Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રેસકોર્ષ રીંગ રોડ પર સામુ કેમ જોવો છો? કહી ત્રણ મિત્રોને લાફા મારી ખૂનની ધમકી

વોકીંગ કરીને પોતાના બાઇક પાસે બેઠેલા પારસ લાખાણી, ભાવીન જોષી અને દર્શન ધરજીયાને લાફાવાર્ળી : હું વકિલ છું, આ લ્યો મારું કાર્ડ...જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજો કહી મારકુટ કરનારે 'એમ. કે. જાડેજા' નામનું વિઝીટીંગ કાર્ડ પણ આપ્યું!: પ્ર.નગર પોલીસે શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૧૭: લુખ્ખાગીરીનો વધુ એક બનાવ બન્યો છે. રેસકોર્ષ રીંગ રોડ પર બેઠેલા લોહાણા યુવાન અને તેના બે મિત્રોને પોતાને વકિલ તરીકે ઓળખાવનારા શખ્સે 'સામુ કેમ જોવો છો, હાલો નિકળો ફટાફટ?' તેમ કહી લાફા મારતાં એક યુવાન પડી જતાં માથામાં પાળી વાગી જતાં સારવાર માટે દાખલ કરવો પડ્યો છે. મારકુટ કર્યા બાદ આ શખ્સે પોતાનું વિઝીટીંગ કાર્ડ આપ્યું હતું. તેના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગે ગાંધીગ્રામ અક્ષરનગર-૫માં એંસી ફુટ રોડ પર આશાપુરા મંદિર પાસે રહેતાં અને વી. કે. ડિઝાઇનમાં નોકરી કરતાં પારસ અશોકભાઇ લાખાણી (ઉ.૨૫) નામના લોહાણા યુવાનની ફરિયાદ પરથી પોલીસે એમ. કે. જાડેજા નામનું વિઝીટીંગ આપી જનાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પારસે જણાવ્યું હતું કે હું અને મારા મિત્રો બજરંગવાડીનો ભાવીન જગદીશભાઇ જોષી (ઉ.૨૫) તથા દર્શન ધરજીયા સાંજે રેસકોર્ષ રીંગ રોડ પર ગયા હતાં. બીગ બાઇટ સામે અમારા પાઇક પાર્ક કરી વોકીંગ કરી રેસકોર્ષનું એક રાઉન્ડ લગાવ્યું હતું. બાદમાં અમારા વાહન પાસે આવીને બેઠા હતાં. એ વખતે બાજુમાં એક વ્યકિત ઉભા હોઇ તેણે અમારી પાસે આવીને 'કેમ સામુ જોવો છો, હાલો નીકળી ફટાફટ?' તેમ કહી જેમે તેમ બોલવા લાગતાં અને અપશબ્દો કહેતાં તેને આમ કહેવાની ના પાડતાં તેણે મને જોરથી એક ઝાપટ મારી દીધી હતી. તેમજ દર્શન વચ્ચે આવતાં તેને પણ ફડાકો મારી દીધો હતો. બાદમાં તેણે હું વકિલ છું, આ મારુ કાર્ડ છે જેમાં મોબાઇલ નંબર પણ છે, જાવ ફરિયાદ કરવી હોય તો કરી આવો તેમ કહી ભાવીન જોષી પાળી પાસે ઉભો હોઇ તેને પણ ઝાપટ મારી દીધી હતી. તે પડી જતાં માથામાં પાળી લાગી હતી અને લોહી નીકળવા માંડ્યા હતાં.

અમે ત્યાંથી રવાના થતાં હતાં ત્યારે એ શખ્સે મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ભાવીનને લોહી નીકળ્યા હોઇ ૧૦૮ બોલાવી તેને સારવાર માટે લઇ ગયા હતાં. સિવિલમાં સારવાર અપાવી સ્ટર્લિંગમાં લઇ ગયા હતાં.

પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર. એન. હાથલીયા, એએસઆઇ ટી.આર. પટેીલ અને બાબુલાલે ગુનો નોંધી મોબાઇલ નંબર અને વિઝીટીંગ કાર્ડને આધારે તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)