Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મકાન વેરાના વાંકે નળ વગર રહેલા શહેરીજનોને રાહત મળશે

'નલ સે જલ' યોજના : ૨૦૦૦ ઉચ્ચક મકાન વેરો ભરી નળ કનેકશન લઇ જાવ

ઉચ્ચક વેરો ભર્યા બાદ નળ કનેકશન ચાર્જ ભરવાનો રહેશે : ૩૧ ડિસેમ્બર સુધી જ આ યોજના અમલી રહેશે : મેયર પ્રદિપ ડવની જાહેરાત

રાજકોટ તા. ૧૬ : મકાન વેરો નહી ભરી શકનારા શહેરીજનો નળ કનેકશન મેળવી નથી શકતા. આવા લોકો માટે મ.ન.પા.એ 'નલ સે જલ' યોજના જાહેર કરી છે જે અંતર્ગત રૂ. ૨૦૦૦નો ઉચ્ચક મકાન વેરો ભરનારનું નળ કનેકશન મંજુર થશે અને કનેકશનનો ચાર્જ ભર્યા બાદ નળ કનેકશન પણ આપી દેવાશે.

આ અંગે મેયર ડો. પ્રદિપ ડવ જણાવે છે કે, શહેરીજન તરફથી નળ કનેકશન મેળવવા માટે મિલ્કત વેરાની પુરેપુરી ભરાયેલ હોવી જોઈએ તો જ નળ કનેકશન આપવામાં આવે છે. નવા ભળેલ વિસ્તાર તેમજ કોઠારીયા વાવડી વિસ્તારોમાં જે વિસ્તારોમાં ડી.આઈ. પાઈપ લાઇનના કામો પૂર્ણ થયેલ છે. પરતું સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો મિલ્કત વેરો પૂરે પુરો ભરી નહિ શકવાના કારણે નલ સે જલ યોજનાનો લાભ લઇ શકતા નથી.

મેયર ડો.પ્રદિપ ડવએ આવા વિસ્તારના લોકોને શુદ્ઘ પીવાનું પાણી મળે અને સરકારશ્રીની 'નલ સે જલ' યોજના સાકાર થાય તે માટે મિલ્કત વેરામાં ઉચ્ચક રૂ.૨૦૦૦ જેટલી રકમ ભરે તે તેઓને નળ કનેકશન આપવા રજુઆત કરવામાં આવેલ. જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા 'નલ સે જલ' યોજના અંતર્ગત શહેરના તમામ સ્લમ વિસ્તારોમાં રહેણાંકના હેતુ માટે ઓછામાં ઓછા રૂ.૨૦૦૦ ઉચ્ચક મિલ્કત વેરો તથા નળ કનેકશન ચાર્જની રકમ ભરે તેઓને નળ કનેકશન આપવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાનો લાભ શહેરીજનો તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી લઇ શકશે.

શહેરના જુદા જુદા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને શુદ્ઘ પીવાનું પાણી મળી રહે તે માટે આ યોજનાનો લાભ લેવા મેયરશ્રીએ અપીલ કરેલ છે.

નલ સે જલ યોજના અંતર્ગ કયા ઝોનમાં કેટલા કનેકશન અપાયા

વેસ્ટ ઝોન    ૪૧૦૩

ઇસ્ટ ઝોન     ૨૯૭૯

સેન્ટ્રલ ઝોન  ૩૨૮૦

  કુલ       ૧૦,૩૬૨

(4:28 pm IST)