Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને અન્નકૂટ ઉત્સવની સાદગીપૂર્વક ઉજવણી : દેશ વિદેશના ભક્તો-ભાવિકો મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં ઘેર બેઠા ઓનલાઈન ઉજવણીમાં જોડાયા

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાતો રહ્યો છે. આ વર્ષે કોરોના મહામારીમાં, સમયની માંગ, પ્રશાસનના નિયમ અને નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષના પવિત્ર પર્વની ઉજવણી દેશ – વિદેશના હજારો હરિભક્તોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં ઘેર બેઠા ઓનલાઈન GTPL કથા ચેનલ ૫૫૫ તથા live.baps.org પરથી ચોપડા પૂજન, મહાપૂજા અને અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

             પ્રગટ ગુરુહરિ પરમ પૂજય મહંતસ્વામી મહારાજની હાજરીમાં અમદાવાદ નજીક નેનપુર મુકામે દિપાવલી નિમિતે ચોપડા પૂજન અને અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો જેના ઓનલાઈન દર્શન આશીર્વચનનો લાભ સૌ ભક્તોએ ઘેર બેઠા પ્રાપ્ત કર્યો હતો. પરમ પૂજય મહંતસ્વામી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોરોના મહામારીનો સત્વરે અંત આવે, સૌ કોઈનું સ્વાસ્થ્ય સારું રહે અને નૂતન વર્ષ સૌ કોઈ માટે યશસ્વી અને સુખદાયક નીવડે.

             નવી ઋતુમાં તૈયાર થયેલું અન્ન ભગવાનને અર્પણ થાય ત્યાર પછી જ તેનો સ્વીકાર થાય એ આપણી હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા રહી છે. એ પરંપરા અંતર્ગત રાજકોટ મંદિર ખાતે યોજાયેલ અન્નકૂટના દર્શન ભક્તો ભાવિકોએ સોશિયલ ડીસ્ટન્સ સાથે કર્યા હતા. પ્રવર્તમાન વૈશ્વિક મહામારીના કારણે ભવ્ય અન્નકૂટની સ્વામિનારાયણ પરંપરાના સ્થાને મર્યાદિત વ્યંજનોનો સાદો અન્નકૂટ ઠાકોરજી સમક્ષ ધરવામાં આવ્યો હતો.

             આવતીકાલે વિક્રમ સંવત ૨૦૭૭ કારતક સુદ પડવાના દિવસે એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિને સવારે ૬ થી ૭:૩૦ દરમ્યાન નૂતનવર્ષ મહાપૂજાનો ઓનલાઈન લાભ લઈ શકાશે.

 

(12:53 pm IST)