Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતીમાં લાગવગઃ ઈન્ટરવ્યુ ફરીથી યોજવા એનએસયુઆઈની માંગ

કુલપતિ, કુલનાયક અને સીન્ડીકેટ સભ્યોને ઘેરાવઃ પોલીસ ફરીયાદની માંગ

રાજકોટ, તા. ૧૬ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત ભરતીની ભલામણ માટે ભાજપના સિન્ડીકેટ સભ્યોના ખાનગી વોટસએપ ભલામણ જાહેર થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કરાર આધારીત અધ્યાપકોના ઈન્ટરવ્યુ ફરી ગોઠવવાની માંગ સાથે એનએસયુઆઈએ કુલપતિ, કુલનાયક અને સિન્ડીકેટ સભ્ય ભરત રામાનુજને ઘેરાવ કરી ઉગ્ર માંગણી કરી છે.

એનએસયુઆઈએ એક યાદીમાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં ૮૮ જેટલા કરારી અધ્યાપકોની ભરતીમાં ભાજપના સીન્ડીકેટ સભ્યો વોટસએપ ગ્રુપ બનાવી કયાં કોને ગોઠવવાની ભલામણો કરવાના સ્ક્રિનશોટ વાયરલ થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશો પારદર્શકતાથી આ કરારી અધ્યાપકોની ભરતી કરવાની વાતો કરે છે તો અગાઉથી નક્કી કરેલા નામો ઉપર જ મહોર કેમ લાગી છે તે મોટો સવાલ છે, કારણ કે ૧૨ જેટલા ભવનોના ૨૩ જેટલા અધ્યાપકોના નામની મહોર તો વોટસએપ ગ્રુપમાં ફાઈનલ કરવામાં આવેલા નામો જ નક્કી થયા છે, પરંતુ આ નામોની હવે આગામી મળનારી સીન્ડીકેટમાં ફાઈનલ મહોર લાગવાની છે. જો કે આ ભરતી ઈન્ટરવ્યુ સિસ્ટમથી થતી હતી તો આ બધા ખોટા નાટક કરવાનો મતલબ શું ? રાત-દિવસ એક કરીને નોકરી માટે મથતા લાયક ઉમેદવારો સામે આવો અન્યાય કરવો કેટલો યોગ્ય ? જે તે ભવનમાં ઈન્ટરવ્યુ જે દિવસે હોય તેના અગાઉથી અખબારોમાં કોને સેટીંગથી નક્કી કરવાના છે જે જાહેર કરી દેતી હોય એનો મતલબ યુનિવર્સિટીનું મેનેજમેન્ટ કેટલી હદે કથળ્યું તે સમજી શકાય છે.

આજના કાર્યક્રમમાં એનએસયુઆઈના કાર્યકરોેએ કુલપતિ અને ઉપકુલપતિની ચેમ્બરમાં તેમજ એજયુકેશન ભવનના હેડ ભરત રામાનુજની ચેમ્બરે ધરણા કરી હલ્લાબોલ કર્યો હતો અને જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ રોહિતસિંહ રાજપુતે સત્તાધિશોને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતુ કે જો અધ્યાપકોની ભરતી પ્રક્રિયા ફરીથી પારદર્શકતા કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં એનએસયુઆઈના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મોહીલ ડવ, પાર્થ બગડા, સાર્થક રાઠોડ, જીત સોની, ઉતમ ડાંગર, મીહીર વાઘેલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

(4:24 pm IST)