Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કોરોનાનું ગ્રહણ : સતત બીજા વર્ષે મ.ન.પા. દ્વારા આતશબાજી નહીં થાય

હજુ કોરોના સંક્રમણ સંપૂર્ણ નાબુદ થયો નથી ત્યારે જોખમ લેવું યોગ્ય નથી : મેયર પ્રદિપ ડવ, સ્ટે ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશ પીપળીયા

રાજકોટ,તા. ૧૬ : મ.ન.પા. દ્વારા સતત બીજા વર્ષે દિવાળી ઉપર આતશબાજીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, શહેરના ગરીબ અને મધ્યમવર્ગના બાળકો, શહેરીજનો, અવનવા ફટાકડાની આતશબાજી માણી શકે તેવા શુભ હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા આશરે બાર વર્ષથી વધુ સમયથી દિવાળીના તહેવારો દરમ્યાન ધનતેરસના શુભ દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરે છે. આતશબાજીમાં બાળકો, ભાઈ-બહેનો મળી લાખો લોકો આતશબાજીનો લાભ લે છે.

પરંતુ છેલ્લા બે વર્ષોથી કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ગતવર્ષે પણ આતશબાજીનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવેલ. હાલમાં પણ કોરોના સંપૂર્ણ નાબુદ થયેલ નથી. તેમજ આતશબાજીમાં શહેરીજનો, બાળકો લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે. જેના કારણે કોઈ જોખમ ઉભું ન થાય તેવા શુભ આશયથી ચાલુ વર્ષે દિવાળી તહેવારના અનુસંધાને આતશબાજી યોજવામાં આવનાર નથી.

(4:26 pm IST)