Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની વિવિધ બેઠકમાં આરોગ્ય કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપતા કલેક્ટર અરૂણ મહેશ બાબુ

રાજકોટ :જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, જિલ્લા સંચારી રોગ અટકાયત સમિતિ,  જિલ્લા સ્ટિયરિંગ કમિટી, તમાકુ નિયંત્રણની બેઠકો  કલેકટર કચેરી ખાતે કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં  આ કલેક્ટરએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ટીબી નાબૂદી, ડેન્ગયુ, ચીકન ગુનિયા સહિતના રોગોને કાબુમાં લેવા તાકીદે પગલા લેવામાં આવવા જોઇએ.આ માટે  ખાસ કરીને ઔધોગિક વસાહતોમાં વધુને વધુ ટેસ્ટીંગ કરવું જોઇએ. રોગચાળાને કાબુમાં લેવા સમયાંતરે દવાનો છંટકાવ કરવો જોઇએ. જિલ્લાના તમામ ગામો, નગરો અને શહેરના લોકોને સંપૂર્ણપણે કોવિડની વેકિસનથી ઝડપથી આરક્ષિત કરી દેવાના રહેશે. બાળકો, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ પૂરતાં પ્રમાણમાં પોષક આહાર મળી રહે તેની કાળજી લેવાવી જોઇએ. આ માટે દર માસે આંગણવાડી સ્ટાફ, આશા વર્કર બહેનો તથા આરોગ્ય સ્ટાફની તાલીમ થવી જોઇએ વગેરે જેવા ઉપયોગી અને માર્ગદર્શક સુચનો કર્યા હતા.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,  ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભન્ડેરી, રોગચાળા અધિકારી ડો.નિલેશ રાઠોડ, મેલેરિયા અધિકારી ડો. ગૌરાંગ ઉપાધ્યાય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડાભી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:54 pm IST)