Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગુજરાતમાં કાયદાનો અભ્યાસક્રમ સમાન કરી ૪૦ ગુણનું પાસીંગ-આંતરીક મૂલ્યાંકન રદ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે કાયદા તજજ્ઞોની બેઠક મળી ઠરાવો પસાર કર્યા

રાજકોટ તા. ૧૭: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખા દ્વારા ''યુનીફોર્મ સેલેબસ એન્ડ પેટર્ન ઓફ એકઝામીશન'' વિષય પર રાજય સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેનો મુળભુત હેતુ સમગ્ર ગુજરાત રાજયમાં આવેલી કાયદાની કોલેજોમાં ચાલતાં ત્રિવર્ષિય અભ્યાસક્રમમાં છ સેમેસ્ટરમાં ભણાવાતાં વિષયોમાં દરેક સેમેસ્ટર દીઠ એક સમાન અને એક સરખી સંખ્યામાં વિષયો તેમજ એક સમાન પરીક્ષા પધ્ધતિ અપનાવવી. જેથી સમગ્ર ગુજરાતની કાયદાની કોલેજોમાં સમાન અને ગુણવત્તાયુકત ધોરણે પ્રસ્થાપિત થાય. તેમજ વિદ્યાર્થીઓને ગુજરાતનાં એક સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતરિત થવાનું થાય તો તેને જે તે સ્થળે આવેલી કોલેજમાં સરળતાથી પ્રવેશ મળી શકે અને તેનો કાયદાનો અભ્યાસ બગડે નહિં. વધારામાં કાયદાની કોલેજોમાં અભ્યાસક્રમ તેમજ પરીક્ષા સંદર્ભિત વ્યાવહારિક મુશ્કેલીઓનું આદાન-પ્રદાન તેમજ તેનાં ઉપાયો બાબતે ચિંતન તેમજ મંથન કરવાનો પણ હતો.

સેમિનારમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી, સુરત સાથે જોડાણ ધરાવતી વલસાડ, નવસારી, સુરત તેમજ ભરૂચની લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી ડો. મિનષાબેન, ડો. સંજયભાઇ મણિયાર, ડો. શહેનાઝ સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ, સાથે જોડાણ ધરાવતી આણંદ અને નડિયાદ લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી ડો. એ. બી. પંડયા, ડો. અપૂર્વ પાઠક, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સાથે જોડાણ ધરાવતી લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી ડો. એલ. એસ. પાઠક, ડો. બીનલબેન પાઠક, ડો. પ્રજાપતિ, ડો. કૃપાબેન પંડયા, ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સાથે જોડાણ ધરાવતી પાટણ, હિમ્મતનગર, સિધ્ધપુર, મહેસાણા, લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી જે. યુ. નાણાવટી, સી. યુ. શાહ, યુનિવર્સિટી સુરેન્દ્રનગરના ડો. જયદીર પંડયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સાથે જોડાણ ધરાવતી સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, ગોંડલ, રાજકોટ લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી, ભરતભાઇ પંડયા, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર સાથે જોડાણ ધરાવતી લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી જીતુભાઇ પંડયા, એસ.એમ. જોષી, શ્રી એમ. પી. ભટ્ટ, કચ્છ યુનિવર્સિટી, ભુજ સાથે જોડાણ ધરાવતી લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી સમીર રૂન્ઝા, ડો. કમલેશભાઇ પંડયા, ડો. સુર્યકાંત સોલંકી ઉપસ્થિત રહેલ હતાં. એમ. એસ. યુનિવર્સિટી વડોદરાથી ભાષા વિજય ઉપસ્થિત રહેલ હતાં.

ભૂતપૂર્વ કુલપતિશ્રી પ્રો. (ડો.) કમલેશભાઇ જોશીપુરાએ જણાવ્યું હતું કે એકસમાન સીલેબસ એ પ્રવર્તમાન સમયની માંગ છે. આ પ્રકારની પહેલ એ કાયદા વિદ્યાશાખા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આનંદ અને ગૌરવની બાબત છે. જયારે વિદ્યાર્થીઓ માટે તે અનિવાર્ય કહી શકાય તેવી આવશ્યક બાબત છે. સેમિનારમાં ઉપસ્થિત ઉપર્યુકત તમામ સહભાગીઓએ સતત મનન અને ચિંતનનાં આદાન પ્રદાન દ્વારા સર્વાનુમતે એક સમાન અભ્યાસક્રમની રચનાં કરેલ અને સેમિનારના અંતે સર્વાનુંમતે પસાર થયેલ ઠરાવો જેમાં આ સેમિનારમાં ઉપસ્થિત ઉપર્યુકત તમામ સહભાગીઓનાં સઘન અને સંયુકત પ્રયાસો દ્વારા આ સાથેનાં પરિશિષ્ઠ મુજબ સર્વાનુમતે એક સમાન અભ્યાસક્રમની રચનાં સંભવ બનેલ છે. જેને ગુજરાતની તમામ યુનિવર્સિટીએ સ્વીકારી અમલમાં મુકવા ભલામણ કરવામાં આવે છે. દરેક સેમેસ્ટરનાં અંતે એક પરીક્ષા, જેમાં દરેક પેપર દીઠ ૧૦૦ માર્કસ રહેશે. આંતરિક મુલ્યાંકન પધ્ધતિ રદ કરવાની ભલામણ કરવામાં આવે છે. પાસીંગ સ્ટાન્ડર્ડ વિષય દિઠ ચાલીસ માર્ક રાખવા તથા સેમેસ્ટર એન્ડની પરીક્ષા માટે એગ્રીગેટ પચાસ ટકા રદ કરવાની, અને ફર્સ્ટ કલાસ માટે સાઇઠ ટકાની ભલામણ કરવામાં આવે છે. ઉપર્યુકત તમામ ઠરાવોને લાગુ પાડવા માટે સમગ્ર ગુજરાત રાજયમાં આવેલી તમામ યુનિવર્સિટીનાં આદરણીય કુલપતિશ્રીઓને પોતાનાં અધિકાર મંડળો દ્વારા આગળની કાર્યવાહી અર્થે રવાના કરવા ઠરાવવામાં આવે છે તેમ ડીન ડો. બી. જી. મણિયારની એક યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)