Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હમ તુમ્હે ચાહતે હૈ ઐસે.... જાદુ તેરી નઝર....

સૂરસંસાર દ્વારા '૪૦ અને '૮૦ના દાયકાના ગીતો રજૂ : ૨૩માં વર્ષનો પાંચમો અને ૧૩૭મો કાર્યક્રમ સંપન્ન : વિભાવરી યાદવ - સમ્શુદ્દીન વાઘેલા - ડોલર મહેતા - નિતાંત યાદવ ગીતોના શણગાર પેશ કર્યા

રાજકોટ : 'સૂરસંસાર' સંસ્થાનો સળંગ ૨૩મા વર્ષનો પાંચમો અને સળંગ યશસ્વી ૧૩૭મો કાર્યક્રમ રાજકોટના હેમુગઢવી નાટ્યગૃહ ખાતે યોજાઈ ગયો.

સંસ્થાની પ્રણાલિકા મુજબ સાદગીભર્યા મંચ ઉપરથી સાંગીતિક ભવ્યતા સાથે આ કાર્યક્રમ રજૂ થયો. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે '૪૦ના દાયકાના થોડા ગીતો સાથે '૮૦ના દાયકાના ગીતો એકી સાથે રજૂ કરાયા હતા. હિન્દી ફિલ્મોના સુવર્ણકાળ પછી સંગીતનું સ્તર ઉતરતુ રહ્યુ હતું. એ જ અરસામાં સંગીતકાર જતીન - લલીત, આર.ડી. બર્મન, આનંદ - મિલિન્દ જેવા સંગીતકારોએ કર્ણપ્રિય સંગીત આપીને સંગીતનું સ્તર ઉંચે લાવવામાં અગત્યનો ફાળો આપ્યો. પરિણામે '૮૦ના દસકામાં ઘણા સુંદર કમ્પોઝીશન્સ આપણને મળ્યા. મધુર સંગીતના એ એશના ગીતોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરાયો હતો.

પ્રેક્ષાગારમાં તથા મંચ ઉપર સંપૂર્ણ અંધકાર સાથે પરદો ખુલ્યો ત્યારે માત્ર હાર્મોનિયમ અને તબલાના સંગાથે (ફિલ્મ - તાનસેન, સ્વર-સાયગલ, સંગીત ખેમચંદ પ્રકાશ) નીતાંત યાદવના પહાડી અવાજમાં ''દિયા જલાઓ ઝગમગ ઝગમગ'' રજૂ થયુ. ધીમેધીમે મંદ પ્રકાશમાં મંચ દૃશ્યમાન થયુ. વડોદરાના સંગીત સાધક નીતાંત યાદવ સાથે સહગાયક, વિભારી યાદવ, ડોલર મહેતા, સમ્શુદ્દીન તથા નિર્મોહી પછીથી જોડાયા હતા.

સરળ ભાષામાં નીતાંત યાદવે જૂની ફિલ્મોના ગીતો અને ગાયકો - સંગીતકારો વિશે માહિતી આપી હતી.

સૂરસંસારના મંચ ઉપર પૂર્વે પણ આવી ગયેલા વિભાવરી યાદવે દિલ હૈ છોટા સા, છોટી સી આશા, પ્યાર હુઆ ચુપકે સે, જીયા જલે જાં જલે જેવા ગાયિકી માટે કઠીન કહી શકાય તેવા ગીતો સંપૂર્ણ સમજપૂર્વક અને ભાવપ્રધાન ગાયિકી સાથે રજૂ કર્યા.

આજના બીજા કલાકાર સમ્શુદ્દીન વાઘેલાનો કંઠ અદ્દલ પાર્શ્વગાયક કુમાર શાનુને મળતો આવે છે. તેમણે સોચેંગે તુમ્હે પ્યાર, તુમ મિલે દિલ ખીલે, સાંસો કી જરૂરત હૈ જૈસે જેવા કર્ણપ્રિય ગીતો રજૂ કરી શ્રોતાઓને પ્રભાવિત કર્યા.

જાણીતા ગાયક વર્ર્સેટાઈલ કલાકાર ડોલર મહેતા અલગ અલગ પાર્શ્વ ગાયકોના ગીતો રજૂ કરીને શ્રોતાઓને મનોરંજન પૂરૂ પાડ્યુ હતું. તેમણે જાદુ તેરી નઝર, હમ તુમ્હે ચાહતે હૈ ઐસે જેવા સોલો ગીતો આપ્યા.

અન્ય કેટલાક કર્ણપ્રિય ડ્યુએટ ગીતો જેવા કે તુઝે દેખા તો યે જાના સનમ, મેઘા રે મેઘા રે, દિલ હૈ કિ માનતા નહીં, કુછ કુછ હોતા હૈ, ડોલા રે ડોલા રે દિલ ડોલા, જીયે તો જીયે કૈસે બીન આપકે, હર કિસીકો નહિં મીલતા ગીતો રજૂ કર્યા. જયારે ડોલર મહેતા અને વિભાવરીના અવાજમાં મહેફીલની શાન સમા બે ગીતો તુ હી રે તુ હી રૈ તેરે બીના મેં તથા તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત રજૂ થયા ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.

સામાન્ય રીતે યુવાનીના ઉંબરે પગ મૂકતા યુવાનો પાસેથી આજના મોડર્ન ગીતોની અપેક્ષા રાખવામાં આવતી હોય છે પણ સૂરસંસારના મંચ ઉપર ઉપસ્થિત સૌથી નાની ઉંમરની નિર્મોહીએ ૧૯૪૨ની સાલની ફિલ્મ 'જવાબ'નું કાનન દેવીએ ગાયેલુ 'તૂફાનમેલ' ગીત રજૂ કર્યુ. ૧૯૪૨ના વર્ષમાં આ ગીત સૌથી વધુ લોકપ્રિય બન્યુ હતું. લીટલ વન્ડર સમી આ નાનકડી સુરીલી ગાયિકા નિર્મોહી એ ફિલ્મ ''ભકત સૂરદાસ'' ('૪૨)નું ખુર્શીદનું ગાયેલુ ગીત પંછી બાવરા રજૂ કર્યુ. આજની યુવા પેઢીની પસંદનું મધુર ગીત ઈતની સી આશા પણ નિર્મોહીએ રજૂ કર્યુ હતું.

જૂની પેઢીના વિસરાયેલા ગાયકોને પણ નીતાંત યાદવે તેમના ગીતોની ઝલક આપીને માનભેર યાદ કર્યા હતા. નીતાંતે ''નર્તકી'' ('૩૯)નું પંકજ મલિકનું ''યે કૌન આજ આયા સવેરે સવેરે'' જેવુ સોમ્ય છતાં શ્રુંગારભર્યુ ગીત રજૂ કર્યુ.

સૂરસંસારનો આ કાર્યક્રમ અનેક સંદર્ભે યાદગાર બની રહેશે. ખાસ રાજકોટના યુવા અને શા. સંગીતની તાલીમ લઈ રહેલા ગાયક કલાકારોએ પોતાનો મધુર અને સમજપૂર્વક સૂર પુરાવ્યો હતો. કેટલાક કઠીન ગીતોમાં તો જાણે ઓરીજીનલ સાઉન્ડ ટ્રેક સાંભળતા હોઈએ તેવી અસર ઉભી થઈ હતી. આ સર્વે કલાકારોને કોરસ ગીતની તાલીમ પ્રેકટીસ રાજેશ વ્યાસે આપી હતી. સર્વે મહેમાન વાદક - ગાયક કલાકારો આ કોરસવૃંદથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સામાન્ય રીતે જે ગીતો કોરસરૂપે પસંદ કરતા ગાયકો અચકાતા હોય છે તેવા ગીતોમાં પણ કોરસવૃંદના કલાકારો, દર્શિત કાનાબાર ધવલ ઘેલાણી, નિષાદ વસાવડા, જે. પી. પાનસુરીયા, ખ્યાતિ પંડ્યા, નેહમંગે, ડો. રીન્કુ છેલાણી અને છાત્રીબેન દવે અને નિર્મોહી યાદવએ તુઝે દેખા તો યે જાના સનમ - એક દો તીન ચાર પાંચ ખ્- પ્યાર હુઆ ચુપકે સે - કુછ કુછ હોતા હૈ - ડોલા રે ડોલા રે - જીયા જલે જાં જલે અને તુ હી રે જેવા ગીતોમાં બેનમૂન અદાયગી કરી હતી.

વડોદરાના જીજ્ઞેશ પટેલ (ટીમ લીડર અને કિબોર્ડવાદક) તથા તેમના સાથીદારોએ ખૂબ જ સમજપૂર્વક સાઝ સંગાથ કર્યો હતો. વડોદરાના કેયુર કહોરે (ઓમ સાઉન્ડ) સુંદર વ્યવસ્થા સંભાળી હતી.

કાર્યક્રમના મધ્યે સંસ્થાના મોભી ભગવતીભાઈ મોદીએ આગામી કાર્યક્રમની વિગતો આપી હતી. નવા સભ્ય માટેનું વેઈટીંગ લીસ્ટ તૈયાર થઈ રહ્યુ છે તો ઈચ્છીત સંગીત રસીકો ફોન દ્વારા નામ લખાવી શકે છે. તેની માહિતી આપી હતી. સંસ્થા - સંપર્ક : ભગવતીભાઈ મોદી, ફોન-૨૫૭૭૫૬૩.

કાર્યક્રમના સફળ મંચન માટે સંસ્થાના મનીષભાઈ શાહ, નુતનભાઈ ભટ્ટ, પિયુષભાઈ મહેતા તથા મુકેશભાઈ છાયાએ આયોજન કર્યુ હતું.

(4:05 pm IST)