Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

૧ ફેબ્રુઆરીથી આંતરરાજય વેપારમાં 'ઈ બીલ' : કરચોર પર સરકારની ધોંસ

ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જીએસટીના કડક અમલ માટે તૈયારી : ૫૦થી વધુ ચેકીંગ સ્કવોડ ઉતરી પડશે : નવા સોફટવેર મુજબ ખરીદ - વેચાણની તમામ નોંધ આપોઆપ સરકારી ચોપડે થશે

રાજકોટ, તા. ૧૬ :. ભારત સરકારે ગઈ તા. ૧ જુલાઈથી દેશભરમાં ગુડઝ એન્ડ સર્વિસીસ ટેક્ષ (જીએસટી) લાગુ કરતા તેને અનુરૂપ માળખુ ગોઠવી હવે ચૂસ્ત અમલ માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. તા. ૧ ફેબ્રુઆરીથી દેશભરમાં આંતરરાજ્ય વેપાર માટે ઈ-બિલ પદ્ધતિ અમલમાં આવશે. ગુજરાતનું કરવેરા તંત્ર તેના અમલીકરણ માટે સજજ બન્યુ છે. પ્રથમ તબક્કે આંતરરાજ્ય વેપારમાં અને ત્યાર બાદ સંભવત ફેબ્રુઆરી ઉતરાર્ધથી રાજ્યમાં ચાલતા આંતરીક વેપારમાં પણ ઈ-બિલ પ્રથા અમલમા આવી જશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કરતંત્રએ એવો સોફટવેર તૈયાર કર્યો છે કે જેનાથી સંપૂર્ણ વેપારની માહિતી સરકારના ધ્યાન પર રહેશે. ગુજરાતમાં આવતા અથવા ગુજરાત બહાર જતા માલસામાન માટે ખરીદનાર અને વેચનારે નિયત સોફટવેર પદ્ધતિ મુજબ જ બિલ જનરેટ કરવાનું રહેશે. કોઈપણ વસ્તુ વેંચાણ થઈને ગુજરાત બહાર જાય અથવા બહારના રાજ્યમાંથી ગુજરાતમાં આવે ત્યારે ઈ-બિલ પ્રથા ફરજીયાત બનશે. કોઈપણ સ્થળે પરિવહન પામી રહેલ ચીજવસ્તુઓનું વાહન અટકાવી અથવા તો કોઈપણ સ્થળે ઉતારવામાં આવેલ ચીજવસ્તુઓની તપાસ માટે કરતંત્ર દ્વારા ૫૦થી વધુ તપાસ ટુકડીઓ બનાવવામાં આવશે. દરેક ટુકડીની સાથે પોેલીસ બંદોબસ્ત રહેશે. સરકારે નક્કી કરેલી વ્યવસ્થા મુજબ ઈ-બિલ નહી બનાવેલ હોય તો સ્થળ પર જ દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કરચોરી સામે ધોંસ બોલાવવાનો સરકારનો મિજાજ છે.

(4:54 pm IST)