Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

'પદ્માવત' ફિલ્મ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ મુકોઃ રાજપુત સમાજ મેદાનમાં ઉતરશે

આગામી રણનીતિ ઘડવા ગુજરાતના રાજપૂત સમાજના સંગઠનોના આગેવાનોની કાલે મીટીંગ : જયાં સુધી આ ફિલ્મ ઉપર પ્રતિબંધ નહિ મુકાય ત્યાં સુધી ગુજરાતના રાજપૂતો શાંત નહીં બેસેઃ રાજભા ઝાલા

રાજકોટ,તા.૧૬: રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજભા ઝાલાના જણાવ્યા મુજબ સમગ્ર રાજપૂત સમાજના સ્વાભિમાન સાથે જોડાયેલ મુદો એટલે કે સતી માતા પદ્માવતી પરના ફિલ્મને સમગ્ર રાષ્ટ્રમાં પ્રતિબંધ મુકાવો જોઈએ તેવી પ્રબળ લાગણી રાજપૂત સમાજમાં પ્રર્વતે છે તો તે લાગણીને લોકશાહી ઢબે વાચા આપીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વ્યાપક રીતે રજૂઆત કરવા માટે ગુજરાતના રાજપૂત સમાજના દરેક સંગઠનોની માંગણી અને લાગણી વડાપ્રધાનશ્રીને રજુ કરવા માટેની રણનીતિ ઘડવા માટે આવતીકાલે તા.૧૭ને બુધવારે બપોરેના ૨ થી ૫ સુધી રાજકોટની શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના આગેવાનો મળીને 'પદ્માવત' ફિલ્મ ઉપર સમગ્ર રાષ્ટ્રમાં પ્રતિબંધ મુકવા માટેના આગામી કાર્યક્રમો ઘડી કાઢશે અને જયાં સુધી પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ નહિ લાગે ત્યાં સુધી ગુજરાતના રાજપૂતો શાંત બેસશે નહિ.

રાજભા ઝાલા (મો.૯૮૨૫૪ ૦૬૬૮૬) ના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષ કરતા વધારે સમયથી સતી માતા પદ્માવતી પર જેે ફિલ્મ બની રહી છે. તેમાં ઈતિહાસને વિપરીત રીતે આલેખવાનો હીનપ્રયાસ થઈ રહ્યો છે તો માત્ર સમગ્ર રાજપૂત સમાજના સ્વાભિમાન માટે નહિ પરંતુ સમગ્ર નારી શકિતના સ્વાભિમાનને હણનાર હોઈ તેના માટે સમગ્ર દેશમાં ફિલ્મના પ્રોડ્યુસર વિરુદ્ધ જબરજસ્ત આક્રોશ છેલ્લા એક વર્ષથી પ્રવૃતિ રહ્યો છે તે આક્રોશ હવે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસુન જોષી વિરુદ્ધ પણ પ્રવર્તે છે તે માટેના કારણો આપતા રાજભા ઝાલાએ જણાવ્યું છે કે કોઈપણ ફિલ્મને મંજુરી આપવા માટે સેન્સર બોર્ડને પાવર છે અને સેન્સરબોર્ડને રજુઆતોના આધારે એવું લાગે કે ફિલ્મને પ્રસિધ્ધ કરવા યોગ્ય નથી તો ફિલ્મને પ્રસિધ્ધ થતી અટકાવી શકાય છે.

પરંતુ કમનસીબે ફિલ્મ 'પદ્માવતી'ના વ્યાપક વિરોધ બાદ સેન્સરબોર્ડે જે નિર્ણય કર્યો છે તેના ઘટનાક્રમ જોઈએ તો ઈતિહાસને વિકૃત રીતે રજુ કરવામાં કયાંક સેન્સરબોર્ડના ચેરમેન પ્રસુન જોષીની પણ મિલીભગત હોય તેવું જણાઈ રહ્યું છે તેના માટેના તર્કબદ્ધ કારણો આપતા રાજભાએ જણાવ્યું છે કે ફિલ્મને સેન્સરબોર્ડમાં મંજૂર કરતા પહેલા ઈતિહાસવિદોની કમિટી જોવે અને ત્યારબાદ તો કમિટીના સભ્યો જે સુજાવ આપે તેને માન્ય રાખવો તેવું પ્રસુન જોષીએ કહ્યા બાદ તે ફિલ્મને માતા પદ્માવતીના વંશજ અરવિંદસિંહજી ઓફ મેવાડ તેમજ ઈગ્નુના ઈતિહાસના પ્રોફેસર કપિલ કુમાર, જયપુર યુનીવર્સીટીના ઈતિહાસના પ્રોફેસર ડો.ચંદ્રમણીએ ફિલ્મને જોયા બાદ સ્પષ્ટ વિરોધ કરેલ અને તેવો અભિપ્રાય આપેલ કે આ ફિલ્મને રીલીઝ કરવા જેવી નથી છતાં પણ તેમની વાતને ઉલેખીને પ્રસુન જોષીએ પદ્માવતીને બદલે 'પદ્માવત' નામ રાખીને ફિલ્મને સેન્સરબોર્ડે મંજુર કરી છે. તે વાત પરથી ફલિત થાય છે કે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાળી સાથે મિલીભગતથી દેશના ઈતિહાસને ધૂમિલ કરીને સમગ્ર દેશનું અપમાન કરવા સમાન ઘટનાને દેશના વડાપ્રધાન ગંભીરતાથી લઈને ફિલ્મ 'પદ્માવત' ઉપર સમગ્ર રાષ્ટ્રમાં પ્રતિબંધ મુકવા માટે હજુ કોની રાહ જોઈ રહ્યા છે તેવો વેધક સવાલ રાજભા ઝાલાએ કર્યો છે.

(4:09 pm IST)