Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ચારિત્ર્યની શંકાને લીધે હત્યાઃ મનહરપુરના શૈલેષે પૂર્વ પત્નિને અટલ સરોવર પાસે લઇ જઇ ઘા ઝીંકયા, છરી બટકી જતાં ટૂંપો દઇ મારી નાંખી

હત્યા બાદ શૈલેષ ઉર્ફ રાહુલ પંચાસરા (કોળી)એ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું-મેં મારી પત્નિને મારી નાંખી છે, હવે કયાં હાજર થવાનું?: કન્ટ્રોલ રૂમે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસની ટીમ પહોંચી અને આરોપીને સકંજામાં લીધોઃ હત્યાનો ભોગ બનનાર નેહાબાના પિતા ઘંટેશ્વરમાં રહેતાં પ્રવિણસિંહ પરમારની ફરિયાદઃ છૂટાછેડા પછી પણ મારી દિકરીને શૈલેષ વારંવાર ફોન કરી ખોટી શંકા કરી પતાવી દેવાની ધમકી દેતો'તો : પાંચ વર્ષ પહેલા શૈલેષ કોળીએ ઘંટેશ્વરની નેહાબા સાથે લવમેરેજ કર્યા'તાઃ એક દિકરીનો જન્મ થયા પછી શૈલેષ દારૂ પી મારકુટ કરી શંકા કરવા માંડતા આઠેક મહિના પહેલા છુટાછેડા થયા'તાઃ આ પછી પણ તેણે હેરાન કરવાનું છોડ્યું નહિ અને છેલ્લે જીવ લીધો

રાજકોટ તા. ૧૬: જામનગર રોડ માધાપર ચોકડી નજીક મનહરપુર-૧માં રહેતાં કોળી શખ્સને પોતાની સાથે છૂટાછેડા લઇ તેના પિતા સાથ રહેવા જતી રહેલી પૂર્વ પત્નિના ચારિત્ર્ય પર શક હોઇ ગત રાતે તેણીને ઘંટેશ્વર નજીકથી માલવાહક બોલેરોમાં બેસાડી નવા ૧૫૦ રીંગ રોડ પર અટલ સરોવર પાસે લઇ જઇ પડખા-પેટમાં છરીના ઘા મારતાં છરી બટકી જતાં તેણીએ રાડો પાડતાં ખભા પર રાખવાના ફાળીયાથી ગળાટૂંપો દઇ પતાવી દીધી હતી. હત્યા કર્યા બાદ જાણે કંઇ બન્યું ન હોઇ તેમ ૧૦૦ નંબરમાં કન્ટ્રોલ રૂમમાં ફોન કરી 'મારી ઘરવાળીના ચારિત્ર્યથી કંટાળીને મેં તેને મારી નાંખી છે, હવે કયાં હાજર થવાનું?' તેમ કહેતાં કન્ટ્રોલ રૂમથી તત્કાલ મોબાઇલ મોકલાઇ હતી અને તેને સકંજામાં લેવાયો હતો. હત્યા કર્યાનો આ શખ્સને જરાય અફસોસ નથી.

આ બનવમાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ભોગ બનેલી નેહાના પિતા ઘંટેશ્વર ચીથરીયા પીરની દરગા પાસે ૨૫ વારીયા કવાર્ટર નં. ૭૪માં રહેતાં પ્રવિણસિંહ ભૂપતસિંહ પરમાર (ક્ષત્રિય) (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી માધાપર પાસે મનહરપુર-૧ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતાં નેહાના પૂર્વ પતિ શૈલેષ ઉર્ફ રાહુલ ભૂપતભાઇ પંચાસરા (કોળી) સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

પ્રવિણસિંહ પરમારે પોલીસને જણાવ્યું છે કે અમે મુળ મુળીના વતની છીએ. હું વર્ષોથી મારા પરીવાર સાથે રહુ છુ અને મારી પાસે ઓટોરીક્ષા નંબર-જી.જે.૦૩-એ એકસ-૯૩૯૬ છે, જેના થકી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં ચાર દીકરીઓ તથા એક દિકરો છે. મારા પત્નિનું નામ કંચનબા છે. નાની દિકરી નેહાબા (ઉ.વ.૨૬)એ આજથી પાંચેક વર્ષ પહેલા મનહરપુરના શૈલેષ ઉર્ફે રાહુલ ભુપતભાઇ પંચાસરા (કોળી) સાથે પ્રેમ સંબંધ બંધાઇ જતાં ઘરેથી ભાગીને લવમેરેજ કરી લીધા હતાં.

 ઘરેથી એ બંને ભાગ્યા ત્યારપછી સતત બે વર્ષ સુધી તે બહાર જ રહ્યા હતાં. એ પછી શૈલેષ તેના મનહરપુરના ઘરે આવી ગયો હતો અને મારી દિકરી પણ તેની સાથે રહેતી હતી. એ પછી લગ્ન જીવન દરમિયાન મારી દિકરી નેહાએ એક દિકરી શિયાને જન્મ આપ્યો હતો. જેની ઉમર હાલમાં ૩ વર્ષની છે. શૈલેષના પિતાજી ગુજરી ગયા છે. તેના બા ઇશ્વરીયા પોસ્ટ હોટલમાં કામ કરે છે. શૈલેષ દારૂ પી અવારનવાર મારી દીકરીને માર મારતો હોઇ અને ખોટી શંકાઓ કરતો હોઇ જેથી મારી દિકરી નેહાબાએ આ શૈલેષ સાથે આઠેક મહીના પહેલા છૂટાછેડા લઇ લીધા હતાં. ત્યારથી નેહાબા તેની નાની દિકરી શિયા સાથે અમારી સાથે રહેતી હતી.

એકાદ મહિનાથી મારી દિકરી નેહાબાએ અને પરસાણાનગરમાં આવેલ અગરબતીના કારખાનામાં કામે જવાનું પણ ચાલુ કર્યુ હતું. મારી દિકરીએ છુટાછેડા લઇ  લીધા હોવા છતાં પણ શૈલેષ વારંવાર મારી દિકરીને ફોન કરીને હેરાન કરતો હતો અને 'તારે બીજા સાથે આડાસંબંધ છે, હું તને શાંતિથી રહેવા નહિ દઉ' તેમ કહી ધમકીઓ આપતો હતો.

દરમિયાન શુક્રવારે ૧૫/૧૦ના રાતે મારી દિકરી નેહાબા કામ ઉપરથી ઘરે આવી હતી અને જમ્યા બાદ તેણીએ કહેલું કે માસીના દિકરી ક્રિષ્નાબા રાજેન્દ્રસિંહ જાડેજા કે જે બજરંગવાડી-૨માં રહે છે અને ઘરે જ બ્યુટી પાર્લર ચલાવે છે તેને મજા ન હોવાથી તેની ઘરે જાવ છું, ત્યાં રોકાઇને આવતીકાલે સીધી જ કામ પર જતી રહીશ તેમ કહીને અમારા ઘરેથી નીકળી હતી.

ત્યારબાદ મેં દિકરી નેહબાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હોઇ જેથી તેની તપાસમાં હું સાઢુભાઇ રાજેન્દ્રસિંહ જાડેજાના ઘરે બજરંગવાડીમા ગયો હતો. પરંતુ ત્યાં પુછતાં ક્રિષ્નાબાએ કહેલુ કે અહિ નેહાબા આવી જ નથી.  આથી અમે તેની શોધખોળ શરૂ કરી હતી. શંકા જતાં અમે મનહરપુર રાહુલ ઉર્ફ શૈલેષની ઘરે ગયા હતાં. ત્યાં પંખા લાઇટ ચાલુ હતાં પણ રાહુલ ઉર્ફ શૈલેષ નહોતો. તેનો ફોન પણ બંધ હતો. અમે શોધખોળ ચાલુ રાખી હતી ત્યાં મને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના કોઇ પોલીસ કર્મચારીએ ફોન કરી કહેલું કે તમે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર અટલ સરોવર પાસે આવી જાવ. આથી હું, મારા પત્નિ, પુત્ર ધ્રુપતસિંહ, પડોશી મહેશભાઇ ચોૈહાણ તથા મારા સંબંધી રઘુવીરસિંહ ગોહિલ સહિતના અટલ સરોવર પાસે ગયા હતાં.ત્યાં જઇ જોતાં મારી દિકરી નેહાબા જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. તેને છાતીના ભાગે તથા પડખામાં અને પગમાં ઇજા થઇ હોઇ લોહી નીકળતું હતું. મેં તેને હલાવી ચલાવી જોતા તે કાંઇ બોલતી ન હોઇ તે મૃત્યુ પામ્યાનું પોલીસે કહ્યું હતું.  ત્યાં હાજર પોલીસ અધિકારીએ અમને વાત કરી હતી કે તમારી દિકરી નેહાબાને તેના આગલા પતિ શૈલેષ ભુપતભાઇ પંચાસરાએ ઝગડો કરી છરીના ધા મારી ગળેટૂંપો આપી મારી નાંખી છે.  એ પછી અમે દિકરી નેહાબાની લાશને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઇ ગયા હતાં.પ્રવિણસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે શૈલેષ ઉર્ફે રાહુલ પંચાસરાએ મારી દિકરી નેહાબા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. તે વારંવાર દારૂ પી ખોટી શંકાઓ કરી મારકુટ કરતો હોઇ જેથી મારી દિકરીએ તેની સાથે છૂટાછેડા લીધા હતાં. આમ છતાં તે સતત ફોન કરી મારી દિકરીને તારે બીજા સાથે આડાસંબંધ છે, હું તને છોડીશ નહિ તેવી ધમકી આપી ખોટા વ્હેમ કરતો હોઇ તેણીને અટલ સરોવર પાસે લઇ જઇ છરીના ઘા ઝીંકી ગળાટૂંપો દઇ મારી નાંખી છે.

આ કેફીયતને આધારે પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા,  એ. બી. વોરા, લક્ષમણભાઇ મકવાણા, હરપાલસિંહ, જયંતિગીરી સહિતની ટીમે કાર્યવાહી કરી ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં વધુ તપાસ થઇ રહી છે. 

શૈલેષ ઉર્ફ રાહુલે કહ્યું-મારે એને મારવી'જ હતી, તક શોધતો હતો ત્યાં તેનો સામેથી ફોન આવ્યો

. હત્યાના આરોપી શૈલેષ ઉર્ફ રાહુલે કહ્યું હતું કે છુટાછેડા પછી પણ મને શંકા હતી કે નેહાબાને બીજા છોકરા સાથે લફરૂ છે. તેના મોબાઇલ ફોનમાં બીજા છોકરાના ફોટા પણ હતાં. આ અંગે મેં તેના પિતાને પણ વાત કરી હતી. મારી ત્રણ વર્ષની દિકરી નેહા પાસે હતી. તેને તે સરખી રીતે સાચવતી ન હોઇ મારો મગજ પાંચ દિવસથી ભમતો હતો. મારે એને મારી નાંખવી હતી અને એવા જ વિચાર આવતાં હતાં. પણ તક નહોતી મળતી. ત્યાં શુક્રવારે રાતે સામેથી નેહાએ મને ફોન કરી બજરંગવાડી સુધી મુકી જવા કહેતાં હું બોલેરો લઇને ગયો હતો અને ત્યાંથી સીધો અટલ સરોવર પાસે લઇ ગયો હતો અને નીચે ઉતારી છરીથી તૂટી પડ્યો હતો. પણ છરી બટકી ગઇ હતી અને નેહાએ બૂમાબૂમ ચાલુ કરતાં મેં ખભે રાખવાના ફાળીયાથી ગળાટૂંપો દઇ તેને મારી નાંખી હતી. એ પછી મેં જાતે જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. એને મારી નાંખ્યાનો મને જરાય અફસોસ નથી. 

પિતા પ્રવિણસિંહે કહ્યું-છુટાછેડા પછી પણ શૈલેષ ફોન કરી ખોટી શંકા કરી મારી નાંખવાની ધમકી આપતો'તો...અંતે ધમકી સાચી ઠેરવી

હત્યાનો ભોગ બનનાર નેહા ચાર બહેન અને એક ભાઇમાં ચોથી હતીઃ પિતા રિક્ષાચાલક

. હત્યાનો ભોગ બનનાર નેહાબા ચાર બહેન અને એક ભાઇમાં ચોથા નંબરે હતી. તેણે પાંચ વર્ષ પહેલા શૈલેષ કોળી સાથે લવમેરેજ કર્યા હતાં. નેહાબાના પિતા પ્રવિણસિંહ પરમારે કહ્યું હતું કે શૈલેષ અગાઉ મારી ઓફિસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તે ૨૦૧૬માં મારી દિકરીને ભગાડી ગયો ત્યારે અમને એ બંને વચ્ચે પ્રેમ હોવાની ખબર પડી હતી. તે વખતે એ બંને બે વર્ષ સુધી ભાગતા રહ્યા હતાં. એ પછી મનહરપુર આવી રહેતા હતાં. મારી દિકરીને શૈલેષ ઉર્ફ રાહુલ દારૂ પી મારકુટ કરતો હોઇ અને ખોટી શંકા કરી સતત હેરાન કરતો હોઇ જેથી આઠ મહિના પહેલા છુટાછેડા લઇ દિકરી મારા ઘરે મારી સાથે રહેતી હતી. છુટાછેડા પછી પણ શૈલેષ વારંવાર ફોન કરી ખોટી શંકા કરી તને તો મારી જ નાંખવી છે તેવી ધમકી આપતો હતો. અંતે તેણે આ ધમકી સાચી ઠેરવી છે. 

(4:23 pm IST)