત આવ્યો છે. પેન્શન સુધારણાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આથી ૧-૧-૨૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોએ પોત પોતાની કોલેજનો સંપર્ક કરવા કન્વીનર્સ શ્રી પી.સી.બારોટ, શ્રી વી.યુ.રાયચુરા તથા શ્રી આર.એ.મહેતાએ જણાવ્યું છે.(૧.૧૫)

(4:24 pm IST)