Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ટ્રેનમાંથી કૂદી પાટા પર માથુ મુકી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને બચાવી લેવાઇ

રાજકોટ સ્ટેશન પર બનાવઃ રેલ્વેના ફિટરની સતર્કતા કામ કરી ગઇઃ જીએમ અને ડીઆરએમએ એવોર્ડ આપ્યો

મહિલાને બચાવી લેનાર કર્મચારી એ. આર. મુરગન

રાજકોટ તા. ૧૬: ગઇકાલે બપોરે ૩:૨૦ કલાકે રાજકોટથી મુંબઇ તરફ રવાના થઇ રહેલી વેરાવળ-બાંદ્રા સોૈરાષ્ટ્ર જનતા ટ્રેન ઉપડી ત્યારે ચાલુ ટ્રેનમાંથી કૂદી પાટા પર માથુ મુકી આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાને રેલ્વેના કર્મચારીની સતર્કતાને કારણે બચાવી લેવાઇ હતી. આ કર્મચારીને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અને રાજકોટના ડિવીઝનલ મેનેજર દ્વારા એવોર્ડ આપી સન્માન કરાયું છે.

મળતી માહિતી મુજબ સોૈરાષ્ટ્ર જનતા ટ્રેન રોલીંગ આઉટ કરી રહી હતી ત્યારે કેરેજ ફિટર એ. આર. મુરગને જનરલ કોચની અંદર મોટે મોટેથી દેકારો થતાં સાંભળ્યો હતો. એક મહિલા યાત્રી કોચનું હેન્ડલ પકડી લટકી રહી હતી. મુરગને તરત જ બરાડા પાડી અન્ય યાત્રીઓને ચેઇન ખેંચવા કહ્યું હતું અને ટ્રેન રોકાય તે પહેલા મહિલા યાત્રીએ કૂદીને ટ્રેન નીચે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોતાનું માથુ ટ્રેક પર રાખી દીધું હતું. જો કે આ સાથે જ ચેઇન પુલીંગને કારણે  ટ્રેન એકદમ ધીમી પડી ગઇ હતી અને મહિલાને ખેંચી લેતાં તેનું માથુ એકસેલ બોકસમાં અથડાતાં ઇજા થઇ હતી. જો કે મુરગને તેણીને બચાવી લીધી હતી અને  ૧૦૮ના ઇએમટી નિલેષ ગોહેલ અને પાઇલોટ મેહુલભાઇએ  સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ અને ડીઆરએમ અનિલકુમાર જૈને કેરેજ ફિટર એ. આર. મુરગનની ઝડપી કામગીરીને બીરદાવી રોકડ પુરષ્કારની ઘોષણા કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાનું નામ રીન્કુદેવી (ઉ.વ.૩૦) હોવાનું રેલ્વે પોલીસના એએસઆઇ હરવિજયસિંહ ગોહિલની તપાસમાં ખુલ્યું હતું. 

(4:17 pm IST)