Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બિસુનો ટકો કોણે કર્યો? મોત કઇ રીતે થયું? ચિઠ્ઠીમાં જેનું નામ છે એ ભગત કોણ? રહસ્ય ઉકેલવા મથામણ

પરમ દિવસે સાંજે ઘરેથી નીકળ્યા બાદ ગઇકાલે સવારે ભગીરથ સોસાયટીમાંથી લાશ મળી'તીઃ ગુંગળાવીને મારી નંખાયો કે પછી અન્ય કોઇ રીતે મોત થયું? ફોરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ બપોરે દોઢ સુધી રિ-પોસ્ટ મોર્ટમ શરૂ જ ન થયું : મુળ એમ. પી.ના યુવાનની લાશ મળી ત્યારે તેના કપડા પણ બદલેલા હતાં: સામા કાંઠે રહેતાં ભગત નામના શખ્સની તલાશ

રાજકોટ તા. ૧૬: માર્કેટ યાર્ડ પાછળ સાગર નગરમાં રહેતો અને લાદી કામ કરી ગુજરાન ચલાવતો બિસુ પ્રહલાદભાઇ કુશવાહા (ઉ.૧૯) નામનો યુવાન સોમવારે સાંજે સાડા આઠેક વાગ્યે નાના ભાઇ છોટુને  'હું હમણા લાદીનું માપ લઇને આવું છું' તેમ કહી નીકળ્યા ગયા બાદ મંગળવારે સવારે ભગીરથ સોસાયટીમાંથી તેની ટકો કરાયેલી અને કપડા બદલી નંખાયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી હતી. મૃતકને કોઇપણ જાતનું વ્યસન પણ નહોતું, છતાં તેના ખિસ્સામાંથી દારૂની બે કોથળી અને બીડી મળી આવ્યા હતાં. તેની પાસેથી હિન્દી-ગુજરાતીમાં લખેલી એક ચિઠ્ઠીમાં સામા કાંઠે રહેતાં ભગત નામના શખ્સ તથા પૈસાની બાબતનો ઉલ્લેખ છે. જો કે ગરબડીયુ લખાણ હોઇ કંઇ સ્પષ્ટ થતું નથી. બિસુનો ટકો કોણે કર્યો? તેનું મોત કઇ રીતે થયું? કોઇએ ગુંગળાવીને માર્યો કે અન્ય રીતે? બનાવ હત્યાનો જ છે કે કેમ? તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

ભગીરથ સોસાયટીમાં-૧૦ના ખુણેથી ગઇકાલે સવારે અજાણ્યા યુવાનની લાશ  મળી હતી. બપોરે પોસ્ટ મોર્ટમ રૂમે પહોંચેલા એમ.પી.ના છોટુ પ્રહલાદભાઇ કુશવાહાએ આ લાશ પોતાના મોટા ભાઇ બિસુની હોવાનું ઓળખી બતાવ્યું હતું. પિત્રાઇ ભાઇ તથા અન્ય હમવતનીઓ બિસુની હાલત જોઇ ચોંકી ગયા હતાં. કારણ કે તે સોમવારે સાંજે ઘરેથી નીકળ્યો ત્યારે માથે વાળ હતાં અને મુછ હતી. પરંતુ લાશના માથે વાળ નહોતા! વળી તેના કપડા પણ બદલાવાયેલા હતાં. બિસુને કોઇ વ્યસન ન હોવા છતાં દારૂની કોથળી અને બીડી મળ્યા હતાં. આ બધી બાબતો રહસ્ય ઉપજાવતી હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરવામાં આવી હતી. બિસુના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ મળી છે. જેમાં સામા કાંઠે સંત કબીર રોડ પર રહેતાં અને અગાઉ ચાની હોટલ ધરાવતાં ભગત, તેની પત્નિ અને પુત્રીના નામ હતાં. તેમજ પૈસા માટે મારકુટ થતી હોવાનો ઉલ્લેખ હતો. જો કે સ્પષ્ટ લખાણ નથી. બીજી તરફ આ લખાણના અક્ષરો પણ બિસુના નહિ હોવાનું તેના ભાઇએ કહ્યું હતું.

બિસુ સાથે શું થયું? તેને કોઇએ માર્યો તો શું કામ માર્યો? ટકો કયાં અને કોણે કર્યો? આ સહિતના સવાલોએ રહસ્ય સર્જયું છે. બપોરે ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. જો કે આજે બપોરે દોઢ વાગ્યા સુધી રિ-પોસ્ટ મોર્ટમ શરૂ જ થયું નહોતું. બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરી હેઠળ એએસઆઇ કયાબેન ચોટલીયા, હંસરાજભાઇ ઝાપડીયા સહિતનો સ્ટાફ તપાસ કરે છે.

(4:16 pm IST)