Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

લ્યો હવે આ કારણે પણ ડખ્ખા ચાલુ થઇ ગયા...!

ઓનલાઇન અભ્યાસ માટે દિકરાને મોબાઇલ આપવાનું કહેનાર મનિષાબેનને માર મળ્યો

દેવનગરનો બનાવઃ પતિ ઘનશ્યામ અને સસરા વિરૂધ્ધ ફરિયાદઃ ૭મીએ પતિએ ધોકો ફટકારતાં સારવાર લઇ માવતરે જતી રહેલી પરિણીતાને પરત આવતાં સાથે રાખવાની ના પાડી દેતાં ફરિયાદ

રાજકોટ તા. ૧૫: ઓનલાઇન અભ્યાસ માટે દિકરાને મોબાઇલ ફોન આપવાનું કહેનાર દેવનગરની મહિલા સાથે પતિ-સસરાએ ઝઘડો કરી ગાળો દેતાં અને પતિએ માથામાં ધોકો ફટકારી ઇજા કરતાં તેમજ હવે ઘરમાં રાખવાની પણ ના પાડી દેતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે માલવીયાનગર પોલીસે નાનામવા રોડ દેવનગર-૨મા રહેતાં મનિષાબેન ઘનશ્યામભાઇ સોલંકી (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી તેના પતિ ઘનશ્યામ અમરશીભાઇ સોલંકી તથા સસરા અમરશીભાઇ વેલજીભાઇ સોલંકી સામે ગુનો નોંધ્યો છે.

મનિષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૭-૦૯-૨૦ના રોજ હું બપોરે ત્રણેક વાગ્યે ઘરે હતી ત્યારે પતિ ઘનશ્યામને મેં પુત્ર નિખીલને અભ્યાસ કરવા માટે મોબાઇલ ફોન આપવાનું કહેતાં તેણે આપ્યો નહોતો અને જેમ તેમ બોલી ઝઘડો કરવા માંડ્યો હતો. તે માથાકુટ કરી ઉંચા અવાજે બોલતો હોઇ મેં તેને ઉંચા અવાજે બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારા સસરા અમરશીભાઇને બોલાવતાં તેણે આવીને મને ગાળો દીધી હતી. એ પછી પતિએ મળી કપડા ધોવાના પ્લાસ્ટીકના ધોકાથી મને માથામાં ઇજા કરી હતી. ૧૦૮ બોલાવી હું સારવાર માટે  હોસ્પિટલે ગઇ હતી.

જે તે વખતે ઘરસંસાર બગડે નહિ તેથી મેં માત્ર અરજી આપી હતી. સારવાર લીધા બાદ હું મારા માતરને ત્યાં ધ્રાંગધ્રા જતી રહી હતી. ગઇકાલે ૧૪મીએ પરત રાજકોટ આવતાં પતિ ઘરે મળેલ નહિ અને ઘરને તાળુ જોવા મળતાં તેને ફોન કરતાં તેણે સાથે રાખવાની ના પાડી દીધી હોઇ જેથી હવે ફરિયાદ કરવી પડી છે. પીએસઆઇ બી. બી. રાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:55 pm IST)