Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

'ભર્યુ' નાળિયેર સોમવારે વધેરાશે : કોને 'ટોપરૂ' ? કોના 'છોતરા' ?

જીસ કા હમે હૈ ઇંતઝાર, જીસ કે લિએ દિલ હૈ બેકરાર (ઉત્સુક), વો ઘડી આ ગઇ... આ ગઇ... : ધારાસભાની ચૂંટણીના પરિણામ પૂર્વનો અભૂતપૂર્વ રોમાંચ : ગુજરાતના નવા શાસકો નક્કી કરવાના જનાદેશ તરફ મીટ

રાજકોટ, તા. ૧૬ :. સમગ્ર દેશની નજર જેના પર મંડાયેલી છે અને જેના આધારે ગુજરાતનું રાજકીય ભાવિ નક્કી થનાર છે તે વિધાનસભાની ૧૮૨ બેઠકોની ચૂંટણીની મત ગણતરી સોમવારે સવારે ૮ વાગ્યાથી શરૂ થશે. રાજકીય ભર્યુ નાળિયેર સોમવારે વધેરાય ત્યારે ખ્યાલ આવશે કે કોના ભાગમાં ટોપરૂ અને પાણી (જીત) આવે છે અને કોના છોતરા (પરાજય) નિકળી જાય છે. પરિણામ આડે આવતીકાલનો એક દિવસ બાકી રહ્યો છે. મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ-કોંગ્રેસે રાબેતા મુજબ જીતના દાવા કર્યા છે. મતદાન પછીના ન્યુઝ ચેનલોના એકઝીટ પોલમાં ભાજપની સરકાર રચાવાનું તારણ દર્શાવાયુ છે. ગુજરાતમાં સત્તા પરિવર્તન થાય છે કે, પુનરાવર્તન ? તે સોમવારે બપોર સુધીમાં ખબર પડી જશે. ગુજરાતનું પરિણામ દેશના રાજકીય ભાવિ પર અસરકર્તા બનશે.

ગુજરાતમાં પ્રથમ તબક્કે ૯ ડીસેમ્બરે ૮૯ બેઠકો માટે અને બીજા તબક્કે ૧૪ ડીસેમ્બરે ૯૩ બેઠકો માટે મતદાન થયેલ. કુલ ૪, ૩૫, ૨૮, ૫૧૯ નોંધાયેલા મતદારો પૈકી બન્ને તબક્કે મળી ૨૯૭૭૬૧૬૦ મતદારોએ મતદાન કર્યુ છે. ટકાવારીની દ્રષ્ટિએ તે ૬૮.૩૬ ટકા જેટલુ થાય છે. ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીએ મતદાનની ટકાવારીમાં ૩ ટકા જેટલો ઘટાડો થયો છે પરંતુ ૫ વર્ષમાં કુલ મતદારોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. રાજયમાં ૫૦૨૬૪ મતદાન મથકો પર મતદાન થયુ હતુ. તા. ૧૮મીએ ૩૭ કેન્દ્રો પર મતદાન થનાર છે. તે તમામ કેન્દ્રોમાં મત મશીનો અને વીવીપેટ સજ્જડ પોલીસ બંદોબસ્ત હેઠળ રાખી દેવામા આવ્યા છે. પ્રથમ પોસ્ટલ બેલેટની અને ત્યાર બાદ ઈવીએમની ગણતરી શરૂ થશે.

ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ સત્તા પર છે. ભાજપે મુખ્યત્વે વિકાસ અને મોદીના ચહેરાને આગળ કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ હતું. કોંગ્રેસે નોટબંધી, જીએસટી, ગેરવહીવટ, પાટીદાર આંદોલન, મોંઘવારી વગેરે મુદ્દા ચગાવ્યા હતા. કોંગ્રેસ તરફથી પ્રચારની કમાન રાહુલ ગાંધીએ સંભાળી હતી. તેઓ આજથી જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે. આવતીકાલે ગુજરાત અને હિમાચલ પ્રદેશનું પરિણામ છે. સત્તા પરિવર્તન કે પુનરાવર્તન તે બાબત અનેક દાવા-પ્રતિદાવા, અટકળો, શરતો વગેરે થઈ રહી છે. સોમવારે જનાદેશ જાહેર થશે અને ગુજરાતમાં નવા ઈતિહાસનું સર્જન થશે.(૯.૩૬)

(4:06 pm IST)