Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

શાસ્ત્ર-ધર્મ-જયોતિષને ખોટા સાબિત કરી બતાવો

હિન્દુ પરંપરામાં તમામને પોતાની રીતે ધર્મને ભજવવાનો અધિકાર છે, તમે તેને અંધશ્રદ્ધા કંઈ રીતે કહી શકો? : વિજ્ઞાન જાથા તેના કાર્યક્રમોમાં કર્મકાંડ, શાસ્ત્રો, પરંપરાગત ધર્મની વિરૂદ્ધ બોલે છે, તે સહનીય નથી : જયંત પંડ્યાને પોલીસ રક્ષણ શું કામ આપવામાં આવે છે? : વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી વિજયભાઈ સુધી અમારી લાગણી પહોંચાડો

રાજકોટ, તા. ૧૬ : કર્મકાંડી, જયોતિષી, ભૂદેવો દ્વારા જામનગરમાં હિતેષભાઈ ઉપર વિજ્ઞાન જાથા દ્વારા જે રીતે મારકૂટ કરીને પરાણે તેમની પાસે, દબાણ કરીને તેમને સંડોવવાની કોશિષ પીટી, વળી શાસ્ત્ર તથા ધર્મકર્મ ઉપર જે ખોટી રીતે પ્રહાર કરવામાં આવ્યા. કર્મકાંડ, શાસ્ત્રને ખોટા છે તેવુ કહેવામાં આવ્યુ. હિતેષભાઈનું માનભંગ કરીને તેમને સરઘસરૂપે ફેરવવામાં આવ્યા. આવો કાળો કેર વર્તાવવામાં આવ્યો. તેનું રાજકોટ સમસ્ત કર્મકાંડ જયોતિષવેદ, વિજ્ઞાન પરીષદ તથા હરીબ્રહ્મ સેવા મંડળ, શ્રી શારદામ્બા સંસ્કૃત પાઠશાળા, શ્રી સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળા સખત શબ્દોમાં વખોડી કાઢે છે. જાથાવાળા જયંત પંડ્યા એ જે આ બાબતની કલીપ ફરતી કરી છે તેમાં એડીટીંગ કરેલુ લીસ્ટ દેખાય છે. પોલીસની હાજરીમાં હિતેષભાઈ તથા તેમના પરીવારને માર મારવામાં આવ્યો છે. આ ઘટના બહુ દુઃખદાયી છે.

વિજ્ઞાન જાથાના ચમત્કારથી ચેતો કાર્યક્રમમાં જે રીતે તે કર્મકાંડ શાસ્ત્રો, પરંપરાગત ધર્મની વિરૂદ્ધ બોલે છે તે સહનીય નથી. હિન્દુધર્મનું મુળ તેના ધર્મશાસ્ત્રો છે. વેદ, ઉપનિષદ, પુરાણમાં જે રીતી - નીતિનું વર્ણન છે તે પ્રમાણે જ હિન્દુ સંસ્કૃતિના ધરોહર સમા બ્રાહ્મણો તેને જીવિત રાખવાનુ કાર્ય તટસ્થ રીતે કરી રહ્યા છે. આટલા વિદેશી - વિધર્મના આક્રમણો છતાં સનાતન ધર્મ ટકયો હોય, વેદ, પુરાણ, ઉપનિષદ રહ્યા હોય તો તેનો શ્રેય બ્રાહ્મણોને જ છે. એ સર્વવિદિત છે.

યજ્ઞ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. હિન્દુ ધર્મમાં જેટલુ મહત્વ યજ્ઞને દેવામાં આવ્યુ છે તેટલુ બીજી કોઈ વાતને દેવામાં આવ્યુ નથી. આપણા કોઈ પણ સંસ્કાર કે શુભ - અશુભ કર્મ યજ્ઞ વગર સંપન્ન થતા નથી. વૈદિક - ધર્મમાંથી જો યજ્ઞને કાઢી નાખવામાં આવે તો ધર્મ નિષ્પ્રાણ થઈ જાય. યજ્ઞથી જ આ સૃષ્ટિની ઉત્પતિ થઈ છે તેવુ વેદમાં નિરૂપણ છે. ભગવાન પોતે યજ્ઞ સ્વરૂપ છે. જે આ મુજબ છે. યજ્ઞથી અશુદ્ધ તત્વોનો નાશ થાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આંતરીક શત્રુઓનું ગમન થાય છે. યજ્ઞ નિશ્ચય કલ્યાણકારી છે. યજ્ઞથી આત્મબલ વધે છે. સદ્દવૃદ્ધિ તથા સદ્દવિદ્યા વધે છે. વેદમંત્રોના અનુષ્ઠાનથી અનેકાનેક સિદ્ધ પ્રયોગો દ્વારા જનહિત - સર્વકલ્યાણ સાધી શકાય છે. આ બધુ જ શાસ્ત્રો, વેદ, પુરાણોમાં લખેલુ છે. અનેક વર્ષોથી આ ચાલ્યુ જ આવે છે. જયંત પંડ્યા, વિજ્ઞાન જાથા વાળા આ બાબતને અંધશ્રદ્ધા કહે છે. તેઓને જ ખબર નથી કે શ્રદ્ધા શું છે? શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રદ્ધાના ત્રણ પુરાણો દર્શાવવામાં આવ્યા છે. સાત્વિકી, રાજસી તથા તામસી તે - તે પ્રકારે લોકો પોતાની શ્રદ્ધા ધરાવતા હોય છે. વિજ્ઞાન જાથા વાળા લોકો જે માનતા હોય તે તેની સાથે અમારે કોઈ નિસ્બત નથી પણ જેની શ્રદ્ધા જેમાં હોય તેને તે રીતે વર્તવાનો સ્વતંત્ર અધિકાર છે. તે બાબતમાં જાથા કોઈને કાંઈ કરી શકે નહિં. શસ્ત્રો, તેની અંદર આવતી વિધિઓએ સનાતન છે. જાથાના કહેવાથી એ ખોટી થઈ જતી નથી. આપણા શાસ્ત્રોમાં વિધિ - વિધાન ઉપર બહુ મોટુ રીસર્ચ અનેક જગ્યાએ ચાલે છે. અમે જયંતભાઈને પડકાર કરીએ છીએ. તમે શાસ્ત્રોને ધર્મનો વિધિ - વિધાનને જયોતિશને ખોટા સાબિત કરી બતાવો. અમારા શાસ્ત્રો જ સત્યતાનું પ્રમાણ છે. બીજા કોઈ પ્રમાણની અમારે જરૂર નથી. અમારા મંત્રો, અમારા શાસ્ત્રો અમારો શ્વાસ છે, પ્રાણ છે, માટે તેના ઉપર ખોટા પ્રહાર અમે સહન કરશું નહીં.

તમે કહો છો કે લગ્નવિધિ ખોટી છે. માણેક સ્તંભ, મીંઢોળ ખોટો છે તેવા તમે બેનરો લઈને ફરો છો પણ વિવાહ એ ષોડશ સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. વૈદિક પરંપરા અનુસાર જે રીતે શાસ્ત્રોમાં લખ્યુ છે તે રીતે બ્રાહ્મણો એ વિધાન કરાવે છે અને તમને તકલીફ કયા છે ?

વળી સનાતન હિન્દુ પરંપરામાં તમામને પોતાની રીતે ધર્મને ભજવાનો અધિકાર છે, દરેક જાતિને પોતાના આગવા રીત - રીવાજો છે તે જે - તે જાતિના અલંકારૂપ છે. તમે તેને અંધશ્રદ્ધા કંઈ રીતે કહી શકો છો? દરેક જાતિની પોતપોતાની આગવી શૈલી છે. તે અંધશ્રદ્ધા નથી. માટે તમને જ ખબર નથી કે અંધશ્રદ્ધા શું છે?  કે એવી કોઈ વસ્તુ છે કે નહિં આ બાબતમાં બહુ કાંઈ નથી કહેવુ પણ અમે બધા જ કર્મકાંડી બ્રાહ્મણ સમાજ અમારા વૈદિક મૂલ્યોને નષ્ટ કરવા બેઠેલા વિકૃત માનસ ધરાવતા આ જાથાવાળાનો વિરોધ કરીએ છીએ. તમામ જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે. અમારી લાગણીને મુખ્યમંત્રીશ્રી તથા પ્રધાનમંત્રીશ્રી સુધી પહોંચે તેવી અપેક્ષા રાખીએ છીએ કે જેથી વિજ્ઞાનજાથા કે અન્ય કોઈ એવી વિકૃતિ માનસ ધરાવતી સંસ્થાએ અમોને ડરાવવાનું બંધ કરે, હિન્દુ સંસ્કૃતિ ઉપર ધર્મ, ઉપર શાસ્ત્રો ઉપર પ્રહાર કરવાનું બંધ કરે.

સરકાર પાસે છે કે આવુ કાંઈ પણ બને તો અમારા રક્ષણનું શું? જયંત પંડ્યા જેવા વિધર્મીઓ આવીને અમારૂ માનભંગ કરે છે.

વળી પોતાના મળતીયાઓની સાથે પોલીસને લઈને આવે તો સામાન્ય જન બીકનો, ડરનો માર્યો પોતાની માનસીક સમતુલા ગુમાવી બેસે. ધાક - ધમકીથી તેને ડરાવીને કાંઈ પણ તેની પાસે લખાવી શકે માટે આ બાબત ઘટતુ કરવા તથા વિજ્ઞાન જાથાવાળાને પોલીસ પ્રોટેકશન શું કામ આપવામાં આવે છે. તે ૂર કરવાની અમારી માગણી છે. વિજ્ઞાન જાથાવાળાનું આ બધુ જ સુનિયોજીત કાવતરૂ જ હોય છે તે તેમની તૈયારીઓ ઉપરથી સ્પષ્ટ જણાય છે.

તસ્વીરમાં સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજ અને ભાજપના અગ્રણી જીતુભાઈ મહેતા તેમજ શાસ્ત્રીશ્રીઓ હિરેનભાઈ જોષી, પુષ્કરભાઈ જાની, કૌશિકભાઈ ત્રિવેદી, ભરતભાઈ જોષી, ભાવેશભાઈ રાવલ, જયેશભાઈ વ્યાસ, વિજયભાઈ જોષી, હિરેનભાઈ ત્રિવેદી, કમલેશભાઈ લાબડીયા,  સુરેશભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ભટ્ટ, સંજયભાઈ જોષી, આશિષભાઈ ત્રિવેદી, મનીષભાઈ જોષી તથા સમસ્ત કર્મકાંડ - જયોતિષ વિજ્ઞાન બ્રહ્મવિદ્દ પરીષદ - રાજકોટ, હરીબ્રહ્મ સેવા મંડળ - રાજકોટ, શ્રી શારદામ્બા સંસ્કૃત પાઠશાળા - રાજકોટ, શ્રી સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળા - રાજકોટ અને ઓલ ઈન્ડિયા કર્મકાંડ એસોસીએશન - રાજકોટના સભ્યો નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:51 pm IST)