Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મોહસીનની હત્યા બાદ એઝાઝ, શાહરૂખ અને બીજા બે સાગ્રીત ઉત્તર પ્રદેશ ભાગી જવાની વેંતરણમાં હતાં: વધુ બે ઝડપયા

હત્યાની રાત્રે સુમોમાં બેસી સીધા સુરેન્દ્રનગર ગયા અને દરગાહ નજીક સુઇ ગયા'તાઃ એઝાઝ અને શાહરૂખ પૈસા લેવા આવ્યા ને દબોચાઇ ગયાઃ ૨૨મી સુધી રિમાન્ડ પરઃ બંનેને સાથે રાખી ધર્મેન્દ્ર રોડ પર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવાયું

રાજકોટઃ ભીસ્તીવાડમાં રહેતાં મોહસીન હનીફભાઇ જૂણેજા નામના સંધી યુવાનને ધર્મેન્દ્ર રોડ પર છરીના ૨૭ ઘા ઝીંકી ક્રુરતાથી રહેંસી નાંખનારા નામીચા રિયાઝ ઇસ્માઇલભાઇ દલ (ઉ.૩૬-રહે. હુડકો કવાર્ટર નં. ૭૫, જામનગર રોડ) તથા શાહરૂખ ઉર્ફ રાજા બાબુભાઇ જૂણેજા (ઉ.૨૦-રહે. હુડકો કવાર્ટર જામનગર રોડ કવાર્ટર નં. ૧૩૩)ને પરમ દિવસે ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવી તથા પી.આઇ. વી.એન. યાદવની રાહબરી હેઠળ હેડકોન્સ. સમીરભાઇ શેખ, મોહનભાઇ મહેશ્વરી, અનિલભાઇ સોનારા, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા, નિલેષ ડામોર સહિતે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સમીરભાઇ અને અનીલભાઇની બાતમી પરથી ભીસ્તીવાડમાંથી પકડી લઇ એ-ડિવીઝન પોલીસને સોંપ્યા હતાં. આ બંને શખ્સના ૭ દિવસ એટલે કે ૨૨મી સુધીના રિમાન્ડ મંજુર થયા છે. પોલીસ પુછતાછમાં બંનેએ કબુલ્યું હતું કે હત્યા બાદ સુમોમાં બેસી સુરેન્દ્રનગર પાસેની દરગાહ નજીક પહોંચ્યા હતાં અને રાત્રે ત્યાં જ સુઇ રહ્યા હતાં. ત્યાંથી રિયાઝ અને શાહરૂખ યુ.પી. તરફ ભાગી જવાની વેંતરણમાં હતાં. પૈસા લેવા માટે રાજકોટ આવ્યા હતાં અને ઝડપાઇ ગયા હતાં.

હત્યામાં સામેલ અન્ય બે  સગીરને પણ પોલીસે પકડી લીધા છે. ગઇકાલે ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝન પોલીસે એઝાઝ અને શાહરૂખને સાથે રાખી ધર્મેન્દ્ર રોડ પર હત્યાના સ્થળે લઇ જઇ આકરી પુછતાછ કરી હતી અને ઘટનાનું રિકન્ટ્રકશન કરાવ્યું હતું. છરી અને લોહીવાળા કપડા સુરેન્દ્રનગર નજીક રોડ સાઇડમાં ફેંકી દીધાનું બંને રટણ કરતાં હોઇ પોલીસ તપાસાર્થે ત્યાં જશે. અન્ય બે સગીરની પણ પુછતાછ કરી વિગતો મેળવવામાં આવી હતી. નિઝામની હત્યાનો બદલો લેવા રિયાઝના ઘર પાસે કાવત્રુ ઘડી મોહસીનને ઢાળી દીધાનું રિયાઝે કબુલ્યું છે.  પોલીસે કાવત્રાની કલમનો ઉમેરો કર્યો છે. પી.આઇ. વી.એન. યાદવ, રણજીતસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)